મેટિનીસ્પેશિયલ ફિચર્સ

સ્ટાર-યાર-કલાકાર : વિચાર ને વિદ્રોહના મજબૂત છતાં મજેદાર શાયર કૈફી આઝમી

-સંજય છેલ

સૌજન્ય: શ્યામ,
અબ્બાજાન અને અમ્મીજાન સાથે શબાના આઝમી

મુંબઈમાં કોઈ ફિલ્મ નિર્માતાને ત્યાં દિવાળીની પાર્ટી ચાલી રહી હતી. ત્યાં ગીતકાર-શાયર કૈફી આઝમીએ કોઈ શાયરને કહ્યું:

‘અબ તો આપ શાદી કર હી લો.’
પેલા શાયરે કહ્યું, “હાં પર, આજકલ કહાં અચ્છી બીવીયાં મિલતી હૈ?
કૈફીએ પાસે બેઠેલી સ્ત્રીઓ તરફ ઈશારો કરીને કહ્યું:
‘વહાં દેખો, કિતની સારી હૈ! ઢૂંઢ લો કોઈ!’
એ ગ્રુપમાં કૈફીનાં પત્ની શૌકત પણ હતાં.
શાયરે કહ્યું: ‘વહાં તો આપકી બીવી ભી હૈ!’
કૈફીએ તરત કહ્યું: ‘તુમ તૈયાર હો તો મૈં અભી તલાક દે દું!’

આ કૈફી આઝમી, હિંદી-ઉર્દૂના બેજોડ કવિ ને ફિલ્મી ગીતકાર હતા. હવે યુ.પીના આઝમગઢની ઓળખ અંડરવર્ડ અને ગુનાખોરી માટે છે, પણ ત્યાંની સાચી ઓળખ શાયર કૈફી આઝમી છે. જોકે આજે કૈફીજીની ઓળખ શબાના આઝમીના પપ્પા અને જાવેદ અખ્તરના સસરા તરીકે થાય છે એય વાસ્તવકિતા છે.

જો કે ચાહકો કૈફીજીને- ‘કર ચલે હમ ફિદા જાનોં તન સાથીયોં..’, ‘તુમ ઇતના જો મુસ્કુરા રહે હો?…’, ‘વક્ત ને કિયા ક્યા હંસી સિતમ’ જેવાં ગીતો માટે યાદ કરે જ છે. ૪૦ના દાયકામાં દેશમાં સાહિર, મજરૂહ, શૈલેંદ્ર, બલરાજ સહાની, કે.એ. અબ્બાસ, બિમલ રોય વગેરે જેવા વિચારવંત કલાકારો-સાહિત્યકારોએ પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશન નામે પ્રગતિવાદી કલાકારોનું ગ્રુપ બનાવેલું ને આઝાદી માટે શેરીનાટકો વગેરે કરતા. આ બધામાં કૈફીજીને ઉર્દૂ સાહિત્યમાં ગીતકાર સાહિર કે શૈલેંદ્ર કરતાં હંમેશાં વધુ માન મળતું, કારણ કે એ ફક્ત પેમલા-પેમલીના શાયર નહોતા, પણ લડાકુ કવિ હતા.

કૈફીજી, આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર સામે સતત લડીને એકથી વધુ વાર જેલ પણ ગયેલા. આઝાદી બાદ આમ આદમી, મજૂરો કે ખેડૂતો કે શોષિતો માટે ‘અવામી ઇદારા’ સંસ્થા સ્થાપીને ઝૂંપડપટ્ટીમાં જઈને સંઘર્ષ કરતા. ફૂટપાથ પર ઊભા રહીને મજૂરોમાં જાગૃતિ લાવવા ચોપાનિયાં વેંચતાં. આપણા ગુજરાતી કવિઓને આવું આંદોલન કરતાં કલ્પીયે શકાય? નાસ્તિક અને લિબરલ શાયર કૈફીજી કટ્ટર મુલ્લાઓ સામે પણ લડેલા. ‘આવારા સજદે’ નામની જલદ કિતાબ લખેલી અને ધર્માંધ મુસ્લિમોનો ખોફ વહોરી લીધેલો.

નાનપણમાં કૈફીના તહસીલદાર અબ્બાજાન એમને આધુનિક શિક્ષણ આપવા માગતા હતા, પરંતુ સબંધીઓના દબાણને કારણે કૈફીને ઇસ્લામના અધ્યયન માટે લખનઊમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ ત્યાં એમણે ધર્મ અંગે અળખામણા સવાલો પૂછીને હડતાળ કરી એટલે તગેડી મૂકવામાં આવેલા. પછી લખનઊ-અલાહાબાદ યુનિવર્સિટીમાં ઉર્દૂ, અરબી ને ફારસી ભાષાનો અભ્યાસ કર્યો. આ કૈફીજીએ કેવળ ૧૧ વર્ષની ઉંમરે પહેલી ગઝલ લખી, જેને પાછળથી બેગમ અખ્તરે ગાઈ હતી.

કૈફીએ ૧૨ વરસની ઉંમરે નિર્ણય લઈ લીધેલો કે હું ફક્ત લેખક જ બનીશ!’ ત્યાર બાદ કૈફી કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા અને પાર્ટીએ પ્રચાર માટે મુંબઈ મોકલ્યા ત્યારે એ ‘ઇપ્ટા’ નાટકસંસ્થામાં જોડાયા. ‘ઈપ્ટા’માં જ કૈફી અનેક લેખક-કલાકારોને મળ્યા અને એમાંની એક હતી અભિનેત્રી શૌકત.

શૌકત ખૂબ પ્રતિષ્ઠિત પૈસાપાત્ર પરિવારની હતી, પણ મુફલિસ કવિ કૈફીના લેખનની ચાહક હતી. શૌકત-કૈફીની શાદી લેખક-મિત્ર સજ્જાદ ઝહીરના ડ્રોઈંગરૂમમાં સાવ સાદગીથી ચોરીછૂપી થયેલી ત્યારે હનિમૂન માટે ફૂટી કોડીય નહોતી.
કૈફી અને શૌકત વચ્ચે જેટલો પ્રેમ હતો એટલો જ વિખવાદ પણ થતો.

શૌકત આઝમી અભિનેત્રી હતાં અને જમાનાથી આગળ ચાલનાર આઝાદ સ્ત્રી. એક વાર શાયર નિદા ફાજલી સાથે કૈફી સાહિત્યની ચર્ચા કરતા હતા ને શૌકતજી વચ્ચે વચ્ચે ટાપસી પુરાવતાં હતાં. કંટાળેલા કૈફીએ રસોઈયા જોનને બોલાવીને કહ્યું: ‘જોન.. આજ સે મેરી કુર્સી કિચનમેં રખના. અબ સે મૈં ચુલ્હા-ચૌકા સંભાલુંગા ઔર શૌકતજી, અદબ (સાહિત્ય) સંભાલેગી!’

નારીવાદી શૌકતને ગુસ્સો આવ્યો ત્યારે કૈફીએ કહ્યું: ‘અરે, યે મઝાક હૈ ઔર યે ના ભૂલો કિ મૈંને ‘ઔરત’ ઔર ‘ગર્ભવતી’ જૈસી કવિતાએં લિખી હૈ!’ શૌકત ચૂપ થયાં, કારણ કે કૈફીની એ નારીવાદી કવિતાઓએ ત્યારના સમાજમાં આગ લગાડેલી!

કૈફીજી ‘કૌમી જંગ’ મૅગેઝિનમાં લખીને માત્ર ૪૦ રૂપિયા મહિને કમાતા. મુંબઈના ખેતવાડી વિસ્તારની ચાલમાં રહેલા, જ્યાં ટૉઈલેટ પણ સાર્વજનિક હતાં. અહીં જ દીકરી શબાના (આઝમી)નો જન્મ થયો હતો. જ્યારે શબાના, શૌકતજીના પેટમાં હતી ત્યારે કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા એમને ગર્ભપાત માટેનું ફરમાન આપવામાં આવેલું, પણ એ ફરમાનનું ઉલ્લંઘન કરીને કૈફી-શોકત ભૂગર્ભમાં જતાં રહેલાં.

કમ્યુનિસ્ટ પાર્ટીનું માનવું હતુ કે માત્ર ૪૦ રૂપિયાના પગારમાં બાળકની સારસંભાળ કેવી રીતે રાખી શકશે અને પછી ઘર ચલાવવા કૈફીમાં કરપ્શન આવશે તો? પણ પછી તો ગુર્દત્તની ‘કાગઝ કે ફૂલ’, ચેતન આનંદની ‘હિંદુસ્તાન કી કસમ’ અને ‘હીર-રાંઝા’થી લઈને મહેશ ભટ્ટની ‘અર્થ’ જેવી અનેક ફિલ્મોમાં સફળ થઈ પછી વરસો બાદ જુહુમાં એક નાનકડા બંગલામાં રહેવા આવ્યા. એ ‘જાનકી કુટિર’ બંગલો એટલે આજે જ્યાં મુંબઈ રંગભૂમિનું અદ્ભુત પ્રાયોગિક ‘પૃથ્વી’ થિયેટર બન્યું છે.

કૈફીજીનું ફિલ્મોમાં આવવાનું કારણ આર્થિક મજબૂરી હતું, પણ એ જ એમની ઓળખ બની ગઈ. કડકીના દૌરમાં ૧૯૫૧માં એમણે જાણીતી વિદ્રોહી ઉર્દૂ લેખિકા ઇસ્મત ચુઘતાઇના નિર્માતા-નિર્દેશક પતિ શાહિદ લતીફની ફિલ્મ માટે પહેલું ગીત લખ્યું. પછી તો કૈફી કુલ ૮૦ ફિલ્મ સાથે સંકળાયેલા રહ્યા હતા.

એમને ૩-૩ ફિલ્મફેર એવૉર્ડ કે ‘નેશનલ એવૉર્ડ’ પણ મળ્યા. કૈફીજીએ ‘ગર્મ હવા’ જેવી યાદગાર ફિલ્મ લખેલી, જેને સત્યજિત રેએ ભારતની ૩ મહાન ફિલ્મમાંની એક ગણાવી છે!
કૈફીજીએ ૧૮૫૭ના સમયગાળા વિશે ‘ઉર્દૂ કા આખરી મુશાયરા-આખરી શમા’ નામનું અત્યંત સફળ રમૂજી નાટક પણ લખેલું, જેમાં બલરાજ સહાનીએ કામ કરેલું, જે આજે ૬૫ વરસે પણ હજી ભજવાય છે!

કૈફીજીએ અભિનેતા રાજકુમારની ‘હીર-રાંઝા’ નામની સુપરહિટ ફિલ્મના બધા જ સંવાદો – શેરો-શાયરી કે કાવ્યનાં સ્વરૂપમાં લખેલા અને આવો પ્રયોગ જગતમાં કોઈ જ ફિલ્મમાં આજ સુધી થયો નથી.

પછીથી પૈસેટકે સફળ નીવડેલા કૈફીજી ફક્ત ‘મો-બ્લાં(ક)’ નામની મોંઘી ફાઉન્ટન પેનથી લખતા ને એ પેનની સર્વિસ છેક ન્યૂ યૉર્કની ‘ફાઉન્ટેન હૉસ્પિટલ’માં થતી હતી. આમ તો કૈફીને પદ્મશ્રી, સાહિત્ય અકાદમી એવૉર્ડ અને સોવિયતભૂમિ ‘નેહરુ એવૉર્ડ’થી નવાજવામાં આવેલા, પણ ઈનામ-અકરામની બધી જ રકમ એમના યુ.પી.ના જન્મસ્થળ મિઝવાનમાં શાળા, હૉસ્પિટલ, પોસ્ટઑફિસ ને રસ્તા બનાવવા માટે આપી દીધી હતી.

યુ.પી.સરકારે, આઝમગઢમાં સુલતાનપુરથી ફૂલપુર માર્ગને ‘કૈફી માર્ગ’ તરીકે જાહેર કર્યો છે, પણ કૈફીજી જેવા રોમેંટિક અને વિદ્રોહી શાયરના નામે રસ્તો બનાવવો આસાન છે, પણ એમના રસ્તે ચાલવું કઠિન છે!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button