આમચી મુંબઈ

પેમેન્ટ ગેટવે કંપનીનું એકાઉન્ટ હૅક કરીને રૂ. ૧૬,૧૮૦ કરોડની ઉચાપત

થાણે: પેમેન્ટ ગેટવે સર્વિસ પ્રોવાઇડર કંપનીના એકાઉન્ટને હૅક કરી અમુક લોકોના જૂથે સમયાંતરે વિવિધ બેન્ક ખાતાંમાંથી રૂ. ૧૬,૧૮૦ કરોડની ઉચાપત કરી હતી. આ છેતરપિંડી લાંબા સમયથી થઇ રહી હતી, પણ એપ્રિલ, ૨૦૨૩માં રૂ. ૨૫ કરોડની ઉચાપત અંગેની ફરિયાદ થયા બાદ પોલીસ તપાસમાં મેગા ફ્રોડ પ્રકાશમાં આવ્યો હતો. નૌપાડા પોલીસે આ પ્રકરણે કેટલાક લોકો સામે ગુનો દાખલ કરી તપાસ આદરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પેમેન્ટ ગેટવે સર્વિસ પ્રોવાઇડર કંપનીનું સોફ્ટવેર હૅક કરી રૂ. ૨૫ કરોડની ઉચાપત કરવામાં આવતાં કંપનીના લીગલ એડવાઇઝર દ્વારા થાણેના શ્રીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી, જેને આધારે ભારતીય દંડસંહિતા અને આઇટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ કરાતાં જાણવા મળ્યું હતું કે રૂ. ૨૫ કરોડમાંથી રૂ. ૧.૩૯ કરોડ રિયાલ એન્ટરપ્રાઇઝીસના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા છે. આથી પોલીસ ટીમે રિયાલ એન્ટરપ્રાઇઝીસ વિશે માહિતી મેળવતાં તેની ઓફિસ નવી મુંબઈના વાશી અને બેલાપુરમાં હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે ત્યાર બાદ વાશી અને બેલાપુરની ઓફિસમાં તપાસ કરીને વિવિધ બેન્ક એકાઉન્ટ્સ અને એગ્રીમેન્ટ્સ પ્રાપ્ત કર્યા હતા, જેની તપાસમાં થાણે સ્ટેશન રોડ પર બાલગણેશ ટાવરના સરનામે વિવિધ વ્યક્તિઓનાં નામે બનાવટી દસ્તાવેજોને આધારે પાંચ ભાગીદારી પેઢીની સ્થાપના કરવામાં આવી હોવાનું જણાયું હતું. દરમિયાન રિયાલ કંપનીના કર્મચારીઓની પૂછપરછ દરમિયાન ૨૬૦ જેટલા બેન્ક ખાતાં અને વિવિધ નોટરાઇઝ્ડ એગ્રીમેન્ટ મળી આવ્યા હતા. આ બેન્ક ખાતાંઓમાં રૂ. ૧૬,૧૮૦ કરોડની હેરફેર સામે આવી હતી. આમાંથી અમુક રકમ વિદેશમાં મોકલવામાં આવી હતી, એવું પણ જાણવા મળ્યું હતું.
આમ અનરજિસ્ટર્ડ ભાગીદારી પેઢીના અને વિવિધ વ્યક્તિના નામે બેન્ક ખાતાં ખોલાવી બોગસ દસ્તાવેજોને આધારે સરકાર સાથે છેતરપિંડી આચરવા પ્રકરણે નૌપાડા પોલીસ સ્ટેશનમાં અમોલ આંધળે ઉર્ફે અમન, સંજય સિંહ, કેદાર ઉર્ફે સમીર દીઘે, જિતેન્દ્ર પાંડે, નવીન તથા અન્યો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button