આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

વોટિંગ મશીનો કડક સુરક્ષા હેઠળ, સ્ટ્રોંગ રૂમ પર સીસીટીવીની નજર

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણીનું મતદાન 20 નવેમ્બરના રોજ પૂરું થઇ ગયું છે. મુંબઈ-ગ્રેટર મુંબઈના મતદારોએ બુધવારે વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરો થયા બાદ મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો. મુંબઈમાં 53 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે પાલઘર, થાણે, રાયગઢ જિલ્લામાં અનુક્રમે 60, 56 અને 70 ટકા મતદાન થયું હતું.

હવે 23મી નવેમ્બરના રોજ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે, ત્યાં સુધી વોટિંગ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવામાં આવ્યા છે અને સીસીટીવી દ્વારા તેની પર નજર રાખવામાં આવી રહી છે. હવે આવતીકાલે શનિવારે મતગણતરી કેન્દ્રો પર આ વોટિંગ મશીનો પહોંચ્યા બાદ તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોનું ભાવિ સ્પષ્ટ થશે.

મુંબઈના શહેર અને ઉપનગરીય કલેક્ટરે જણાવ્યું હતું કે, બુધવારે મતદાન પૂરું થયા પછી રાત્રે તમામ મતદાન મથકો પરના તમામ ઈવીએમને સ્ટ્રોંગરૂમમાં લઈ જવામાં આવ્યા છે. કેટલાક સ્ટ્રોંગરૂમ મતદાન મથકો પર જ આવેલા છે જ્યારે કેટલાક સ્ટ્રોંગરૂમ મતદાન મથકોથી દસ મિનિટના અંતરે આવેલા છે. તમામ સ્ટ્રોંગરૂમ અને મતગણતરી કેન્દ્ર પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. દા. ત. ચાંદીવલી વિધાનસભાનું મતગણતરી કેન્દ્ર વિદ્યાવિહાર પશ્ચિમમાં આઈટીઆઈ ખાતે આવેલું છે. પોલીસ અને રમખાણ નિયંત્રણ ટીમ બુધવારથી આ કેન્દ્રમાં સુરક્ષા માટે તૈનાત છે.

એવી જ રીતે થાણેમાં 8755 ઈવીએમની સુરક્ષા કેન્દ્રીય સુરક્ષા દળોની સાથે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આવતી કાલે ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની સામે મતોની ગણતરી કરવામાં આવશે.

નવી મુંબઈમાં, ઐરોલીના ઈવીએમ ત્યાંની સરસ્વતી વિદ્યાલયમાં રાખવામાં આવ્યા છે, જ્યારે બેલાપુરના મશીનો નેરુલના કૃષિ કોળી ભવન ખાતે રાખવામાં આવ્યા છે. બંને જગ્યાએ ઈવીએમની સુરક્ષા માટે સીસીટીવી ઉપરાંત ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button