સ્વસ્થ ખેલૈયા, મસ્ત ખેલૈયા અભિયાનને ગુજરાત સરકારે આપ્યો પ્રતિસાદ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને પણ આજે મુંબઈ સમાચાર આપશે નિવેદન ક મુંબઈના ત્રણ આયોજક મંડળો પણ અભિયાન સાથે જોડાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સમાચાર દ્વારા સ્વસ્થ ખેલૈયા, મસ્ત ખેલૈયા અભિયાનને ગુજરાત સરકાર દ્વારા ઉત્તમ પ્રતિસાદ સાંપડ્યો હતો અને ગુજરાતના આરોગ્યપ્રધાન હૃષીકેશ પટેલે ગુજરાત રાજ્યના તમામ સરકારી અધિકારીઓને જાહેરનામું બહાર પાડીને સૂચિત કર્યા હતા અને નવરાત્રિ દરમિયાન જરૂરી આરોગ્યલક્ષી સગવડો ઊભી કરવા માટેની તાકીદ કરતાં સૂચનો કર્યાં હતાં. બીજી બાજુ સ્થાનિક કક્ષાએ કલેક્ટર પ્રભવ જોશી અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ નવરાત્રિ મહોત્સવના આયોજકો, સરકારી અધિકારીઓ તથા મેડિકલ એક્સપર્ટ સાથે એક મીટિંગનું આયોજન કર્યું હતું. મુંબઈ સમાચારે હાથ ધરેલા અભિયાનને માત્ર ગુજરાત સરકારે જ નહીં પણ મુંબઈનાં આયોજક મંડળોએ પણ ઉત્તમ પ્રતિસાદ આપ્યો હતો. જિતેન્દ્ર મહેતા, ચેરમેન, થાણે રાસરંગ, જિજ્ઞેશ ખિલાણી, આયોજક : પ્રેરણા રાસ, મુલુંડ અને ભાર્ગવ પટેલ, આયોજક : નવરાત્રિ જલસોએ મુંબઈ સમાચારના અભિયાનને વધાવ્યું હતું અને જરૂરી આરોગ્યલક્ષી સગવડો રાખવાની ખાતરી આપી હતી. ગુજરાત સરકાર બાદ મહારાષ્ટ્ર સરકાર પણ મુંબઈ સમાચાર દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાનમાં જોડાય અને આયોજકોને તબીબી ટીમને હાજર રહેવા માટે નોટિફિકેશન આપે, એવા પ્રકારનું આવેદનપત્ર મુંબઈ સમાચાર મંગળવારે આપવાનું છે.
દરમિયાન મુંબઈ સમાચાર ખેલૈયાઓને પણ તાકીદ કરે છે કે તમારી શારીરિક ક્ષમતા પ્રમાણે જ તમારે રમવું જોઇએ. જંક ફૂડ તથા બજારમાં મળતાં ઠંડાં પીણાંથી દૂર રહેવું. શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ન થાય એનું ધ્યાન રાખવું જોઇએ. આ માટે લીંબુ શરબતનું સેવન કરવું. જો રમતાં રમતાં શ્ર્વાસ ફુલાઈ જાય, હાંફ ચડે તો બહાર ખુલ્લી હવામાં જવું અને તમે નોર્મલ ન થાવ ત્યાં સુધી બેસી રહેવું.