ઈડન ગાર્ડન્સમાં સ્ટૅન્ડને અપાશે ઝુલન ગોસ્વામીનું નામ…
વન-ડેમાં સૌથી વધુ 255 વિકેટ લેનાર ફાસ્ટ બોલર કહે છે, `હું મારા નામવાળા સ્ટૅન્ડમાં બેસીને મૅચ જોવાનું ગૌરવ મેળવીશ'
કોલકાતાઃ મહિલાઓની વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ 255 વિકેટનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવતી ભારતની ભૂતપૂર્વ મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીનું નામ અહીંના ઈડન ગાર્ડન્સના એક સ્ટૅન્ડને આપીને તેની શાનદાર કરીઅરને બિરદાવવામાં આવશે.
ઝુલને ભારતને ઘણી મૅચો જિતાડી આપી છે અને બે વર્ષ પહેલાં (સપ્ટેમ્બર, 2022માં) 20 વર્ષની અદ્ભુત કરીઅર પૂરી કર્યા પછી તે હવે યુવા ખેલાડીઓને વિવિધ સ્તરે માર્ગદર્શન આપે છે. ઈડનમાં એક સ્ટૅન્ડને તેનું નામ આપવાની ભલામણ ક્રિકેટ ઍસોસિએશન ઑફ બેન્ગાલે કરી એને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : મહિલા હૉકીમાં ભારત ઑલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ ચીનને હરાવીને બન્યું ચૅમ્પિયન
ઈડનમાં હાલમાં ભારતના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલી, ભૂતપૂર્વ ક્રિકેટર પંકજ રૉય અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખો જગમોહન દાલમિયા તથા બિશ્વનાથ દત્તના નામે સ્ટૅન્ડ છે અને હવે ઝુલનનું નામ એક સ્ટૅન્ડને આપવામાં આવશે. આ સ્ટેડિયમમાંના બી’ બ્લૉકને ઝુલનનું નામ અપાશે. ઝુલન 41 વર્ષની છે. તેણે 2002થી 2022 દરમ્યાન 204 વન-ડેમાં વિક્રમજનક 255 વિકેટ લેવા ઉપરાંત 68 ટી-20માં 56 અને 12 ટેસ્ટમાં 44 વિકેટ લીધી હતી. જો બધા કામ સમયપત્રક મુજબ થશે તો આગામી બાવીસમી જાન્યુઆરીએ ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ટી-20 મૅચ દરમ્યાન સ્ટૅન્ડ પરના ઝુલન ગોસ્વામીના નામવાળી તકતીનું અનાવરણ કરવામાં આવશે. ઝુલને પીટીઆઇ સાથેની વાતચીતમાં આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કેમને આવું સન્માન મળશે એવી મેં કદી કલ્પના પણ નહોતી કરી. હું જરૂર આ સ્ટૅન્ડમાં બેસીને ગર્વભરે મૅચ જોવાનું પસંદ કરીશ. કોઈ પણ ક્રિકેટર પોતાના જિલ્લા, રાજ્ય અને દેશ વતી રમવામાં ગૌરવ અનુભવે, પણ આ સન્માન તો બહુ જ મોટું કહેવાય.’