જૂનાગઢમાં વૃદ્ધાની ખોટી સહી કરી અજાણ્યા શખ્સોએ લોકરમાંથી 13.94 લાખના દાગીના ચોર્યા
અમદાવાદઃ જૂનાગઢમાં રહેતા એક યુવકનું તેના માતા-પિતા સાથે સંયુક્ત લોકર બસ સ્ટેશન સામે આવેલી એસબીએસ બેંકમાં હતું. પિતાનું અવસાન થતાં તેમણે લોકર અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું હતું. જે બાદ તેમણે માતા અને તેમનું સંયુક્ત લોકર બેંક ઓફ બરોડામાં ખોલાવ્યું હતું.
એસબીએસ બેંકના લોકરમાં જે દાગીના હતા તે બેંક ઓફ બરોડાના લોકરમાં મુકી આવ્યા હતા. આ લોકરમાં દાગીના ઉપરાંત પરચુરણ, એફડીની સ્લિપ પણ રાખી હતી. ત્યારબાદ તેઓ કે તેના માતા લોકર ચેક કરવા ગયા ન હતા. થોડા દિવસો પહેલા તેમની માતાને દાગીનાની જરૂર પડતાં ભાણેજને લઈ બેંકમાં ગયા હતા. લોકર ખોલતાં તેમાં કોઈ દાગીના નહોતા.
આ પણ વાંચો : સાવધાનઃ ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે અમદાવાદના બિલ્ડરની કરી 1.09 કરોડની છેતરપિંડી…
આ અંગે તેમણે અધિકારીને વાત કરીને લોકર વિઝિટનું એન્ટ્રી રજિસ્ટર ચેક કર્યું હતું. જેમાં ત્રણ એન્ટ્રી જોવા મળી હતી અને તેમાં તેમની માતાનું નામ લખ્યું હતું પણ તારીખ નહોતી લખી. આ દિવસે તેમની માતા બેંકમાં ગયા નહોતા અને એન્ટ્રી ખોટી રીતે કરવામાં આવી હતી. જે બાદ તેમણે અજાણ્યા શખ્સ સામે તેમની માતાની ખોટી સહી કરી લોકરમાંથી દાગીના ચોર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.