મણિપુરના પહાડી વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓ માટે કેન્દ્ર સરકારે 104 કરોડ રૂપિયા કર્યા મંજૂર…
ઇમ્ફાલઃ મણિપુરના મુખ્યપ્રધાન એન.બિરેન સિંહે આજે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રાજ્યના પહાડી જિલ્લાઓમાં આરોગ્ય સુવિધાઓ માટે 104.66 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સિંહે મણિપુરના વિકાસમાં સહયોગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાનો આભાર માન્યો હતો અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જેએમ સિંધિયાનો પણ આભાર માન્યો હતો.
આ પણ વાંચો : અમેરિકન સિક્યોરિટીઝના લાંચ અને છેતરપિંડીના તમામ આરોપોને અદાણી ગ્રૂપે ફગાવ્યા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે પ્રથમવાર ચંદેલ, ઉખરૂલ, જિરીબામ, સેનપતિ અને તામેંગલોંગ જેવા પહાડી જિલ્લાઓમાં સીટી સ્કેન, એમઆરઆઇ, આઇસીયૂ સેવાઓ અને સુપર સ્પેશ્યાલિટી જેવી આધુનિક સ્વાસ્થ્ય સેવાઓ મળી શકશે.
લોકોને ઘરની નજીક આરોગ્ય સેવાઓ મળશે. ચુરાચાંદપુર મેડિકલ કોલેજ પહેલેથી જ કાર્યરત છે, જે આ વિસ્તારમાં આરોગ્ય સંભાળમાં પરિવર્તન લાવી રહી છે.”
આ પણ વાંચો : Manipur Violence: મણિપુરમાં નવું સંકટ, એનપીપીએ ભાજપને આપેલું સમર્થન પાછું ખેંચ્યું…
તેમણે કહ્યું હતું કે પૂર્વોત્તર ક્ષેત્ર માટે પ્રધાનમંત્રી વિકાસ પહેલ (પીએમ-ડિવાઇન) હેઠળ તાજેતરમાં 104.66 કરોડ રૂપિયાની મંજૂરી એ બધાને સમાન આરોગ્યસંભાળ પૂરી પાડવાની દિશામાં એક પગલું છે. મુખ્યપ્રધાને પોસ્ટમાં મંજૂરી અંગે રાજ્યના મુખ્ય સચિવને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા પત્રની નકલ પણ શેર કરી હતી.