નેશનલ

ગાઝાપટ્ટીને અન્ન, વીજળી, ઈંધણથી વંચિત રાખવાનો ઈઝરાયલનો પ્રયાસ

તબાહીના દૃશ્ય
ઈઝરાયલે ગાઝા શહેરમાં આવેલા શાતી શરણાર્થી કેમ્પ પર સોમવારે કરેલા હુમલામાં મસ્જિદ અને તેની આસપાસનો વિસ્તાર કાટમાળમાં ફેરવાઈ ગયો હતો
(એપી/પીટીઆઈ)

જેરુસલેમ: ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન યૉવ ગૅલન્ટે હમાસશાસિત ગાઝા પટ્ટી વિસ્તારને સંપૂણપણે ઘેરામાં રાખવાનો અને અન્ન, વીજળી તેમ જ ઈંધણથી વંચિત રાખવાનો સોમવારે આદેશ આપ્યો હતો. સૈનિકો સહિત ૭૦૦ જેટલા ઈઝરાયલીઓનો ભોગ લેનાર હમાસ જૂથના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના બે દિવસ બાદ ઈઝરાયલના સંરક્ષણ પ્રધાને આ આદેશ આપ્યો હતો.

ગૅલન્ટ હાલ ઈઝરાયલ ડિફેન્સ ફૉર્સ (આઈડીએફ) સધર્ન કમાન્ડ અને સધર્ન કમાન્ડના મેજર જનરલ યારૉન ફિન્કૅલમેન સાથે મળીને હમાસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની આકારણી કરી રહ્યા છે. ગાઝા પટ્ટી વિસ્તારને સંપૂણપણે ઘેરામાં રાખવાનો અને અન્ન, વીજળી તેમ જ ઈંધણથી વંચિત રાખવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે અમે નિર્દય આતંકવાદીઓ સાથે લડી રહ્યા છીએ અને તેમને એ મુજબનો જ જવાબ આપવામાં આવશે.

ગાઝા તેની પાયાની જરૂરિયાતો માટે મોટાપાયે ઈઝરાયલ પર આધાર રાખે છે, એમ જણાવતાં ગૅલન્ટે કહ્યું હતું કે અમારા આ નિર્ણયની ગાઝામાં રહેતા ૨૦થી ૩૦ લાખ લોકો પર લાંબાગાળાની અસર થશે.

હમાસના આતંકવાદીઓ શનિવારે ઈઝરાયલ પરના હુમલાની શેરીઓમાં ઉજવણી કરી રહ્યા હતા ત્યારે ઈઝરાયલ આ હુમલાના જવાબમાં હમાસને પાયાની જરૂરિયાતોથી વંચિત રાખવા અંગે વિચારણા કરી રહ્યું હતું.

ઈઝરાયલે ગાઝા પર કરેલા હવાઈહુમલામાં ૫૬૦ કરતા વધુ પૅલેસ્ટિનવાસીઓનાં મોત થયાં હોવા ઉપરાંત ૨,૯૦૦ લોકો ઘાયલ થયા હતા જેને પગલે છેલ્લાં બે દિવસથી ગાઝાની શેરીએ સૂમસામ જોવા મળી રહી છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button