Assembly Election: મુંબઈના ‘મતગણતરી કેન્દ્રો’ છાવણીમાં ફેરવાયા, આ પ્રતિબંધ લાગુ
મુંબઈ: મહારાષ્ટ્રમાં 288 વિધાનસભાની બેઠક પર બુધવારે શાંતિપૂર્ણ મતદાન પછી હવે ફાઈનલ તબક્કો મતગણતરીનો રહ્યો છે, જેમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને નહીં તેની તકેદારીના ભાગરુપે મુંબઈ પોલીસ પ્રશાસન દ્વારા પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં મુંબઈ પોલીસની હદમાં 36 કાઉન્ટિંગ સેન્ટર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે અમુક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે.
મુંબઈમાં 36 કેન્દ્રો પર મતગણતરી થવાની છે, જ્યાં કોઇ પણ અનિચ્છનીય બનાવ ટાળવા માટે મુંબઈ પોલીસે આજે પ્રતિબંધાત્મક આદેશ જારી કર્યા છે, જે અનુસાર આ કેન્દ્રોના 300 મીટર પરિઘમાં લોકોને એકઠા થવા પર મનાઇ ફરમાવવામાં આવી છે.
288 સભ્યોની વિધાનસભા માટે બુધવારે મતદાન સંપન્ન થયું હતું અને હવે શનિવારે મતગણતરી થવાની છે. મુંબઈમાં 36 વિધાનસભા મતવિસ્તાર છે. આને અનુલક્ષીને 36 કેન્દ્રોમાં મતગણતરી થવાની હોવાથી તેમાંથી કોઇ પણ કેન્દ્રના 300 મીટર પરિઘમાં કોઇ પણ વ્યક્તિઓ ભેગી નહીં થઇ શકશે.
આજથી 24મી મધરાત સુધી નિયમ લાગુ
જોકે આ આદેશ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ અથવા સરકારી ફરજ બજાવનારા કર્મચારીઓને લાગુ થશે નહીં, એમ અધિકારીએ કહ્યું હતું. આ આદેશ 21 નવેમ્બરે સવારે 6.00 વાગ્યાથી અમલી બન્યો છે, જે 24 નવેમ્બરે મધરાત સુધી લાગુ રહેશે, એવું આદેશમાં જણાવાયું છે.
આ પણ વાંચો : AAPએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી, ઉમેદવારોની પહેલી યાદી જાહેર
2019ની તુલનામાં થયું વધુ મતદાન
અહીં એ જણાવવાનું કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સરેરાશ મતદાનમાં વધારો થયો છે, જેમાં 2019માં 61.29 ટકાથી વધીને આ વર્ષે સરેરાશ મતદાન 65 ટકાથી પાર થયું છે. સૌથી વધુ મતદાન કોલ્હાપુરમાં થયું હતું. કોલ્હાપુરમાં 76 ટકાથી વધુ મતદાન થયું છે, જ્યારે મુંબઈ સિટીમાં સૌથી ઓછું મતદાન થયું હતું. મુંબઈ શહેરમાં 52 ટકાથી વધુ તથા મુંબઈ સબર્બનમાં 55.77 ટકા મતદાન થયું હતું.
મુંબઈની આટલી બેઠકો પર થયું મતદાન
મુંબઈમાં શિવડી, ભાયખલા, મલબાર હિલ, મુંબા દેવી, વરલી, માહિમ, વડાલા, સાયન, ધારાવી, બાંદ્રા પશ્ચિમ, બાંદ્રા પૂર્વ, કાલિના, કુર્લા, ચેમ્બુર, અણુશક્તિ નગર, માનખુર્દ, માનખુર્દ શિવાજી નગર, ઘાટકોપર પૂર્વ, ઘાટકોપર પશ્ચિમ, ચાંદીવલી, વિલે પાર્લે, અંધેરી પૂર્વ, અંધેરી પશ્ચિમ, વર્સોવા, ગોરેગાંવ, મલાડ પશ્ચિમ, ચારકોપ, કાંદિવલી પૂર્વ, દિંડોશી, જોગેશ્વરી પૂર્વ, ભાંડુપ પશ્ચિમ, વિક્રોલી, મુલુંડ, માગાથાણે, દહિસર અને બોરીવલીનો સમાવેશ થાય છે.