પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં
મતગણતરી ૩ ડિસેમ્બરે
નવી દિલ્હી: છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં ૭ નવેમ્બરથી ૩૦ નવેમ્બર દરમિયાન જુદા જુદા દિવસે વિધાનસભાની ચૂંટણી યોજાશે અને મતગણતરી ૩, ડિસેમ્બરે કરવામાં આવશે એમ જણાવી ચૂંટણી પંચે સોમવારે વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે મંચ ઊભો કર્યો હતો.
આ પાંચ રાજ્યમાં યોજાનારી ચૂંટણીમાં લગભગ ૧૬ કરોડ જેટલા મતદાતાઓ મતદાન કરવાને પાત્ર હશે, એમ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું હતું.
ચૂંટણીપ્રક્રિયા પારદર્શક અને ન્યાયપૂર્ણ રહે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
મિઝોરમ વિધાનસભાની તમામ ૪૦ બેઠક તેમ જ છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં ૨૦ બેઠક માટે ૭, નવેમ્બરે ચૂંટણી યોજાશે. છત્તીસગઢની બાકીની ૭૦ બેઠક તેમ જ મધ્ય પ્રદેશની તમામ ૨૩૦ બેઠક માટે ૧૭ નવેમ્બરે ચૂંટણી યોજાશે. રાજસ્થાનમાં વિધાનસભાની તમામ ૨૦૦ બેઠક માટે ૨૩ નવેમ્બરે અને ૧૧૯ બેઠક ધરાવતી તેલંગણા વિધાનસભાની ચૂંટણી ૩૦ નવેમ્બરે યોજાશે.
પાંચે રાજ્યમાં મતગણતરી ૩, ડિસેમ્બરે કરવામાં આવશે, એમ મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે કહ્યું હતું.
રાજસ્થાન અને છત્તીસગઢમાં કૉંગ્રેસ, મધ્ય પ્રદેશમાં ભાજપ, તેલંગણામાં ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) અને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) સત્તા પર છે.
આ પાંચ રાજ્યમાં કુલ ૧.૭૭ લાખ મતદાન મથક હશે અને તેમાંથી ૧.૦૧ લાખ મતદાન મથકમાં વૅબકાસ્ટિંગ ફેસેલિટી હશે. ૮,૦૦૦ કરતા પણ વધુ મતદાન મથકની વ્યવસ્થા મહિલાઓ સંભાળશે, એમ તેમણે કહ્યું હતું.
આ ચૂંટણી દેશ માટે મહત્ત્વની છે કેમ કે ત્યાર બાદ અમે વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવા માટે મળીશું, એમ તેમણે કહ્યું હતું.
પાંચ રાજ્યમાં ચૂંટણીની તૈયારી કરતા અગાઉ અમે રાજકીય પક્ષો, ઍન્ફોર્સમેન્ટ એજન્સીઓ સહિત સંબંધિત તમામ લોકોની મુલાકાત લીધી હતી, એમ તેમણે કહ્યું હતું.
મતદારયાદીમાં તમામ મતદાતાઓના નામનો સમાવેશ કરવાની અને વધુમાં વધુ મતદાતાઓ મતદાન કરવા આવે તેની ખાતરી કરવા પર અમે ભાર મૂક્યો છે, એમ તેમણે કહ્યું હતું.
આ પાંચ રાજ્યમાં કુલ ૮.૨ કરોડ પુરુષ મતદાતા અને ૭.૮ કરોડ મહિલા મતદાતાઓ છે.
પ્રથમ જ વખત મતદાન કરશે તેવા ૬૦.૨ લાખ જેટલા મતદાતા હોવાનું તેમણે કહ્યું હતું.
મુક્ત અને ન્યાયી ચૂંટણી થઈ શકે તે માટે પ્રથમ જ વખત ઈલેક્શન સિઝર મેનેજમેન્ટ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું.
ગેરકાયદે રૂપિયા, દારૂ, ડ્રગ્સની હેરાફેરીને રોકવા અને આંતરરાજ્ય સરહદો પર ચાંપતી નજર રાખવા કુલ ૯૪૦ ચેક પૉસ્ટ ઊભી કરવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું.
મની પાવરના ઉપયોગ અંગે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે અને શંકાસ્પદ ઑનલાઈન ટ્રાન્ઝેક્શન પર પણ ચાંપતી નજર રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)