સિંધની વાત છોડો, પહેલાં પીઓકે પાછું લઈ આવો
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારતમાં રાજકારણીઓ ક્યારેક એવી વાતો કરી નાંખે છે કે, ગધેડાને પણ તાવ આવી જાય. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આવી જ વાત કરીને પાકિસ્તાન પાસેથી સિંધ પ્રાંત પાછો લઈ લેવાની ડંફાશ મારી છે. યુપીની રાજધાની લખનઊમાં રવિવારે સિંધી સમુદાયે યોજેલા રાષ્ટ્રીય સિંધી સંમેલનમાં યોગી આદિત્યનાથે પધરામણી કરી હતી.
યોગીએ સિંધી સમુદાયે રાષ્ટ્રનું ગૌરવ વધારવામાં આપેલા યોગદાન બદલ અભિનંદન આપીને કહ્યું કે, સિંધી સમાજે સનાતન ધર્મના મૂલ્યોનું રક્ષણ કરવાનું કામ કર્યું અને ભારતના રાષ્ટ્રવાદને મજબૂત બનાવ્યો. ભાગલા પછી પહેરેલાં લૂગડે પાકિસ્તાનથી ભારત આવેલા સિંધીઓએ કરેલી મહેનતનાં વખાણ કરીને યોગીએ સિંધીઓએ પોતપોતાના વ્યવસાયમાં શૂન્યથી સર્જન કરીને સફળતાની સફર કરી તેની પણ પ્રસંશા કરી.
યોગીની વાતો અહીં સુધી બરાબર હતી પણ પછી તેમણે જે વાતો કરી એ સાંભળીને હસવું આવે. યોગીનો દાવો છે કે, અયોધ્યાની રામ જન્મભૂમિને ૫૦૦ વર્ષમાં પાછી લઈ શકાય છે તો સિંધુ એટલે પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રદેશને ભારત પાછો ન લઈ શકે એવું કોઈ કારણ નથી.
યોગીએ મોહમ્મદ અલી ઝીણાનો નામજોગ ઉલ્લેખ કર્યા વિના એવું પણ કહ્યું કે, માત્ર એક વ્યક્તિની જીદના કારણે દેશે ભાગલાની દુર્ઘટનામાંથી પસાર થવું પડ્યું. દેશના વિભાજનને કારણે લાખો લોકોનો નરસંહાર થયો. ભારતની જમીનનો મોટો હિસ્સો પાકિસ્તાનમાં જતો રહ્યો અને એ દરમિયાન સિંધી સમુદાયે સૌથી વધુ પીડા સહન કરી છે. સિંધીઓએ પોતાની માતૃભૂમિ છોડવી પડી.
યોગીની આ બધી વાતો અત્યંત હાસ્યાસ્પદ છે. સૌથી પહેલી વાત એ કે, પાકિસ્તાન મોહમ્મદ અલી ઝીણાની જીદના કારણે બન્યું એ વાત જ વાહિયાત છે. ઝીણાની એન્ટ્રી તો છેક ૧૯૩૦ના દાયકામાં થઈ. ઝીણાએ પાકિસ્તાનની માગને પ્રબળ બનાવી એ વાત સાચી પણ પાકિસ્તાનનો વિચાર મુસ્લિમ લીગના નેતાઓએ બહુ પહેલાં જ વહેતો કરી દીધો હતો. અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરો નીતિમાં માનતા હતા. આ કારણે તેમને વરસો લગી હિંદુઓ અને મુસલમાનોને લડાવ્યા.
અંગ્રેજોએ ભારત પર પોતાનું શાસન ચાલુ રહે એ માટે હિંદુ વર્સીસ મુસ્લિમની લડાઈ શરૂ કરાવી ને તેમાંથી પાકિસ્તાનનો વિચાર ઉદ્ભવ્યો. આઝાદી પછી પણ રાજકીય સ્વાર્થ માટે આ હિંદુ વર્સીસ મુસ્લિમની લડાઈ ચાલુ જ રખાઈ ને અત્યારે પણ સત્તા ટકાવવા એ ધંધો થાય જ છે. આ આખો અલગ મુદ્દો છે ને તેની ચર્ચા પછી ક્યારેક કરીશું. અત્યારે વાત ઝીણા અને પાકિસ્તાનની કરીએ.
પાકિસ્તાનની રચના માટે ઝીણાને દોષ આપવાની ફેશન છે કેમ કે તેનાથી સરળતાથી બધાંની નિષ્ફળતાને છૂપાવી શકાય છે. કૉંગ્રેસ, હિંદુવાદીઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ બધાં આઝાદી પહેલાં હતાં જ પણ કોઈ ભાગલાને ના રોકી શક્યું કેમ કે અંગ્રેજો સામે ઝીંક ઝીલવાની કોઈની તાકાત નહોતી. અંગ્રેજોએ નવા બે દેશ બનાવવાનો નિર્ણય લીધો તેની સામે લડવાની જરૂર હતી પણ ના લડી શક્યા કેમ કે હિંદુ અને મુસલમાન એક નહોતા. મુસલમાનોના એક વર્ગને પાકિસ્તાન જોઈતું જ હતું ને અંગ્રેજોને બે દેશની રચના કરવા માટે મજબૂત બહાનું મળી ગયેલું.
ભાગલા દરમિયાન સિંધીઓએ સૌથી વધારે સહન કર્યું છે એ વાત પણ ખોટી છે. દેશ આઝાદ થયો ને પાકિસ્તાન બન્યું ત્યારે પંજાબના પણ ભાગલા પડેલા ને બંગાળના પણ ભાગલા પડેલા. પંજાબના હિંદુ અને શીખો તથા બંગાળના હિંદુઓએ પણ એટલું જ સહન કર્યું જેટલું સિંધી હિંદુઓએ સહન કર્યું. એ લોકોએ પણ દેશ છોડીને આવવું પડ્યું ને શૂન્યથી જ શરૂઆત કરવી પડેલી તેથી આ પ્રજાએ સૌથી વધારે સહન કરવું પડ્યું એવી વાત જ ના કરી શકાય. પિડા તો પિડા જ છે ને તેનાં માપ ના હોય.
હવે યોગીજીના પાકિસ્તાનમાં આવેલો સિંધ પ્રાંત પાછો લેવાના શેખચલ્લીના વિચારની પણ વાત કરી લઈએ. હિંદુત્વના ઝંડાધારીઓ આ વાત સાંભળીને ઝૂમી શકે પણ આ વાત એકદમ હાસ્યાસ્પદ છે. સિંધ પ્રાંત પાકિસ્તાનનો એક પ્રદેશ છે, મંદિરનો પ્રસાદ નથી કે કોઈ પણ લઈ આવે. સિંધમાં ૯૦ ટકા વસતી મુસલમાનોની છે. આ વસતી ભારત સાથે શું કરવા જોડાય એ જ સમજવું અઘરું છે ને લશ્કરી તાકાતના જોરે આપણે સિંધ પાકિસ્તાન પાસેથી ખૂંચવી શકીએ એ વાતમાં માલ નથી.
પાકિસ્તાન આપણું ત્રીજા ભાગનું કાશ્મીર પચાવીને બેસી ગયું છે. ચીન અરુણાચલ પ્રદેશ ને અક્સાઈ ચીનનો પ્રદેશ પચાવીને બેસી ગયું છે. આપણે એ તો પાછાં લઈ શકતા નથી ને સિંધ પાછું લેવાની વાતો કરી રહ્યા છીએ. પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે), અક્સાઈ ચીન ને અરુણાચલ પ્રદેશ તો આપણાં જ છે. પાકિસ્તાન-ચીન તેને ગેરકાયદેસર પચાવીને બેસી ગયાં છે છતાં એ પાછાં લેવા માટે લશ્કરી કાર્યવાહી કરવાની મર્દાનગી આપણામાં આવતી નથી ને યોગી સિંધ લેવાની ડંફાશ મારી રહ્યા છે. કેન્દ્રમાં ભાજપની સરકારને દસ વર્ષ પૂરાં થવા આડે બહુ મહિના બાકી નથી. યોગીએ પોતાની સરકારને પહેલાં આ બધા પ્રદેશો પાછા લેવા કહેવું જોઈએ ને પછી સિંધની વાત કરવી જોઈએ.
અયોધ્યાના રામમંદિર સાથે સિંધની સરખામણી તો રીતસર બુદ્ધિનું પ્રદર્શન છે. અયોધ્યા ભારતમાં આવેલું છે ને રામમંદિર એક પ્રોપર્ટી છે જ્યારે સિંધ બીજા દેશનો એક પ્રાંત છે. બંનેની સરખામણી કઈ રીતે કરી શકાય ? ને સૌથી મોટી વાત એ કે, અયોધ્યાનું રામમંદિર પણ ૫૦૦ વર્ષ પછી હિંદુઓએ તો પાછું લીધું જ નથી. આ દેશના ન્યાયતંત્રે અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરની જમીન હિંદુઓને પાછી આપી છે. યોગી દાવા કરે છે એમ તાકાતના જોરે રામમંદિર નથી મળ્યું પણ હિંદુઓના એક નાનકડા વર્ગે કાનૂની લડત લડીને રામમંદિર મેળવ્યું છે. રામમંદિર હિંદુઓને મળ્યું તેનો જશ જે લોકો વરસો લગી કાનૂની લડત લડ્યા તેમને જાય છે, બીજા કોઈને નહીં.
આ દેશના હિંદુઓએ વિચારવું જોઈએ કે, યોગી જેવા લોકો આવી વાતો કેમ કરે છે? કેમ કે આ દેશનાં લોકો તેમનો જવાબ માગતાં નથી. એક વાર થૂંક ઉડાડીને ફડાકા મારી દીધા પછી રાત ગઈ બાત ગઈ.