તરોતાઝા

પાંચમું અંગ ‘પ્રત્યાહાર-વિભાવથી સ્વભાવ તરફ પ્રયાણ’

અષ્ટાંગ યોગનું અનોખું વિજ્ઞાન

ફિટ સોલ – ડો. મયંક શાહ

એક કવિએ ખૂબ જ સુંદર વાત કરી છે…. એક કડવું સત પ્રકાશ્યું છે…

“તત્પર છે ઇશ્ર્વર તને બધું આપવા માટે
તું ચમચી લઇને ઊભો છે, સાગર માગવા માટે

આ વાતની ગહનતાને સમજવાની જરૂર છે. સરલ ભાષામાં કહીએ તો આપણી પાસે જે દિવ્ય જ્ઞાનનો ખજાનો છે એની વિશાળતા અને ઉપયોગિતાને જાણ્યા વગર એને બાહ્ય ઔપચારિક ક્રિયા બનાવી દીધી છે. આપણા આત્મિકગુણોને સાક્ષાત્કાર કરવા માટે અને આપણી ગતિ સુધારવા માટે જે દિવ્ય આધ્યાત્મિક વિજ્ઞાનનો વારસો આપણને મળ્યો છે એનું સાચું અનુસરણ થાય તો આપણું જીવન ધન્ય બની જાય.

અષ્ટાંગ યોગ વિજ્ઞાન આપણા વર્તમાનને સુધારવા માટે અને ભવિષ્યને ઉગારવા માટે ઉત્તમ પરંપરા છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે આ વિજ્ઞાન માત્ર આત્મલક્ષી નથી, તે જીવનલક્ષી પણ છે. અર્થાત્ તે તમારા જીવનને આજ ક્ષણેથી સુધારવાની ક્ષમતા ધરાવે છે. આપણો બાહ્ય સાંસારિક જીવન અને અભ્યંતરિક અધ્યાત્મિક જીવન બન્નેને એક સરખું માન આપવાની જરૂર છે. અષ્ટાંગ યોગના ૮ અંગો આ બન્ને પાસાઓને સુધારવાનું વિરલ કાર્ય પૂરું પાડે છે. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ સ્વરૂપે પહેલાં ૪ અંગો આપણા બાહ્ય જીવનને સાચી દિશા આપે છે અને પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ સ્વરૂપે અંગો આપણી આત્માને ઉજાગર કરે છે. પ્રાણાયામ અને પ્રત્યાહાર એક વિશેષ સેતુનું કાર્ય બજાવે છે. જેનાથી આપણે સભાનપણે જીવન જીવી શકીએ અને સાથે આત્મ જાગરૂકતા પણ વિકસાવી શકીએ.

બધા જ જીવો અનંત શક્તિ અને અનેક લબ્ધિઓ ધરાવતા હોય છે. પણ દુર્ભાગ્યવશ તેમને આ વાતની ખબર જ હોતી નથી.એમની શક્તિઓ અલ્પતામાં વેડફાઇ જાય છે. શાસ્ત્રો કહે છે કે સાધારણ મનુષ્ય પોતાની શક્તિઓ એમની જ ઇન્દ્રિયોને કાર્યશીલ રાખવા માટે વાપરી નાખે છે. પાંચ ઇન્દ્રિયો અને મનની અશુદ્ધ અને અશુભ ક્રિયાઓ-પ્રવૃત્તિઓ માટે આ અમૂલ્ય પ્રાણશક્તિ વેડફાય જાય છે. આ બગાડને અટકાવા માટે એક અનોખું પ્રયોજન છે- પ્રત્યાહાર.

પ્રત્યાહારનું વિજ્ઞાન :
‘પ્રતિ’ અને ‘આહાર’ના સંયોજનથી નિર્મિત પ્રત્યાહાર એટલે આપણા મન અને ઇન્દ્રિયોને અશુદ્ધ પોષણ આપવાનું બંધ કરવું.

અષ્ટાંગ યોગ એક મહત્ત્વની વાત કરવા માગે છે. અજ્ઞાની જીવો પોતાની શક્તિને સંસારના વિષયોમાં વેડફી નાખે છે. આપણે આ શરીર રૂપી બાહ્ય અસ્તિત્વને જ સર્વસ્વ માની બેઠા છીએ. અને રોજિંદા જીવનમાં આપણો બધો સમય આ શરીરમાં અશ્રીત ઇન્દ્રિયોને એના બાહ્ય વિષયો ભોગવવામાં વ્યતીત કરતા હોઇએ છીએ. આપણી આંખો સુંદર દ્રષ્યમાં, કાન મધુર સંગીતમાં, નાક મોહક સુગંધમાં, જીભ સ્વાદમાં અને ત્વચા સ્પર્શની કોમલતામાં મોહિત થઇ જાય છે.

ઇન્દ્રિયોનો રાજા મન છે. અને મન જયાં સુધી ઇન્દ્રિયોના વિષયોમાં રમણ કરે છે ત્યાં સુધી એ સ્થિર થઇ શકતો નથી. અને એની સ્વભાવિ શક્તિઓને પ્રકટ કરી શકતો નથી. આપણું મન ઇન્દ્રિયોનું ગુલામ બની જાય છે. તે રાજા હોવા છતાં રંક બની જાય છે. મનની આ દુર્દશા વિવિધ વિભાવનાઓને આમંત્રણ આપે છે. ક્રોધ, લોભ, કપટ, અભિમાન, ભય જેવી વિષકારી ભાવનાઓ આપણા સુખ અને શાંતિને વિચલીત કરી નાખે છે. આપણી બધી શક્તિઓ સરર કરતી વહી જાય છે.

માટે જ પરમ તત્ત્વના સાધકો પ્રત્યાહારના અસ્ત્ર દ્વારા, મનને ઇન્દ્રિયોના વિષયોમાંથી પાછું વાળે છે. એટલે ઇન્દ્રિયો ભલેને પોતાના વિષયોની સંવેદના કરે પણ મન એની ક્રિયા-પ્રતિક્રિયાથી અલિપ્ત રહે છે. ઇન્દ્રિયોના પ્રભાવથી અલિપ્ત મન શાંત બને છે અને પોતાની સ્વાભાવિક શક્તિઓને પ્રાપ્ત કરે છે. આ દશામાં કોઇ ઇચ્છા-વાસના રહેતી નથી, ભૂત અને ભવિષ્યના વિચારા રહેતા નથી અને સુખ-દુ:ખની વેદના પણ ગાયબ થઇ જાય છે. મન અંતરમુખી બને છે અને ભટકવાનું બંધ થઇ જાય છે.

પ્રત્યાહારની સાધના:
પ્રત્યાહારની સાધના એટલે આપણે સ્વેચ્છાએ આપણી આદતો પર અંકુશ લાવીએ.

  • રોજ જમતી વખતે ભાવતી વસ્તુનો આગ્રહ રાખવો એવી આદત પડી ગઇ છે. આપણે સ્વાદિષ્ટ વાનગીઓની માયામાં ફસાઇ ગયા છીએ. આવા બંધનથી મુક્ત થવું એ પ્રત્યાહાર.
  • ગપ્પા, સપ્પા, ટીકા ટિપ્પણી, બીજાની નિંદા કરવાની આદત પડી ગઇ છે. કિંમતી સમય વેડફાઇ જાય છે એનું ભાન રહેતું નથી. આવી અશુદ્ધ પ્રવૃત્તિથી દૂર રહેવું એ પ્રત્યાહાર.
  • આપણા વિચાર વાણી અને વર્તનમાં કેટલી હિંસા સમાયેલી છે એની ખબર પડતી નથી. હિંસાથી થતું નુકસાન અને અહિંસાથી થતો લાભ એ સમજાય એ પ્રત્યાહાર.
  • અપેક્ષા અને ઉપેક્ષાની પીડા કેટલી ભયંકર છે. એ બન્ને આપણા જ મિથ્યા સમજથી નિર્મિત છે એ સમજાય એ જ પ્રત્યાહાર.

નીરવતાની એક ઘડી:
આપણું જીવન ધાંધલ-ધમાલ-ઘર્ષણ યુક્ત હોય છે એક પણ ક્ષણ શાંતિથી બેસી શકતા નથી. આ સંસારની જંજાળમાં દિવસ અને રાત ક્યાં જતા રહે છે એની ખબર પડતી નથી. આપણી દ્રષ્ટિ અને ઊર્જા સતત બાહર તરફ વહેતી હોય છે.

એક દાડો એટલે કે ૨૪ મિનિટ માટે શાંત થઇ જઇએ, ઇન્દ્રિયોની અને સંસારની તમામ પ્રવૃત્તિઓને અટકાવી દઇએ, માત્ર હું છું એ ભાવનામાં સ્થિર થઇ જઇએ. શરીર તરફ નહીં પણ આત્મા તરફ ધ્યાન વળે, ઇન્દ્રિયોના વિષય તરફ નહીં પણ એ ઇન્દ્રિયોના રાજા ‘મન’ની ઊર્જા પ્રત્યે ધ્યાન કરવું જોઇએ.

પ્રાણાયામ અને પ્રત્યાહાર આપણા સંપૂર્ણ અસ્તિત્વના કેન્દ્ર બિંદુ સમાન છે. આ બન્નેની શક્તિઓ સાધીને આ ભૌતિક વિશ્ર્વ અને આપણા આત્મિક વિશ્ર્વને જીતી શકાય છે…. એ જ આપણો સાચો સ્વભાવ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button