સપ્ટેમ્બર અંતનો GDP ઘટીને 6.5% રહેવાનો આ એજન્સીએ આપ્યો અંદાજ
મુંબઈ: વર્તમાન નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકગાળામાં ખાસ કરીને અમુક વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ અને કોર્પોરેટ પરિણામો નબળાં આવ્યાં હોવાથી આ સમયગાળાનો આર્થિક વિકાસ દર અથવા જો જીડીપી ઘટીને ૬.૫ ટકાની સપાટીએ રહે તેવો અંદાજ અગ્રણી રેટિંગ એજન્સી ઈક્રાએ મૂક્યો છે. તેમ છતાં પુન: આર્થિક પ્રવૃત્તિ ફરી ધમધમવાના આશાવાદને ધ્યાનમાં લેતા સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫માં વિકાસ દરનો અંદાજ સાત ટકાના સ્તરે જાળવી રાખ્યો છે.
હાલમાં જ્યારે શહેરી વિસ્તારોની માગમાં ઘટાડો જોવા મળ્યો છે અને એક કરતાં વધુ પરિબળો ને કારણે વૃદ્ધિ મંદ પડી રહી છે ત્યારે એજન્સી દ્વારા આ અંદાજ જાહેર કરવામાં આવ્યા છે. જોકે, રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ પણ વર્તમાન નાણાકીય વર્ષ માટેના ૭.૨ ટકાના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ જાળવી રાખ્યો છે, પરંતુ ઘણાં વિશ્ર્લેષકો વૃદ્ધિ ઘટીને સાત ટકાની અંદર રહે તેવી ધારણા મૂકી રહ્યા છે અને અમુક અંદાજમાં સુધારા કરી રહ્યા છે.
Also read: Manipurમાં હિંસા બાદ રાજકીય સંકટ, મુખ્યમંત્રીની બેઠકમાં ભાજપના ધારાસભ્યો જ ગેરહાજર
અત્રે નોંધનીય બાબત એ છે કે વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળામાં જીડીપી વૃદ્ધિદર ૬.૭ ટકાના સ્તરે રહ્યો હતો, જ્યારે બીજા ત્રિમાસિકગાળાના આર્થિક પ્રવૃત્તિના ડેટાની અધિકૃત જાહેરાત ૩૦મી નવેમ્બરના રોજ થશે. ઈક્રાએ અહેવાલમાં જણાવ્યું છે કે સરકારી ખર્ચ અને ખરીફ વાવેતર અને પાકના સંકેતો સકારાત્મક રહ્યા છે, જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રમાં ખાસ કરીને ખનન અને ઈલેક્ટ્રિસિટી ક્ષેત્ર મંદ પડવાની શક્યતા છે. જોકે, તેની સામે સર્વિસિસ ક્ષેત્રમાં મુખ્યત્વે ઉત્તરાર્ધમાં સુધારો જોવા મળે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સંપૂર્ણ વર્ષનો જીડીપી સાત ટકાના સ્તરે રહેશે.
નાણાકીય વર્ષ ૨૦૨૫ના બીજા ત્રિમાસિકગાળામાં લોકસભાની ચૂંટણી પશ્ચાત્ સરકારી મૂડીગત્ ખર્ચમાં વધારાની સાથે ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં વધારો જોવા મળ્યો છે. જોકે, આ સમયગાળામાં ભારે વરસાદને કારણે ખનન પ્રવૃત્તિ, ઈલેક્ટ્રિસિટીની માગ અને રિટેલ વેપાર પર માઠી અસર પડી છે અને મર્કન્ડાઈઝ નિકાસમાં પણ ઘટાડો થયો હોવાનું ઈક્રાના ચીફ ઈકોનોમિસ્ટ અદિતી નાયરે જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ વર્ષે એકંદરે ચોમાસું સારું રહેતાં ખરીફ પાકમાં વધારાનો લાભ મળવાની સાથે જળસ્રોતની અનામતોમાં વધારો થવાથી ગ્રામીણ ક્ષેત્રની માગના વલણમાં પણ સુધારો જોવા મળશે. આ સિવાય વર્તમાન નાણાકીય વર્ષના બીજા છમાસિકગાળામાં સરકારી મૂડીગત્ ખર્ચમાં પણ વર્ષાનુવર્ષ ધોરણે બાવન ટકાનો વધારો કરવાનો અવકાશ છે જેથી અંદાજપત્રીય લક્ષ્યાંક હાંસલ થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
Also read: ૩૦ ટકા જમીનની ગુણવત્તામાં થઈ રહેલો ઘટાડો, કૃષિ સમક્ષ ચિંતાનો વિષય: કૃષિ પ્રધાન
અમે મંદીને કારણે ખાનગી વપરાશ પરના વ્યક્તિગત ધિરાણ વૃદ્ધિ ઉપરાંત રાજકીય-ભૌગોલિક સ્તરે થતાં ફેરફારોની કૉમૉડિટીના ભાવ અને બાહ્ય માગ પર કેવી અસર થાય છે તેના પર નજર રાખી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું.
એકંદરે વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં અતિરિક્ત વરસાદને કારણે માળખાકીય પ્રોજેક્ટોના અમલમાં વિલંબ થયો હોવા છતાં પહેલા ત્રિમાસિકગાળાની તુલનામાં રોકાણલક્ષી પ્રવૃત્તિમાં સુધારો જોવા મળ્યો હોવાનું એજન્સીએ જણાવ્યું હતું.