હવે ચંદીગઢ પર કોનું નિયંત્રણ? હરિયાણા-પંજાબ સરકાર વચ્ચે ઉપડ્યો નવો વિવાદ…
ચંદીગઢ: હરિયાણા વિધાનસભામાં હવે પાટનગર ચંદીગઢ પર કોનું નિયંત્રણ તેને લઈને પ્રશ્ન ઉઠ્યો છે. ચંદીગઢમાં નવા વિધાનસભા પરિસર બનાવવાના નિર્ણયનો પંજાબ સરકારે વિરોધ કર્યો છે અને હરિયાણા વિધાનસભામાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી છે. મંગળવારે આ મામલે લાંબી ચર્ચા થઈ હતી અને મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે આ મામલે તમામ પક્ષોએ એક થઈને આવવું જોઈએ. તેમણે કહ્યું કે ચંદીગઢમાં નવી વિધાનસભાની રચનાનો વિરોધ કરવો એ ગંભીર બાબત છે.
આ પણ વાંચો : પી ચિદમ્બરમની પોસ્ટથી નારાજ મણિપુર કૉંગ્રેસ, ખડગેને લખ્યો પત્ર
જ્યાં જમીન મળી છે ત્યાં જ બનશે વિધાનસભા
ભૂપિંદર સિંહ હુડ્ડાએ કહ્યું, ‘સરકારે ચંદીગઢ પરના તેના અધિકારને જતો કરવો જોઈએ નહિ. જ્યાં જમીન ફાળવવામાં આવી છે ત્યાં જ વિધાનસભાનું નિર્માણ કરવું જોઈએ, તેને ક્યાંય દૂર ન લઈ જવી જોઈએ. આ ઉપરાંત પંજાબ સાથે પાણીની વહેંચણી અને હિન્દીભાષી ગામડાઓ પરના અધિકારનો મુદ્દો પણ જોરદાર રીતે ઉઠાવવો જોઈએ.
હિન્દી ભાષી ગામો આપશે તો જ….
તેમના સિવાય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક અરોરાએ પણ કહ્યું કે ચંદીગઢ પર હરિયાણાનો પણ સમાન અધિકાર છે. અરોરાએ કહ્યું, ‘ચંદીગઢ બંને રાજ્યોની સહિયારી રાજધાની છે. જ્યાં સુધી પંજાબ આપણને અબોહર અને ફાઝિલ્કાના 107 હિન્દી ભાષી ગામો ન આપે ત્યાં સુધી આવું જ રહેશે. તેઓએ આપણાં પાણીનાં હિસ્સા પર પણ અંકુશ રાખ્યો છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મતદાન વચ્ચે ‘બિટકોઈન’નું ભૂત ધૂણ્યુંઃ ગૌરવ મહેતાને ઘરે ઈડીના દરોડા
ખેડૂતના મુદ્દે પંજાબ કરે છે રાજકારણ
મુખ્ય પ્રધાન સૈનીએ કહ્યું કે પંજાબના નેતાઓએ સતલજ-યમુના લિંક કેનાલના મુદ્દા પર પણ રાજનીતિ કરી છે. જ્યારે સુપ્રીમ કોર્ટે હરિયાણાના ખેડૂતોના હિતમાં ચુકાદો આપતાં કહ્યું છે કે પાણી પર તેમનો પણ અધિકાર છે. આ રીતે સુપ્રીમ કોર્ટના આદેશને ફગાવી દેવાનો મામલો દેશમાં પ્રથમવાર જોવા મળી રહ્યો છે. હવે તેઓ ચંદીગઢમાં આપણી નવી વિધાનસભાની રચનાનો પણ વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે વિધાનસભામાં સર્વસંમતિથી લેવાયેલા નિર્ણય પર આગળ વધીશું.