મહારાષ્ટ્ર ચૂંટણીમાં આ પાંચ મુદ્દા મહત્ત્વનો ભાગ ભજવશે, જાણો હવે નવા તારણો?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મતદાનના એક દિવસ પહેલા મહાયુતિ અને એમવીએએ જે રીતે એકબીજા પર નિશાન સાધ્યું છે તે છેલ્લા રાઉન્ડમાં તેમના પ્રતિસ્પર્ધી પર વિજય મેળવવાની વ્યૂહરચના છે, પરંતુ તે કેટલું કામ કરશે તે કહેવાનું મુશ્કેલ છે. મતદાનના માત્ર એક દિવસ પહેલા, જનતાના મૂડને ડાઈવર્ટ કરવા માટે એક મોટા મુદ્દાની જરૂર હોય છે. પરંતુ મહાયુતિ કે એમવીએએ સ્તરના આક્ષેપો કરી શક્યા નથી. બીજેપી મહાસચિવ વિનોદ તાવડે પર નોટો વહેંચવાનો આરોપ હતો, તો શરદ પવાર પરિવારના રોહિત પવાર પર વોટ માટે રોકડ વહેંચવાનો આરોપ લાગ્યો હતો. આ બંને મામલે એફઆઈઆર નોંધાઈ છે.
આ પણ વાંચો : Assembly Election: મહારાષ્ટ્રમાં ‘અબ કી બાર કિસ કી સરકાર’, એક્ઝિટ પોલના આંકડા શું કહે છે?
વોટિંગના દિવસે બિટકોઈનનો મુદ્દો ઉછળ્યો
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ સાંસદ સુપ્રિયા સુળેના અવાજની ક્લિપ વાયરલ કરીને લીડ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ક્લિપમાં બિટકોઈન લેણદેણ વિશે વાત કરવામાં આવી રહી છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના લોકો રાજકીય ભ્રષ્ટાચારના મામલા સાંભળીને થાકી ગયા છે. તેથી, ઓછામાં ઓછું મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચાર મુદ્દો નહીં બને. બીજું, આ બાબતો સામાન્ય લોકો સમક્ષ એટલી મોડી આવી છે કે હવે જનતાને તેના વિશે વિચારવાનો સમય નથી. વોટિંગ પહેલા મહારાષ્ટ્રના ૯૦ ટકા લોકો સુધી પણ આ વાતો પહોંચી નહીં શકી હોય. પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં જે મુદ્દાઓ પર વોટ થઈ રહ્યા છે તે આ છે.
ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર કેટલી સહાનુભૂતિ મેળવે છે?
મહારાષ્ટ્રની કુલ ૨૮૮ બેઠકમાંથી ઓછામાં ઓછી ૮૯ બેઠક પર અસલી અને નકલી વચ્ચે જ ટક્કર છે. ઓછામાં ઓછી ૫૧ બેઠકો પર શિવસેના શિંદે જૂથ અને શિવસેના યુબીટી વચ્ચે સીધી સ્પર્ધા છે. તેવી જ રીતે, ઓછામાં ઓછી ૩૮ બેઠક પર એનસીપી અજિત પવાર અને એનસીપી શરદ પવાર વચ્ચે સામ-સામે ટક્કર છે. લોકસભા ચૂંટણીમાં બે શિવસેના વચ્ચેના મુકાબલામાં શિંદે જૂથની જીતનો સ્ટ્રાઈક રેટ વધુ હતો, પરંતુ આ વખતે ખરો મુકાબલો વિધાનસભાની ચૂંટણીમાં છે. ઉદ્ધવ ઠાકરે વારંવાર એકનાથ શિંદને ગદ્દાર કહીને સંબોધે છે.
સાથે જ એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરે પર બાળા સાહેબની વિચારધારાને ખુરશી માટે બાજુ પર રાખવાનો આરોપ મૂક્યો હતો. જોકે, હવે જોવાનું એ રહે છે કે જનતા કોની વાત માને છે. એનસીપીના અજિત પવારનો લોકસભા ચૂંટણીમાં સફાયો થયો હતો. જનતાએ કાકા શરદ પવારને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. પરંતુ આ વખતે ભત્રીજાએ એવી રમત રમી છે કે જનતા મુંઝવણમાં મુકાઈ ગઈ છે. અજિત પવાર એવી રીતે લડાઈ લડી રહ્યા છે જાણે કે તેમને કાકા શરદ પવારના આશીર્વાદ મળ્યા હોય. હાલમાં સામાન્ય લોકો આને શરદ પવારની રાજકીય કારકિર્દીની છેલ્લી ચૂંટણી માનીને તેમની સાથે જોડાશે તો એમવીએ સરકાર બનતા કોઈ નહિ રોકી શકે.
મહાયુતિ મરાઠા અને દલિતને કેટલું તોડી શકશે?
મરાઠા મતોને લઈને એમવીએમાં ઘણી આશા છે. કારણ એ છે કે જરાંગે પાટીલ, જે છેલ્લા ઘણા વર્ષોથી મરાઠા આરક્ષણ પર સક્રિય છે. તે ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસ પર બહુ નારાજ છે. જો કે, જે રીતે તેમણે મરાઠાઓને તેમના અંતરાત્માના આધારે મતદાન કરવાની ગત પખવાડિયામાં જાહેરાત કરી નથી, તેનાથી આશા જાગી છે કે મહાયુતિને થોડો ફાયદો મળી શકે છે. વાસ્તવમાં જરાંગેના સમર્થકો માને છે કે શિંદે અને પવાર બધા મરાઠા છે. જરાંગે પાટીલને પણ મુખ્યમંત્રી એકનાથ શિંદે પ્રત્યે સહાનુભૂતિ છે. છતાં આટલું ચોક્કસ છે કે મરાઠા વોટ ભાજપને ઓછા મળશે. તે કેટલું ઘટાડી શકે છે એ તેના પર નિર્ભર રહેશે કે ઓબીસી મતો ક્યાં જાય છે. તેવી જ રીતે ભાજપનું જોર દલિત મતોના વિભાજન પર રહ્યું છે. ખાસ કરીને જો બિન-આંબેડકરવાદી જ્ઞાતિઓ ભાજપ સાથે જશે તોએમવીએને નુકસાન થવાનું નિશ્ચિત છે.
કલ્યાણ યોજનાનો જાદુ કેટલો કામ કરશે કે નહીં
સમગ્ર મહારાષ્ટ્રમાં મહિલાઓ મુખ્યમંત્રી એકનાથ શિંદેનો જય જયકાર કરી રહી છે. કારણ એ છે કે રાજ્યની કુલ ૨ કરોડ મહિલાઓને લાડકી બહિન યોજનાઅંતર્ગત દર મહિને ૧,૫૦૦ રૂપિયા મળવા શરુ થયા છે. શિંદે સરકાર અને ભાજપે તેમના ઘોષણાપત્રમાં વચન આપ્યું છે કે જો ફરી સરકાર બનશે તો મહિલાઓને દર મહિને ૨૧૦૦ રૂપિયા આપવામાં આવશે. તેવી જ રીતે વિદ્યાર્થીઓ અને વૃદ્ધો વગેરે માટે પણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ઘણી મહત્વની જગ્યાઓ પરથી ટોલ હટાવી દેવામાં આવ્યો છે. તેથી મહારાષ્ટ્રના લોકોને લાગે છે કે સરકાર લોકકલ્યાણના કામ કરી રહી છે અને સરકાર બદલાઈ જશે તો આ બધું અટકી જશે. સામે પક્ષે એમવીએએ કહ્યું છે કે જો તેમની સરકાર બનશે તો તેઓ મહિલાઓને લાડકી બહિન યોજના હેઠળ દર મહિને ૩૦૦૦ રૂપિયા આપશે. હવે જોવાનું એ રહે છે કે જનતા કોની કલ્યાણકારી યોજનાઓને મંજૂરી આપશે.
ઓબીસીના મતોમાં ગાબડું કેટલું અટકાવી શકે છે?
મહારાષ્ટ્રમાં, મહાયુતિનું ધ્યાન ખાસ કરીને અન્ય પછાત વર્ગોના મતો પર છે, જેમ કે તે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હતું. મહારાષ્ટ્રમાં અન્ય પછાત વર્ગોની વસ્તી લગભગ ૩૮ ટકા છે, તેમાં કુણબી, માલી, વણજારી અને ધનગર જેવા રાજકીય રીતે મહત્વના સમુદાયોનો સમાવેશ થાય છે જેઓ ભાજપના મતદારો ગણાય છે. બંધારણ બચાવોના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના આ મુખ્ય મતદારો પર એમવીએ ફરી એકવાર પ્રહાર કરવા તૈયાર છે. બીજી તરફ, પીએમ મોદી સતત ચેતવણી આપી રહ્યા છે કે કેવી રીતે પછાત જાતિઓની અનામત હડપ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. છગન ભુજબળ જેવા ઓબીસી નેતાઓ પણ મહાયુતિની તરફેણમાં ઓબીસીને સંગઠિત કરવા સખત મહેનત કરી રહ્યા છે.
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેને લાગ્યો ઝટકો, સુશીલ કુમાર શિંદેએ આપ્યું અપક્ષને સમર્થન
મહારાષ્ટ્રથી ગુજરાતમાં ઉદ્યોગો મોકલ્યા હોવાનો મુદ્દો
ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સતત ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર મહારાષ્ટ્રમાંથી ઉદ્યોગોને ગુજરાતમાં ખસેડવાનો આરોપ લગાવી રહ્યાં છે. આ વાત આખા મહારાષ્ટ્રમાં ફેલાઈ ગઈ છે કે બાંધકામના તમામ કોન્ટ્રાક્ટ ગુજરાતીઓને મળી રહ્યા છે. એરક્રાફ્ટ અને રોકેટ એન્જિન બનાવતી સેફ્રોન કંપની મહારાષ્ટ્ર છોડીને ગુજરાતમાં જવાની જાહેરાત બાદ શિંદે સરકાર પર વિપક્ષનો હુમલો તેજ બન્યો હતો. બાદમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરવી પડી. ફડણવીસે કહ્યું કે ટાટા એરબસઆ પ્રોજેક્ટને મહારાષ્ટ્રમાંથી ખસેડવાનો નિર્ણય ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે લેવામાં આવ્યો હતો. પરંતુ ભાજપ આ મામલે જનતાને કેવી રીતે સમજાવશે?