પી ચિદમ્બરમની પોસ્ટથી નારાજ મણિપુર કૉંગ્રેસ, ખડગેને લખ્યો પત્ર
દેશના પૂર્વ નાણા પ્રધાન અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ હાલમાં ચર્ચામાં છે. મણિપુર અંગેની તેમની તાજેતરની પોસ્ટથી મણિપુર કોંગ્રેસના નેતાઓ નારાજ થયા હતા મણિપુર કોંગ્રેસે પી ચિદમ્બરમની વિવાદાસ્પદ પોસ્ટની નિંદા કરી હતી અને તેમણે કૉંગ્રેસ અધ્યક્ષ ખડગેને પી. ચિદમ્બરમ સામે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં મણિપુર કોંગ્રેસે જણાવ્યું છે કે અમે મણિપુરના સંકટ અંગે પી ચિદમ્બરમની પોસ્ટની નિંદા કરીએ છીએ. આ સાથે જ તેમણે રાજ્યની એક્તા અને અખંડિતતા માટે પાર્ટીની પ્રતિબદ્ધતાનો પણ પુનરૂચ્ચાર કર્યો હતો અને પી ચિદમ્બરમ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
આ પણ વાંચો: ભાજપના સાંસદે કહ્યું “તમે જેલમાં જાવ છો તો તમારા ચિદમ્બરમ સાહેબના કાયદાના લીધે, અમારી સરકાર તો….
મણિપુરમાં વધી રહેલી હિંસા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે મેઈતી, કુકી-જોસ અને નાગાઓ એક રાજ્યમાં ત્યારે જ સાથે રહી શકે છે જ્યારે તેમની પાસે પ્રાદેશિક સ્વાયત્તતા હોય. મણિપુર કોંગ્રેસના નેતા અને પૂર્વ સીએમ ઓકરામ ઈબોબી સિંહે પૂર્વ નાણા પ્રધાનના નિવેદનનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે ભારે આલોચના વચ્ચે મણિપુર સંબંધિત તેમનું ટ્વિટ ડિલીટ કરવું પડ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નિવેદન ચિદમ્બરમનો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે છે પરંતુ તેનાથી રાજ્યમાં ઘણી ગેરસમજ ઊભી થઈ શકે છે.
આઅગાઉ ચિદમ્બરમે મણિપુરની સ્થિતિ માટે બિરેન સિંહને જવાબદાર ગણાવ્યા હતા અને તેમના રાજીનામાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં પાંચ હજાર સૈનિકો મોકલવા એ કંઇ મણિપુરની સમસ્યાનો ઉકેલ નથી.
આ પણ વાંચો: ભારતમાં ઑલિમ્પિક યોજવા પર રાજકારણ! કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે…..
મણિપુરના મુખ્ય પ્રધાન બિરેન સિંહે ચિદમ્બરમના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે રાજ્યના વર્તમાન સંકટનું મૂળ ચિદમ્બરમ છે. કૉંગ્રેસ સરકાર દરમિયાન નેતાઓની ઉપેક્ષાને કારણે જ રાજ્યને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યની હાલની સમસ્યાઓના મૂળમાં ચિદમ્બરમ છે. ચિદમ્બરમે ક્યારેય પૂર્વોત્તરના લોકોની ચિંતા કરી નથી. રાજ્યમાં આ સંકટ મ્યાનમારથી આવેલા ઘૂસણખોરોને કારણે છે. આ ઘૂસણખોરો કૉંગ્રેસની દેન છે. ઘૂસણખોરો મણિપુર અને ઉત્તર-પૂર્વના વતનીઓ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરે છે.
દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ ખડગેએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને પત્ર લખીને મણિપુરની સમસ્યાના નિરાકરણ માટે તેમના હસ્તક્ષેપની માગ કરી હતી. પત્રમાં તેમણે આક્ષેપ કર્યોહતો કે મણિપુરની સરકાર છેલ્લા 18 મહિનામાં રાજ્યમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં અને શાંતિ બહાલ કરવામાં સદંતર નિષ્ફળ નિવડી છે.