…તો ચાર કલાક વહેલા એરપોર્ટ પહોંચજોઃ કેનેડિયન સરકારનો ભારતીયો માટે નવો ફતવો
ટોરન્ટોઃ કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો સમયની સાથે વધુ તંગ બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ટ્રુડો સરકારે નવો નિર્ણય લીધો છે. ભારત જનારા દરેક મુસાફરોની કડક તપાસ કરવામાં આવશે. આ મુદ્દે કેનેડાના પરિવહન ખાતાના પ્રધાન અનિતા આનંદે જણાવ્યું હતું કે નવા નિયમ ખૂબ જ સાવધાની સાથે લાગુ કર્યાં છે.
ભારતમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે હંગામી ધોરણે સુરક્ષા સ્ક્રીનીંગ પગલાં લાગુ કર્યા છે. પરિણામે, જ્યારે આ પગલાં અમલમાં હોય ત્યારે પ્રવાસીઓને સ્ક્રીનિંગમાં થોડો વિલંબ થઈ શકે છે. એર કેનેડાએ સુરક્ષા ચેકપોઇન્ટ પર વધુ સમય લાગતો હોવાને કારણે મુસાફરોને પ્રસ્થાનના ચાર કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી જવાની સલાહ પણ આપી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેનેડિયન એર ટ્રાન્સપોર્ટ સિક્યુરિટી ઓથોરિટી (સીએટીએસએ) દ્વારા વધારાના પગલાં લેવામાં આવશે. આ એજન્સી કેનેડામાં એરપોર્ટના પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશતા પહેલા મુસાફરો અને તેમના સામાનની તપાસ માટે જવાબદાર એજન્સી છે.
કેનેડા સરકારે તેની પાછળ સુરક્ષાને કારણ ગણાવ્યું છે. ગયા મહિને નવી દિલ્હીથી શિકાગો જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી ફ્લાઈટનું કેનેડાના ઈક્લુઈટમાં ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : PM Modiએ કેનેડાને આપ્યો કડક સંદેશ, G-20 સમિટમાં જસ્ટિન ટ્રુડોની અવગણના કરી
જોકે, તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક મળી આવ્યા નહોતા. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પહેલીથી 19 નવેમ્બર દરમિયાન એર ઈન્ડિયાના વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની વારંવાર ધમકી આપી હતી. પન્નુ વારંવાર આવી ધમકીઓ આપતો હોય છે. જોકે, ભારતીય વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હોવા છતાં કેનેડાનાં પ્રધાન અનિતા આનંદે તાજેતરના નિર્ણયને કોઈ વ્યક્તિ અથવા સંસ્થા સાથે સંબંધ હોવાની સ્પષ્ટતા કરી નથી.
દરમિયાન ખાલિસ્તાની હરદીપ નિજ્જરની હત્યાને લઈને ગયા વર્ષે ભારત અને કેનેડા વચ્ચે તણાવ શરૂ થયો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હત્યાકાંડ માટે ભારત પર આરોપ લગાવ્યો છે. ભારતે પણ આ અંગે તીખી પ્રતિક્રિયા આપી છે, જેને કારણે ધીમે ધીમે બંને દેશો વચ્ચેના સંબંધો વધુને વધુ તંગ બની રહ્યા છે.