સુરતમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા સાત લોકો દાઝ્યા; બેની હાલત ગંભીર…
સુરત: સુરતના કતારગામનાં ફૂલપાડા વિસ્તારમાં એક ઇમારતમાં ગેસની બોટલ લીકેજ થતાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના ઘટી છે. ક્રિષ્ના કોમ્પલેક્ષના બીજા માળે આગ લાગવાની આ ઘટનામાં સાત યુવાનો દાઝ્યા હોવાની વિગતો મળી રહી છે. હાલ તમામને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે.
આ પણ વાંચો : Valsad માં મંદિરમાં પૂજા કરતી વખતે હાર્ટ એટેક આવતા વ્યક્તિનું મોત, વિડીયો વાયરલ
સાત દાઝ્યા; બેની હાલત ગંભીર
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના અશ્વિનીકુમાર ફૂલપાડા વિસ્તારના ક્રિષ્ના કોમ્પલેક્ષમાં ગેસની બોટલ લીકેજ થતાં બ્લાસ્ટ થયાની ઘટના ઘટી હતી. આજ વહેલી સવારે ગેસ ગળતર બાદ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેમાં સાત જેટલા લોકો દાઝ્યા છે. ઇજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં દાઝેલા સાત લોકોમાં અનંત પાસવાન, બલરામ પાસવાન, મિથુન પાસવાન, સાગર પાસવાન, બાદલ પાસવાન, ચંગોરા પાસવાન અને પ્રદ્યુમ્ન પાસવાનનો સમાવેશ થાય છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આસપાસના લોકોના નિવેદન નોંધ્યા છે. આ નિવેદનના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચો : નખત્રાણામાં માબાપના ડરથી છોકરાઓએ કર્યું મોટું પરાક્રમ, પોલીસ તપાસમાં થયો પર્દાફાશ
ગેરકાયદેસર લોજ હોવાનો પણ ખુલાસો
જે સ્થળ પર આગ લાગી હતી, ત્યાં શ્રમિકો માટે રસોઈ બનાવવામાં આવતી હતી. અહીં ગેરકાયદેસર જમવાની લોજ ચાલતી હોવાનો પણ ખુલાસો થયો છે. આજે સવારે અહીં રસોઈ બની રહી હતી તે દરમિયાન બ્લાસ્ટ થયો હતો. અધિકારીએ જણાવ્યું કે પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. પોલીસે આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.