સ્પોર્ટસ

2036ની ઑલિમ્પિક્સ માટેના દાવામાંથી અમદાવાદનું પત્તું કપાઈ જશે? તો શું ભારતના આ શહેરમાં યોજાશે?

નવી દિલ્હીઃ 2036ની ઑલિમ્પિક ગેમ્સને આડે હજી 12 વર્ષ છે, પરંતુ એનું યજમાન કયો દેશ બનશે એ થોડા સમયમાં નક્કી થઈ જશે, કારણકે ભારત પણ વિશ્વના આ સૌથી મોટા રમતોત્સવના આયોજન માટેનો દાવો કરી રહ્યું છે. અત્યાર સુધી 2036ની ઑલિમ્પિક્સના આયોજન માટે ભારતના સંબંધમાં ખાસ કરીને અમદાવાદ અને મુંબઈનું નામ ચર્ચાતું હતું, પરંતુ એક અહેવાલ એવો આવ્યો છે કે જો ભારતને યજમાનપદ મળશે તો આ બન્ને શહેરોને બાજુ પર રાખીને દિલ્હી તથા ખાસ કરીને તાજમહલ બદલ જગવિખ્યાત આગ્રા શહેરને યજમાન બનાવવામાં આવશે એવી સંભાવના છે.

ભારતે 2036ની સમર ઑલિમ્પિક્સ તથા દિવ્યાંગ ઍથ્લીટો માટેની પૅરાલિમ્પિક્સ પોતાને ત્યાં યોજવા ઇચ્છા બતાવી છે એને પગલે આ બે મેગા ઇવેન્ટના આયોજન માટેના સંભવિત શહેરોના નામ પર ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો: 2036 Olympicsની યજમાની માટે ભારત સરકારે સત્તાવાર દાવો રજુ કર્યો, આ દેશો પણ હરીફ

2036ની ઑલિમ્પિક્સ માટે હમણાં સુધી અમદાવાદ તથા મુંબઈના નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. અમદાવાદમાં 1.32 લાખ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ ધરાવતું ક્રિકેટજગતનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યું હોવાથી ગુજરાતના આ અગ્રગણ્ય શહેરમાં ઑલિમ્પિક્સ લાવવામાં આવશે એવી વાતો ચર્ચાતી હતી. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે એટલે એનું નામ પણ અગે્રસર હતું. જોકે એવું મનાય છે કે ભારતનો ઑલિમ્પિક્સના 2036ની સાલના આયોજનનો દાવો જો સ્વીકારાશે તો કેટલાક કારણોસર આ મહાસ્પર્ધા માટે દિલ્હી-એનસીઆર અને આગ્રા પર કળશ ઢોળવામાં આવશે.

પહેલી વાત એ છે કે દિલ્હી દેશનું પાટનગર છે. બીજું, દિલ્હી-એનસીઆર અને આગ્રાને પસંદ કરવામાં આવે તો દેશ-વિદેશના પર્યટકોના આગમન માટે ચાર ઍરપોર્ટ તૈયાર છે. ત્રીજું, ઍથ્લીટો અને ખેલાડીઓના રહેવાની તથા તાલીમી-કેન્દ્રો સહિતનું ઑલિમ્પિક વિલેજ ઊભું કરવા આ પ્રદેશોમાં પુષ્કળ ખાલી જમીન પડી છે. ઉલ્લેખનીય છે કે 2010માં કૉમનવેલ્થ ગેમ્સ દિલ્હીમાં યોજાઈ હતી. ચોથું કારણ એ છે કે જો ઑલિમ્પિક્સ આગ્રાના તાજમહલની આસપાસના પ્રદેશમાં રાખવામાં આવે તો વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકોને ભારતમાં આકર્ષી શકાય જેનાથી કેન્દ્ર સરકારની તિજોરીને કરોડો રૂપિયાની આવક થઈ શકે.

આ પણ વાંચો: અમદાવાદ સહિત રાજ્ય Olympics 2036 માટે સજજ થાય તે માટે આટલા કરોડની જોગવાઈ

સામાન્ય રીતે જે દેશને ઑલિમ્પિક ગેમ્સનું યજમાનપદ સોંપવાનું હોય એ સંબંધમાં પર્યટકોની સંભવિત સંખ્યા, ઉપલબ્ધ ખાલી પ્રદેશ, ઍરપોર્ટ, રેલવે સ્ટેશનો તેમ જ વાહનવ્યવહારને લગતા બીજા સ્થળેથી ઑલિમ્પિક્સના સ્થળ સુધી પહોંચવા વિશેની સરળતા અને માળખાકીય સગવડો, આર્થિક સધ્ધરતા, ઔદ્યોગિક એકમો વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.

2012માં લંડન ઑલિમ્પિક્સ માટે થેમ્સ નદી તથા ટાવર બ્રિજ વગેરે સ્થાનોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. તાજેતરમાં પૅરિસ ઑલિમ્પિક્સ યોજાઈ હતી જેને માટે એફિલ ટાવર, સેન નદી વગેરે બાબતોને લક્ષમાં રાખવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button