ઈન્ટરવલ

વિશેષ: આ છે ગેમ ચેન્જર સી-૨૯૫… આનાથી દેશ બનશે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ હબ

-સંજય શ્રીવાસ્તવ

હવે ટાટા બનાવશે દેશમાં મોટું અને અત્યાધુનિક મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-૨૯૫ રતન ટાટાની અને વડા પ્રધાનની પ્રતિબદ્ધતા સાથે શરૂ થયો છે આ પ્રોજેક્ટ.

આ રીતે ખાનગી ક્ષેત્ર દ્વારા વિમાન બનાવવાની આ ઘટના દેશના સમગ્ર એરોનોટિકલ સિનારિયોને તદ્દન પલટાવી નાખશે. આવો, જાણીએ નવા એરક્રાફ્ટની વિશેષતા…

દૂરંદેશી વ્યક્તિઓ ત્યારે વિદાય લે છે જ્યારે આધુનિક અને યુવાન એમનું સ્થાન લેવા તૈયાર થઈ જાય છે.

૧૯૬૦માં પ્રથમ ઉડાન ભરવાથી લઈને ૧૯૬૧થી ભારતીય વાયુસેનામાં સેવા આપતું બ્રિટિશ અને એચએએલ-નિર્મિત એવરો એચએસ-૭૪૮, હવે ધીમે ધીમે નિવૃત્ત થશે અને તેનાં સ્થાન પર એરબસના સી-૨૯૫નું આગમન થશે.

એવરો-૭૪૮ની છ દાયકાની વૈવિધ્યસભર સેવાને ક્યારેય ભૂલી નહીં શકાય. આ જૂના રશિયન કાર્ગો ટ્રાન્સપોર્ટર એન્ટોનોવ એએન-૩૨નું સ્થાન વહેલા- મોડું એરબસ સી-૨૯૫ લેશે.

૨૫ સપ્ટેમ્બર ૨૦૨૩ના જ્યારે પ્રથમ સી-૨૯૫ એરક્રાફ્ટને હિંડન એર બેઝ ખાતે વાયુસેનાના ૨૧ રાઇનો સ્ક્વોડ્રનમાં સામેલ કરવામાં આવ્યું ત્યારે જ નક્કી કરવામાં આવ્યું હતું કે હવેથી આપણે આ વિમાનો જાતે બનાવીશું અને એ સપનું હવે સાકાર થઈ રહ્યું છે.

હવે ગુજરાત- વડોદરામાં તેનું ઉત્પાદન કરવા માટે ‘ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ’ (ટીએએસેલ) ના પ્લાન્ટ શરૂ થઈ ગયા છે. હાલમાં આ પ્લાન્ટ એરબસ ડિફેન્સ અને સ્પેસ કંપનીના સહયોગથી આવાં ૪૦ એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે.

હકીકતમાં, આ આગવા પ્રોજક્ટની કલ્પના ૨૦૧૨માં સ્વપ્નદૃષ્ટા એવા રતન ટાટાએ કરી હતી. તેમાં સફળતા ત્યારે મળી જ્યારે ભારત સરકારે સપ્ટેમ્બર ૨૦૨૧ માં રૂપિયા ૨૧,૯૩૫ કરોડમાં ૫૬૮ લશ્કરી પરિવહન વિમાન સી-૨૯૫ ખરીદવા માટે સ્પેન સાથે કરાર કર્યા.

એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સ્પેનના સેવિલે સ્થિત એરબસ કંપની દ્વારા આપણને ૧૬ વિઝન રેડી-ટુ-ફ્લાય કંડિશનમાં આપવામાં આવશે અને બાકીના ૪૦ તેમના સહયોગથી આપણે જાતે બનાવીશું. તેના બાંધકામનો શિલાન્યાસ ઓક્ટોબર ૨૦૨૨માં કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં વડાપ્રધાનના ઉદ્ઘાટન પછી જ્યારે રતન ટાટા નથી રહ્યા ત્યારે નોએલ ટાટાના નેતૃત્વમાં કંપની દેશમાં ખાનગી ક્ષેત્રમાં પ્રથમ સંપૂર્ણ અને અત્યંત અદ્યતન કાર્ગો એરપ્લેન બનાવવાની તૈયારી કરી રહી છે. ‘ટીએએસએલ’ ઓગસ્ટ ૨૦૩૧ના અંત સુધીમાં તમામ ૪૦ એરક્રાફ્ટ એરફોર્સને સોંપી દેશે એ પછી પણ તેણે ૨૫ વર્ષ સુધી ભારતીય વાયુસેનાના આ વિમાનોને જાળવવાનો કોન્ટ્રાક્ટ પણ લીધો છે. બેશક, તેની પાસે ભવિષ્ય માટે પણ ખૂબ મહત્ત્વાકાંક્ષી યોજનાઓ છે.

ટીએએસએલ અને એરબસ સાથે મળીને અન્ય દેશો માટે પણ દેશમાં એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. પછી ભલે તે ફાઈટર એરક્રાફ્ટ હોય કે કાર્ગો એરક્રાફ્ટ હોય કે પછી ભવિષ્યમાં પેસેન્જર એરક્રાફ્ટ હોય.

આ સાથે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં સર્જાયેલો માહોલ સાબિત કરશે કે ‘મેક ઇન ઈન્ડિયા’ સાથે આપણે ‘મેડ ફોર ધ ગ્લોબ’ અને આત્મનિર્ભર ભારતના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યા છીએ.

ભારત ટૂંક સમયમાં યુરોપિયન અને અમેરિકન પ્રભુત્વ ધરાવતા એરોસ્પેસ માર્કેટમાં મજબૂત હાજરી નોંધાવશે. વિદેશથી આયાત પર નિર્ભરતા ઘટશે અને દેશમાં ઉત્પાદન ક્ષમતાને વેગ મળશે. ભવિષ્યમાં અહીંથી એરક્રાફ્ટની નિકાસની તકો ઊભી થશે.

સંરક્ષણ નિકાસમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બનશે. દુનિયાની મોટી એરક્રાફ્ટ કંપનીઓ માટે આપણે ઘણા સ્પેરપાર્ટ્સ બનાવીએ છીએ, પરંતુ આ નવા એરક્રાફ્ટ સી-૨૯૫ના ૧૮,૦૦૦ સ્પેરપાર્ટ્સ અહીં જ બનાવવામાં આવશે અને ભવિષ્યમાં જો સ્થાનિક માગ વધશે તો નવી સ્કીલ અને નવા નાના અને મધ્યમ ઉદ્યોગોને લાભ થશે.

આપણે દર વર્ષે બોઇંગ પાસેથી એક અબજ યુએસ ડૉલર મૂલ્યની સેવા લઈએ છીએ. તેમાંથી ૬૦ ટકાથી વધુ મેન્યુફેક્ચરિંગમાં ખર્ચવામાં આવે છે, જે હવે ઘટશે. ટાટાની સંલગ્ન કંપનીઓ, સેવાઓ અને સેંકડો ડિફેન્સ સ્ટાર્ટઅપ્સને પણ ઘણું કામ મળશે.

દેશના એરોસ્પેસ ઉદ્યોગમાં અનેક્વિધતા આવશે, જે અત્યારે દક્ષિણ ભારત સુધી મર્યાદિત છે તે કાનપુર, પ્રયાગ, આગ્રા સુધી વિસ્તરશે. આનાથી દેશના એરોસ્પેસ ક્ષેત્રમાં રોજગારમાં વધારો થશે. અત્યારનાં પ્લાન્ટ પોતે જ ૩,૦૦૦ થી વધુ લોકોને રોજગાર આપવા જઈ રહ્યો છે, તેથી ૧૫,૦૦૦ થી વધુ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે.

આ પણ વાંચો : મગજ મંથન : માણસ ઉતાવળે ભૂલ કરે છે ને પછી નિરાંતે પસ્તાય છે.!

દેશને ઉડ્ડયન અને વિમાનની જાળવણી અને સમારકામનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. હવે એવી આશા છે કે આ પહેલ પછી જાળવણી સુવિધા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સ્પેરપાર્ટ્સ માટે સપ્લાય ચેઈન પણ તૈયાર થશે. હેંગર, ઈમારતો, એપ્રોન અને ટેક્સીવેના રૂપમાં વિશેષ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે.

આનો અર્થ એ થયો કે આ શરૂઆત આપણને જાળવણી, સમારકામ અને ઓપરેશન એટલે કે એમઆરઓની સેવાઓ પૂરી પાડવામાં આગળ લઈ જશે. આ બધા પછી, ઘણી વિદેશી કંપનીઓ અને સંસ્થાઓ સસ્તી મજૂરી અને વધુ સારી તકનીકી સહાય લેવા આપણે ત્યાં આવશે.

આમ આવનારા બે દાયકામાં દેશને લગભગ ૨૫૦૦ પેસેન્જર અને કાર્ગો એરક્રાફ્ટની જરૂર પડશે, જો આપણે આત્મનિર્ભર બનીશું તો વિચારો આપણને કેટલો ફાયદો થશે.

છેલ્લાં દોઢ દાયકામાં, દેશે આવા ઘણા નિર્ણયો લીધા, જેણે ભારતમાં વાઇબ્રન્ટ સંરક્ષણ ઉદ્યોગના વિકાસને સુનિશ્ર્ચિત કર્યો અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી સરકારી ઉપક્રમો અસરકારક બન્યા. ‘ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ’નું આ એરિયલ શિપ પ્લાન્ટ તેનું જ ઉદાહરણ છે.

આ સી-૨૯૫ એરક્રાફ્ટ ભારત માટે ગેમ ચેન્જર કેમ છે?

સી-૨૯૫ ના નામનો ‘સી’ સ્પેનિશ કંપની ‘કાસા’ નો પહેલો અક્ષર છે. તે હવે એરબસ સાથે મર્જ થઈ ગઈ છે. ‘૨’ સૂચવે છે કે તેમાં બે એન્જિન છે અને ‘૯૫’ તેની લોડ- વહન ક્ષમતા દર્શાવે છે.

આ એરક્રાફટ ૯૦ ના દાયકામાં વિકસાવવામાં આવ્યું હતું અને ૨૮ નવેમ્બર ૧૯૯૭ ના રોજ પ્રથમ ઉડાન લીધી. એરક્રાફ્ટની લંબાઈ ૮૦.૩ ફૂટ, પાંખો ૮૪.૮ ફૂટ, ઊંચાઈ ૨૮.૫ ફૂટ છે. ક્રૂ કેબિનમાં ટચસ્ક્રીન નિયંત્રણો સાથે સ્માર્ટ કંટ્રોલ સિસ્ટમ છે. તે માત્ર ૩૨૦ મીટરના અંતરેથી ટેક ઓફ કરી શકે છે અને ૬૭૦ મીટરના અંતરે લેન્ડિંગ કરી શકે છે.

તે એક સમયે ૭૧ સૈનિકો અથવા ૯ ટન વજન સાથે ૪૮૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ૧૧ કલાક સુધી સતત ઉડી શકે છે અને બે ટર્બોપ્રોપ એન્જિનની મદદથી તે ૩૦,૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે.

એની પાંખોની નીચે ૬ એવી જગ્યા છે, જ્યાં શસ્ત્રો અને સંરક્ષણ પ્રણાલી સ્થાપિત કરી શકાય છે. તેના ઇનબોર્ડ પાઇલોન્સમાં ૮૦૦ કિલોનાં હથિયારો ગોઠવી શકાય છે. ઓટો રિવર્સ ક્ષમતાને કારણે, તે ૧૨ મીટર પહોળા રન-વે પર ૧૮૦ ડિગ્રી સુધી વળી શકે છે…. ૧૫૦૦ કિગ્રા વજનની રિફ્યુઅલિંગ સિસ્ટમ અને ત્રણ વધારાની ઇંધણ ટાંકીઓથી સજ્જ એવા આ એરક્રાફ્ટને ફ્લાઇંગ ફ્યુઅલ ટેન્કરમાં રૂપાંતરિત કરી શકાય છે.

બીજી બાજુ, ફિનલેન્ડ, પોલેન્ડની બર્ફીલી ઠંડી હોય કે અલ્જીરિયા અને જોર્ડનનું તપતું રણ હોય, બ્રાઝિલનાં જંગલો હોય કે કોલંબિયાના પર્વતો આ એરક્રાફટ દરેક પડકારજનક વાતાવરણમાં સફળ નીવડ્યું છે. આપણા પહેલા સ્પેન, ઇન્ડોનેશિયા, ઇરાક, ઇજિપ્ત અને અફઘાનિસ્તાન જેવા ૩૭ દેશે આ વ્યૂહાત્મક પરિવહન વિમાનનો પ્રયાસ કર્યો છે.

આ વિશ્વસનીય સી-૨૯૫ વ્યૂહાત્મક પરિવહન એરક્રાફ્ટ દિવસ, રાત્રિ, રણ, પર્વતો, સમુદ્ર કોઈપણ સમયે તમામ હવામાન પરિસ્થિતિઓમાં તેની ભૂમિકા ભજવી શકે છે. લશ્કરી કામગીરી દરમિયાન ભાર વહન કરવા ઉપરાંત, તેનો ઉપયોગ ભૂકંપ, પૂર, તોફાન જેવી કુદરતી આફતો દરમિયાન થઈ શકે છે.

૨૪ સ્ટ્રેચર અને સાત મેડિકલ એટેન્ડન્ટને લઈ જવાની ક્ષમતા સાથે ફ્લાઈંગ મેડિકલ હોમમાં પરિવર્તિત થવાની ક્ષમતા હોય કે પછી ૭,૦૦૦ લિટર પાણી વડે ટેક-ઓફ કરવાની ક્ષમતા સાથે જંગલની આગ સામે લડવા માટે સક્ષમ વોટર બોમ્બરમાં રૂપાંતરિત થવાની ક્ષમતા હોય, તેને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તેના વિવિધ પ્રકારો, થોડો ફેરફાર સાથે, તબીબી સ્થળાંતર, જંગલની આગ ઓલવવા, જાસૂસી હુમલા વગેરે માટે પણ વાપરી શકાય છે.

સૈનિકો અને હથિયારો સરળતાથી અને ઝડપથી દુર્ગમ સ્થળોએ લઈ જઈ શકાય છે. તેથી તે હવાઈ હુમલા અને વિશેષ દળોની હિલચાલ માટે અત્યંત ઉપયોગી છે. ચીન સાથે સરહદ પર ચાલતી પ્રવૃત્તિઓના કિસ્સામાં આ ક્ષમતા ખૂબ ઉપયોગી છે.

દરિયાઈ સરહદ પર પણ દેખરેખ માટે આ એક આદર્શ વિમાન છે. તેનો એક વેરિયેંટ રડાર, અન્ય અનેક સર્વેલન્સ સાધનો અને સેન્સરથી સજ્જ છે જે વિમાનને મુશ્કેલીમાં મદદ કરવા, દરિયાઈ પેટ્રોલિંગ અને ગતિવિધિઓ પર દેખરેખ રાખવા, ચાંચિયાગીરીનો સામનો કરવા અને અટકાવવા માટે ઉપયોગી છે.
આમ ‘મેડ ઈન ઈન્ડિયા’ આ વિમાન ગેમ ચેન્જર સાબિત થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button