તરોતાઝા

કેરોલિના રીપર પ્રકરણ-૨૫

પ્રફુલ શાહ

લાશ બની ગયેલા માણસનો ફોટો ઘણાં ભેદ ખોલવાનો હતો

આકાશની ડાયરી વાંચીને કિરણે કંઇ ન અનુભવ્યું. એકદમ સંવેદન શૂન્ય બની ગઇ

કિરણને ઇચ્છા નહોતી છતાં ન જાણે કેમ મન ફરી ફરી પુઠ્ઠાવાળી ડાયરી તરફ ખેંચાતું હતું. અને તે ફરી હારી ગઇ અને વાંચવા માંડી.

“ગૌરવની ન્યૂઝ સ્ટોરીનું હેડિંગ હતું. ભારતીય જીવન મૂલ્યોની વૈશ્ર્વિક બોલબાલા. બાજુમાં સુખી લગ્ન-જીવનની સમજ આપતો કિરણનો ફોટો. કેવું વિચિત્રને? મારા મોઢામાંથી નીકળી ગયું. મારી વાઇફને હજી ૨૧મી સદીની હવા સ્પર્શી સુધ્ધા નથી. “પછી હું હસી પડયો. મોના એકદમ ગંભીરતાથી બોલી. ગૌરવ તો હજી વીસમી સદીમાં પડયા પાથર્યો રહે છે.

અમે બન્ને ખડખડાટ હસી પડયા. મારો અને મોનાના કેસમાં ઘણી સમાનતા છે. મેં વગર પ્રેમે લગ્ન કર્યાં, તો મોનાએ પ્રેમને સમજ્યા વગર લગ્ન કર્યાં. પણ હવે અમને પોતાનો હક મળી ગયો. મોનાએ નિખાલસ કબૂલાત કરી.”હું ગૌરવના વ્યવસાય, પત્રકારત્વ ગ્લેમરથી આકર્ષાઇ હતી. એનું લેખન, વર્તન, વાતચીત અને રહેણીકરણી મને એકદમ હટકે લાગ્યા, પરંતુ લગ્ન બાદ બહુ જલદી આકર્ષણ ઓગળી ગયું. હું સમજી ગઇ કે એના ઘર અને લાઇફ સ્ટાઇલ સાથે મારો મેળ ક્યારેય નહીં થાય. ફ્રેન્કલી મેં જરાય પ્રયાસ પણ ન કર્યાં. નજીકથી જોતા મને જો એકદમ માવડિયો જ લાગ્યો. મેં તો છ મહિનામાં ગૌરવને અલ્ટિમેટમ આપી દીધું, કે મારી સાથે રહે કાં તારી મમ્મી સાથે. શરૂઆતમાં તેણે મને સમજાવવાના ખૂબ પ્રયાસો કર્યા પણ હું નમી નહીં. હું રિસાઇને પિયર જતી રહી. અંતે એની મમ્મી સ્વેચ્છાએ અલગ રહેવા જતી રહી. પણ થોડા સમયમાં હું પ્રેગનન્સીની પળોજણમાં ફસાઇ ગઇ, પરંતુ સાચું કહું તો ગૌરવ પાસે મારી માટે ટાઇમ જ નહોતા. હું એનાથી દૂર જતી હતી, ત્યાં તું મળી ગયો.

મારા મોઢામાંથી નીકળી ગયું. “થેન્ક ગૉડ, તું મને મળ ગઇ. કાશ હું તારા જેટલો હિમ્મતવાન હોત. પણ જલદી કિરણને કહી દેવું છે કે બહુ થયું હવે.

ડાયરીના આ પાનું વાંચીને કિરણે કંઇ ન અનુભવ્યું. જાણે એ સંવેદના શૂન્ય બની ગઇ એને પોતાને ય નવાઇ લાગી.
૦૦૦
એટીએસના પરમવીર બત્રાની સ્માર્ટ વૉચમાં ઇ-મેઇલ આવ્યાનું નોટીફિકેશન રણકયું. તેમણે તરત લેપટોપ ખોલ્યું. એટીએસની સાયબર સેલ તરફથી મેઇલ આવ્યો હતો. એક પણ શબ્દનું લખાણ નહોતું. માત્ર એનડીના બે ફોટા હતા. એક હતો ખુદ બત્રાએ મોકલેલો એનડીનો ફોટો. બીજો પણ એનો જ ફોટો હતો. એ ફોટા ખૂબ જૂનો હતો. એ કોઇ બસ-સ્ટેન્ડ પાસે ઊભો હતો. એની પાછળ ઊભેલી એસટીની બસ પર ‘સાબર’ લખેલું વંચાતું હતું. એના ઉપર ફોટામાં લાલ રંગથી કુંડાળું કરીને મેઇલ મોકલનારાએ ધ્યાન આકર્ષિત કર્યું હતું. એ સિવાય સ્થળની કોઇ વિગત નહોતી. જૂના ફોટામાં એનડીનો ગેટઅપ એકદમ અલગ હતો. લેટેસ્ટ ફોટોમાં એ ભણેલો ગણેલો, સોફેસ્ટિકેટેડ લાગતો હતો. જૂના ફોટામાં થોડો પાતળો ને મજૂર જેવો લાગતો હતો. પહેલી નજરે બન્ને અલગ-અલગ લાગે પણ ધ્યાનથી જોવાથી સચ્ચાઇ ઉઘાડી પડી. એનો અર્થ એ કે એનડીની સોશિયલ મીડિયા પર ફૂટ પ્રિન્ટ હોઇ શકે. કદાચ આ સીસીટીવીનો ગ્રેન્ડ પણ હોય, પરંતુ આ ‘સાગર’ એટલે શું?
ગુજરાતીમાં લખાયું છે એટલે કોઇ ગુજરાત કનેકશન હશે ખરું? બત્રાને થયું કે હવે ગૂંચ ઉકેલાવાની શરૂઆત થઇ ગઇ. પણ પ્રોબ્લેમ એ હતો કે મરેલા માણસ બોલતા નથી. ક્યારેક લાશ મોઢું ખોલ્યા વગર ઘણું કહી શકે, પરંતુ આની તો લાશ પણ કયાં મળી છે? લગભગ લાશ બની ગયેલા માણસનો આ ફોટો ઘણાં રહસ્યો ખોલવાનો હતો, બહુ જલદી.
૦૦૦
માલતીબહેન બંધ આંખે જાગતા પડયા હતા. તબિયતમાં સુધારો હોવાનું ડૉક્ટર્સ કહેતા હતા પણ ખૂબ નબળાઇ હતી. કદાચ એમનું મન સાજું થવા માગતું નહોતું. દીકરાના લાપતા થવા અને પતિને હાટૅ-એટેકથી તેઓ એકદમ ભાંગી પડયાં હતાં. સૌએ, ખાસ તો મમતા અને કિરણે સલાહ આપી કે બહુ વિચારવાનું છોડી દો, ચિંતા મૂકી દો અને બધું ઇશ્ર્વર પર છોડી દો. માલતીબહેન સમજતાં હતાં કે આ જ સાચું છે પણ મન પર એમનો અંકુશ નહોતો.

મમ્મીના બેડની એક તરફ ઊભેલી મમતા એકદમ ઇમોશનલ થઇ ગઇ. એની આંખમાં ખારી ભીનાશ ઊતરી આવી.કિરણે હળવેકથી મમતાનો હાથ પકડી લીધો, જેમાં સ્પર્શમાં ભારોભાર હૂંફ અને પોતીકાપણું હતું. કિરણે હળવેકથી બે ખુરશી ખેંચી લીધી. મમતાને બેસાડી અને પછી પોતે બાજુમાં બેઠી. કિરણે એક હાથ મમ્મીના હાથ પર મૂકયો.

માલતીબહેને આંખ ખોલી, કિરણે હળવું સ્મિત આપ્યું, “કેમ છે મમ્મી હવે?

“આટ આટલું થવા છતાંય કમબખ્ત જીવ જતો નથી. એનાથી ભુંડું શું હોય?

મમતાએ એમના મોઢા પર હાથ મૂકી દીધો. “મમ્મી પ્લીઝ આવી વાતો ન કર તારે તો અમને સંભાળવાના હોય.

“… એટલે ફટાફટ આ દૂધ પી લો.

કિરણે ગ્લાસ આગળ ધરતા બોલી.

“કંઇ ભાવતું નથી, ઇચ્છા જ થતી નથી.

” આ થોડી પાર્ટી છે કે ભાવતું ખાવાનું હોય. આ તો શરીરની શક્તિ માટે છે. ચાલો, દવાની અસર થાય એ માટે દૂધ ઝડપથી પી જાઓ તો મમ્મી. કિરણે ગ્લાસ લગભગ એમના હોઠ સુધી પહોંચાડી દીધો. માંડ અડધો ગ્લાસ દૂધ પીને માલતીબહેને મોઢું બંધ કરી દીધું. મમતાએ કિરણ ભણી જોઇને આંખોથી શાબાશી આપી, આભાર માન્યો.

માલતી બહેને મમતા સામે જોયું. “અજયકુમાર મજામાં છે ને, બેટા?

“હા મમ્મી, તારી તબિયતની ફિકર કરતા હતા. મને મળ્યા પછી એક મહત્ત્વની બિઝનેસ મીટિંગ હતી. એમાં વાર લાગી. એટલે તને મળવા ન આવી શક્યા.

“કંઇ વાંધો નહીં. છેક મુંબઇ આવ્યા એ ઓછું છે કંઇ? વેવાઇ પણ ફિકર કરતા હતા. કહેતા હતા કે કોઇ ફિકર ન કરતા.

“બીજું શું બોલ્યા અજયના પપ્પા?

“એ જ બને ત્યાં સુધી આકાશ વિશે કોઇએ કંઇ બોલવું નહીં.

“મને પણ અજયે કીધું કે આ બાબતમાં મોઢું એકદમ બંધ રાખજો.

કિરણને નવાઇ લાગી. આકાશ વિશે મોઢુ બંધ રાખવાની સલાહ બન્નેએ આપી? શા માટે? ઘરની વ્યક્તિ ગાયબ થઇ જાય એમાં થોડો કંઇ પાપ કે ગુનો થઇ ગયો છે કે મોઢું સીવી લેવાનું હોય?
૦૦૦
‘મહાજન મસાલા’ની આલીશાન ઑફિસની પોતાની કૅબિનમાં દીપક મહાજન અને રોમા લેપટોપ પર કંઇક જોઇ રહ્યાં હતાં. બન્નેએ એકમેક સામે જોયું. સૂચકપણે સંમતિ વ્યક્ત થઇ. દીપકે ડૉરબેલ વગાડી. પ્યુન આવ્યો. તેને સૂચન આપી કે મોહન કાકુને અંદર મોકલ.
પ્યુનને નવાઇ લાગી કે મોહનકાકુને મળવા માટે મોટા શેઠ ખુદ એમની કૅબિનમાં જતા હતા, ને આ બેઉં એમને પોતાની કૅબિનમાં બોલાવે છે! ખેર, હું તો પ્યુન,મારે શું?

થોડીવારમાં દરવાજા પર ટકોરા મારીને મોહનકાકુ અંદર આવ્યા. બન્નેની સામે ઊભા રહ્યા. દીપકે એમની સામે જોયા વગર બોલ્યો, “બેસો. આપનું કામ છે.

“ના. હું ઊભો જ ઠીક છું.

“ઓકે. જુઓ થોડા સેલ્સ કેમ્પેઇન પ્લાન કર્યાં છે. એજન્ટના ડિસ્કાઉન્ટમાં વધારો કરવાનો છે. અને નવા સ્ટોકિસ્ટ અપોઇન્ટ કરવાના છે. એ બધું વ્યવસ્થિત રીતે થાય એનું ધ્યાન રાખજો.

“આ પેપર્સ પર કિરણબહેનની સહી લઇને મોકલાવી આપજો. પછી બધું થઇ જશે.
“એટલે? અમારી વાત તમે નહીં માનો?

“એવું નથી. હું તો મોટા શેઠ અને મારા જૂના દોસ્તની ઇચ્છાને માન આપતો આવ્યો છું. અને કાયમ એમ જ કરીશ.

રોમા ઉશ્કેરાઇ ગઇ. “ખોટી ચાપલુસી બંધ કરો. અમેય શેઠના કંઇક લાગીએ છીએ. એ ખબર નથી?

મોહનકાકુ એ કંઇ જવાબ ન આપ્યો. “હું તો તેમણે વીડિયો પર આપેલી સૂચનાનો અમલ કરું છું. વધુ કંઇ કામ ન હોય તો હું જાઉં?

દીપક એમની સામે રોષભેર જોઇ રહ્યા. “હા, સિધાવો આપ.

મોહનકાકુના ગયા પછી દીપક બન્ને હાથની હથેળી એકમેક સાથે જોશભેર ઘસવા માંડયો. રોમાને એ જોઇને ચીડ ચડી. “જો સમયસર કંઇ નહીં કરે ને જિંદગીભર આમ હાથ ધસતો રહી જઇશ.

“તો તું બોલ કે શું કરીએ?

“જો મારો પ્લાન ધ્યાનથી સાંભળ. દીપક, કહીને રોમા પોતાની રિવૉલ્વિંગ ચેર એની નજીક લઇ ગઇ.
૦૦૦
એટીએસના પરમવીર બત્રા કલાકોથી એનડીના નવા અને જૂના ફોટાનો સ્ટડી કરતા હતા. ક્યારેક લેપટોપ ખોલે, ક્યારેક કોઇ સાથે વાત કરે, ક્યારેક ઇન્ટરનેટ પર સર્ચ કરે. આ બધાના સાર રૂપે ભવિષ્યમાં કામ આવે માટે તેમણે પોતાની નોંધ ટપકાવવાનું શરૂ કર્યું.
એનડીનો જૂનો ફોટો સોશિયલ મીડિયાના ટેલિગ્રામના ગ્રૂપ પરથી મળ્યો હતો. અહીં નામ અને સભ્યો બદલાતા રહે. એ લોકો પોતાની હિલચાલ અને કદાચ નવા લુકની જાણકારી આ ગ્રૂપ પણ એકમેકને આપતા હોઇ શકે. આ સિવાય ગ્રૂપનો ધ્યેય વધુને વધુ લોકોને એમાં જોડીને એમાંથી સોફટ ટાર્ગેટ જેવા લોકોને ઓળખી કાઢવાનો અને પછી તેમને કટ્ટરવાદી બનાવવાનો હોય છે આવા સભ્યોનું રેકિલાઇઝેશન સરળ હોતું નથી, પરંતુ ગ્રુપના ૧૨૫-૧૫૦ સભ્યોમાંથી ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ દસેક જણા કટ્ટરવાદની જાળમાં સપડાઇ જતા હોય છે. આવા બધા ગ્રૂપ પર એટીએસની સાયબર સેલ સતત નજર રાખે છે, પરંતુ આ ગ્રૂપના નામ અને સભ્યો બદલાતા રહે છે. એટલે કાયમ બધા પર ધ્યાન આપવાનું શક્ય બનતું નથી. એનડીના ફોટો આવા એક ગ્રૂપમાંથી જ મળ્યો છે. એટલે એ પણ હાલ કે ક્યારેય આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોવા વિશે શંકાને સ્થાન નથી.

એનડીના ફોટા પાછળ ગુજરાતીમાં લખેલું ‘સાબર’ શું છે? એ કોયડો ઉકેલવાથી કોઇ દિશા મળી શકે. આમાં મદદ માટે પરમવીર બત્રાએ ગુજરાત એટીએસમાં કાર્યરત એપ ફ્રેન્ડને મેસેજ મોકલ્યો: “કોલ અર્જન્ટલી, ઇમ્પોર્ટન્ટ બટ નોટ ઓફિશિયલ નાઉ.
પરમવીર બત્રા એકદમ સાચી દિશામાં હતા પણ હજીએમાં ઘણાં વિકટ અને જોખમી વળાંકો અને ખીણ આવવાના હતા. (ક્રમશ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…