નાશિકના વિધાનસભ્ય સુહાસ કાંડે સમીર ભુજબળના સમર્થકો વચ્ચે થઇ અથડામણ પછી…
નાશિકઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની 288 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. તમામ પક્ષોના ઉમેદવારો મતદાન કરવા માટે નીકળી પડ્યા છે. મતદાન પ્રક્રિયાએ વેગ પકડ્યો છે, એવા સમયે નાશિકમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. અહીં વિધાનસભ્ય સુહાસ કાંડે અને સમીર ભુજબળ સામસામા આવી ગયા હતા.
સમીર ભુજબળે નાશિકના નંદગાંવમાં વિધાન સભ્ય સુહાસ કાંડે દ્વારા બોલાવવામાં આવેલા મતદારોને અટકાવ્યા હતા, જેને કારણે પરિસ્થિતિ તંગ બની ગઇ હતી અને રસ્તા પર અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો.
ગુરુકુળ કોલેજ પરિસરમાં મતદારો મતદાન માટે જઇ રહ્યા હતા ત્યારે ભુજબળે રસ્તામાં તેમના વાહનો પાર્ક કરીને તેમને રોક્યા હતા. ભુજબળ અને સુહાસ કાંડેના સમર્થકો વચ્ચે આ સમયે બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં તો તંગદિલી વધી ગઇ હતી. પરિસ્થિતિ તંગ બનતાની સાથે જ પોલીસ અને ચૂંટણી પંચની ટીમ ત્યાં આવી પહોંચી હતી.
ત્યાર બાદ રોકાયેલા મતદારોની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમની બેગની પણ તપાસ કરવામાં આવી હતી. આ સમયે બંને નેતાઓએ એકબીજાને અપશબ્દો બોલી રહ્યા હતા. આ જોઇને પોલીસે તાકીદે અહીં વધારાની ફોર્સ બોલાવી હતી.
Also Read – Maharashtra Election 2024 : જાગો મતદાર જાગો, મહારાષ્ટ્રમાં 11 વાગ્યા સુધીમાં 18.14 ટકા જ મતદાન, ઝારખંડમાં…
ભુજબળે ડુંગળી પર રાજકારણ કરી મતદાન કરનારા મતદારોને રોકતા હંગામો થયો હતો. ભુજબળે તેમને આગળ નહીં જવા દેવાનું મક્કમ વલણ અપનાવ્યું હતું. એવા સમયે કાંડેના સમર્થકોએ ‘આનું મર્ડર નક્કી છે’ કહીને ધમકી આપી હતી. પોલીસે દરમિયાનગીરી કરીને વિવાદ શાંત પાડ્યો હતો.
જોકે, પોલીસે જ્યારે મતદાતાઓ પાસે તેમનુ આધાર કાર્ડ ચેક કરવા માગ્યું તો લોકો ગુસ્સે ભરાયા હતા અને ‘અમે બિહારી નથી, પણ અહીંના જ છીએ. અમને મતદાન કરવાથી વંચિત ના રાખો’ કહીને રોષ વ્યક્ત કર્યો હતો.