Maharashtra Election 2024: શરદ પવાર જૂથના ઉમેદવારનો મોટો આરોપ, ઇવીએમ પર નામની સામે કાળું નિશાન
મુંબઇ : મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકની ચૂંટણી (Maharashtra Election 2024) માટે આજે વહેલી સવારથી મતદાન કરવામાં આવી રહ્યું છે. જયારે મતદાન દરમ્યાન શરદ પવાર જૂથ એનસીપી( એસપી) ના કર્જત- જામખેડના ઉમેદવાર રોહિત પવારે ઇવીએમ બાબતે આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે ઇવીએમમાં તેમના નામની સામે કાળું નિશાન કરવામાં આવ્યું છે. તેમણે ચૂંટણી પંચને આ અંગે ફરિયાદ કરી છે. રોહિત પવારે એક્સ પર આ માહિતી શેર કરીને ચૂંટણી પંચના અધિકારીઓને આ નિશાન દૂર કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે શરદ પવાર એ રોહિત પવારના દાદા છે.
વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ
આ દરમ્યાન મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે. જેમાં મહાયુતિ અને એમવીએ વચ્ચે કાંટાની ટક્કર છે. બંને પોતાના જીતના દાવા કરી રહ્યા છે. સવારથી જ અનેક રાજનેતાઓ અને ફિલ્મી સ્ટાર પર મતદાન કરી રહ્યા છે. તેમજ લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે.
અજિત પવારે મતદાન કર્યું
આ દરમ્યાન મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને બારામતી વિધાનસભા ક્ષેત્રના એનસીપીના ઉમેદવાર અજિત પવારે પોતાનો મત આપ્યા પછી કહ્યું, ‘લોકસભાની ચૂંટણી દરમિયાન પણ અમારા જ પરિવારના બે લોકો એકબીજાની સામે ઊભા હતા. એ ચૂંટણી બધાએ જોઈ છે. આ વખતે પણ એવું જ થયું છે. મને વિશ્વાસ છે કે બારામતીની જનતા મને વિજય અપાવશે
સંજય સિરસાટની ગાડી પર પથ્થર ફેંકવાની ઘટના
એનસીપી (શરદ પવાર)ના નેતા અનિલ દેશમુખની કાર પર પથ્થર ફેંક્યાના અને તેમને લોહીલુહાણ કરાયાના દાવા અને પ્રતિદાવા બાદ હવે શિવસેના (યુબીટી) નેતા સંજય સિરસાટની ગાડી પર પથ્થર ફેંકવાની ઘટના બહાર આવી છે. છત્રપતિ સંભાજીનગર ખાતે બનેલી આ ઘટના સમયે સિરસાટનો પુત્ર સિદ્ધાંત ગાડીમાં હતો અને ગાડીના ડાબા ભાગે મોટો પથ્થર ફેંકવામાં આવ્યો હતો. ફેંકનાર ત્યાંથી પલાયન થઈ ગયો હતો.