બિઝનેસ ક્લાસની ટિકિટ હોવા છતાં પેસેન્જરને ઈકોનોમી ક્લાસ બેસાડ્યો! શક્તિસિંહના એર ઇન્ડિયા પર આરોપ
ગાંધીનગર: છેલ્લા ઘટના સમયથી દેશનું એવિએશન સેક્ટર સતત ચર્ચામાં છે, ખાસ કરીને મુસાફરો પડતી અસુવિધાને કારણે. એવામાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયા પર ગંભીર આરોપ (Ashktisinh Gohils allegation on Air India) લગાવ્યા છે. X પર એક પોસ્ટ કરીને શક્તિસિંહ ગોહિલે એરલાઈને મુસાફર સાથે કરેલા દુર્વ્યવહારની ઘટના વર્ણવી હતી અને સરકારને યોગ્ય પગલા ભરવા માંગ કરી હતી.
શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો કે એક મુસાફર પાસે બિઝનેસ ક્લાસની ટિકિટ હોવા છતાં પણ એર ઇન્ડિયાએ તેમને ઈકોનોમી ક્લાસમાં બેસવાની ફરજ પાડી હતી, કેમકે કંપનીને એક કર્મચારીને બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરવી હતી. શક્તિસિહે આ વર્તનને કંપનીની મનમાની ગણાવી હતી.
સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ:
X પરની પોસ્ટમાં શક્તિસિંહે લખ્યું કે, ‘શું કોઇ એરલાઇન આવી પોલિસી બનાવી શકે? જ્યાં મુસાફર બિઝનેસ ક્લાસની ટિકિટ માટે સંપૂર્ણ કિંમત ચૂકવે છે અને બોર્ડિંગ પાસ મેળવે છે, અને એરલાઇનના કર્મચારીઓ મુસાફરને ઈકોનોમી ક્લાસમાં ડાઉનગ્રેડ કરી શકે? 19/11/24 ના રોજ એર ઇન્ડિયાની દિલ્હીથી અમદાવાદ જતી ફ્લાઈટ AI 531માં એક ગુજરાતી સુધાંશુભાઈ મહેતા સાથે આવું બન્યું હતું. આ મુસાફર સાથે મારો કોઈ અંગત પરિચય નથી, પણ અન્યાય થયો હોવાનું લાગતા હું મારી ફરજના ભાગરૂપે આ મુદ્દો ઉઠાવી રહ્યો છું.”
તેમણે લખ્યું કે, “આ મુસાફરને કહેવામાં આવ્યું કે બિઝનેસ ક્લાસ ફૂલ થઇ ગયો છે અને તેને આપવામાં આવેલી બિઝનેસ ક્લાસની સીટ ખરાબ થઇ ગઈ છે તેથી તેમણે ઈકોનોમી ક્લાસમાં બેસવું પડશે. પરંતુ જ્યારે પેસેન્જર પ્લેનમાં પ્રવેશ્યો ત્યારે તેણે જોયું કે તેમની બિઝનેસ ક્લાસ સીટ પર કોઈ બેઠું છે, તેથી જ્યારે તેમણે વિરોધ કર્યો, ત્યારે કોમર્શિયલ સ્ટાફે આવીને કહ્યું કે આ કંપનીની પોલિસી છે. જ્યારે અમારા કર્મચારીને ફરજ પર મુસાફરી કરવી પડે ત્યારે અમે પેસેન્જરને ડાઉનગ્રેડ કરી શકીએ છીએ.”
તેમણે પોસ્ટમાં લખ્યું કે, “ઘણી ચર્ચા બાદ આ અંગે સ્ટાફ દ્વારા લેખિતમાં પણ સૂચના આપવામાં આવી હતી. જેની નકલ આ સાથે પોસ્ટ કરું છું.
તેમણે સવાલ ઉઠાવ્યા કે, “શું કોઈ એરલાઈન્સ આવી એકપક્ષીય નીતિ બનાવી શકે? શું સરકારે આવી કોઈ પરવાનગી આપી છે? જો પેસેન્જરે કોઈ વળતર માંગ્યું ન હોય અને તે તેની બિઝનેસ ક્લાસની સીટ પર મુસાફરી કરવા માંગતો હોય, તો તેની સંમતિ વિના તેને છેલ્લી ઘડીએ ઈકોનોમી ક્લાસમાં કેમ ધકેલી શકાય? શું એરલાઈન્સની ગ્રાહક પ્રત્યે કોઈ ફરજ નથી? એરલાઈન્સ પોતાની ઈચ્છા મુજબ પોલિસી કેવી રીતે બનાવી શકે? જો કોઈ વ્યક્તિ બીમાર હોય અથવા કોઈ ખાસ કારણ હોય, તો તે ઠીક છે, પરંતુ એરલાઈનના કર્મચારી માટે મુસાફરોએ તેની સીટ શા માટે છોડાવી જોઈએ? હું સરકારને યોગ્ય પગલાં લેવા વિનંતી કરું છું જેથી ભવિષ્યમાં કોઈ બીમાર, વૃદ્ધ કે અન્ય મુસાફરોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.”
આ પોસ્ટમાં શક્તિસિંહે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ કિંજરપુને પણ ટેગ કર્યા અને યોગ્ય કાર્યવાહી કરવા આપીલ કરી.
આ મામલે મુંબઈ સમાચારનો એર ઇન્ડિયા કે ઉલ્લેખિત પેસેન્જર સાથે સીધો સંપર્ક થઇ શક્યો નથી