ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ ફરાર આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર, જાણી લો લેટેસ્ટ અપડેટ
Ahmedabad News: અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના (Khyati Multispecialty Hospital) ફરાર આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ (Lookout Notice) જાહેર કરવામાં આવી હતી. જેસીપીના જણાવ્યા મુજબ, એક આરોપી ઓસ્ટ્રેલિયા ફરાર થઈ ગયો છે, જ્યારે બાકીની તપાસ શરૂ છે. આરોપીઓના પાસપોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ મુખ્ય ડોક્ટરની ધરપકડ, અત્યાર સુધીમાં શું થઈ કાર્યવાહી?
ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં પોલીસે પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી હતી. તેને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પ્રશાંત વજીરાણીને પોલીસ સ્ટેશનમાં પોલીસની મિલીભગતથી વીઆઈપી સુવિધા મળતી હતી. તેને ઘરનું ભોજન પીરસવામાં આવી રહ્યું હતું. આ ઘટના બાદ ફરજમાં નિષ્કાળજી દાખવનાર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ લાલસંગ ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ મંગળવારે સાંજે ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની છ જેટલી ટીમોએ ખ્યાતિ હોસ્પિટલ પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન કેટલાક મહત્ત્વના દસ્તાવેજ, ફાઈલો અને ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા.
ખ્યાતિ સહિત આ હોસ્પિટલને કરવામાં આવી સસ્પેન્ડ
આજે સવારે પીએમજેએવાય (PMJAY) યોજનામાંથી ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટ ની 1-1 તથા ગીર સોમનાથની 1 હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે. તેમજ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતી. ડો પ્રશાંત વઝીરાણી અને અન્ય ચાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા સંસ્થા, ગીર સોમનાથ
નારીત્વ ટર્નિંગ પોઇન્ટ હેલ્થ કેર પ્રા.લી, અમદાવાદ
શિવ હોસ્પિટલ, અમદાવાદ
નિહિત બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલ, રાજકોટ
ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ
સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ, સુરત
સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ, વડોદરા
દર્દીઓના જીવ સાથે ચેડાં કરનારી અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 2022થી 2024 એમ 3 વર્ષમાં 847 દર્દીઓએ આયુષ્યાન યોજના હેઠળ સારવાર લીધી હતી. જેમાં 10થી વધુ દર્દીઓ પાસેથી રૂપિયા 1.35 લાખથી વધુનું બીલ વસૂલવામાં આવ્યું હતું.
ગુજરાતમાં કેટલા આયુષ્માનકાર્ડ ધારકો છે
ગુજરાતમાં કુલ 2.61 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો છે. 1.38 કરોડ પુરુષ અને 1.22 કરોડ મહિલાઓ પાસે એયુષ્યમાન કાર્ડ છે. અમદાવાદમાં સૌથી વધુ 24.01 લાખ, સુરતમાં 19.56 લાખ, રાજકોટમાં 15 લાખ, બનાસકાંઠામાં 12.26 લાખ, વડોદરામાં 10.23 લાખ આયુષ્યમાન કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યભરમાંથી 924 પ્રાઈવેટ અને 1752 પબ્લિક એમ કુલ 2676 હોસ્પિટલ એમ્પેનલ્ડ છે. આયુષ્યમાન યોજના હેઠળ સૌથી વધુ હોસ્પિટલ જોડાયેલી હોય તેમાં બનાસકાંઠા 249 સાથે મોખરે, અમદાવાદ 213 સાથે બીજા, સુરત 163 સાથે ત્રીજા, રાજકોટ 142 સાથે ચોથા, મહેસાણા 121 સાથે પાંચમાં સ્થાને છે. ડાંગમાં સૌથી ઓછી 8, પોરબંદરમાં 20, નર્મદામાં 23 હોસ્પિટલ સંકળાયેલી છે.
ટૂંક સમયમાં બદલાશે નિયમ
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ ધરાવતાં દર્દીની સારવાર માટે માત્ર રિપોર્ટ જ સબમિટ કરાવાના હોય છે. ખ્યાતિ કાંડ બાદ સરકાર જાગી છે અને હવે ટૂંક સમયમાં નિયમ બદલાશે. માત્ર રિપોર્ટનો આધાર નહીં ચાલે, પુરાવા પણ આપવા પડશે. તેમજ એન્જિયોગ્રાફીની સીડી પણ જોડવી પડશે.