Assembly Election: ‘મહાયુતિ’ કે MVA: આવતીકાલે મતદારો કરશે ફેંસલો
સવારે સાત વાગ્યાથી છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે, 23મીએ પરિણામ
મુંબઈ: આજે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી (Assembly Election) યોજાવાની છે ત્યારે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતૃત્વ હેઠળની ‘મહાયુતિ’ ફરી સત્તા પર આવશે કે નહીં, જ્યારે મહાવિકાસ આઘાડી (એમવીએ) લોકસભાની ચૂંટણીની જેમ સારો દેખાવ કરશે તેના પર સૌની નજર ટકી રહેવાની છે. રાજ્યના ૨૮૮ વિધાનસભાની બેઠક પર સવારે સાત વાગ્યે મતદાન શરૂ થશે અને સાંજે છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. મતગણતરી ૨૩મી નવેમ્બરે રહેશે.
ચૂંટણી પ્રચારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ગૃહ પ્રધાન અમિત શાહ, કૉંગ્રેસી નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી-વડરા જેવા દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો હતો. ભાજપ, એકનાથ શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની એનસીપીનો સમાવેશ કરતી મહાયુતિએ લાડકી બહેન જેવી યોજનાનો જોરશોરથી પ્રચાર કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો.
ભાજપ 149 અને કોંગ્રેસ 101 બેઠક પર ચૂંટણી લડશે
લોકસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરનારી કોંગ્રેસ પાર્ટી મહાવિકાસ આઘાડીમાં ડ્રાઈવિંગ સીટ પર રહીને સૌથી વધુ 101 સીટ પર ચૂંટણી લડી રહી છે, જ્યારે ભાજપ 149 સીટ પર ચૂંટણી લડી રહી છે. મહાયુતિમાં ભાજપ ૧૪૯ બેઠક પર, એકનાથ શિંદેની શિવસેના ૮૧ અને અજિત પવારની એનસીપી ૫૯ બેઠક પર લડશે, જ્યારે મહાવિકાસ આધાડીમાં કૉંગ્રેસ ૧૦૧, શિવસેના (યુબીટી) ૯૫ અને એનસીપી-એસપી દ્વારા ૮૬ ઉમેદવાર મેદાનમાં ઊતારવામાં આવ્યા છે. આ સિવાય નાના પક્ષોમાં બહુજન સમાજવાદી પક્ષ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમિન (એઆઇએમઆઇએમ) દ્વારા અનુક્રમે ૨૩૭ અને ૧૭ ઉમેદવાર ઊભા કરવામાં આવ્યા છે.
બટેંગે તો કટેંગે નારાને લઈ મહાયુતિમાં વિવાદ
ભાજપના ‘બટેંગે તો કટેંગે’, ‘એક હૈ તો સેફ હૈ’ નારાઓ ચર્ચામાં અને વિવાદમાં પણ રહ્યા, તેમાંય વળી યોગી આદિત્યનાથ બટેંગે તો કટેંગે નારા મહાયુતિમાં વિવાદ રહ્યો હતો. મહાયુતિ મતદારોને ધર્મના આધારે જોડતી હોવાનો આક્ષેપ એમવીએ દ્વારા કરવામાં આવ્યો હતો. યોગીના મંત્ર ‘બટેંગે તો કટેંગે’ને ફક્ત વિપક્ષો તરફથી જ નહીં, પણ મહાયુતિના સાથી પક્ષોના કેટલાક નેતાઓ તરફથી નાપસંદ કરવામાં આવ્યો હતો. ફડણવીસે આ મંત્ર વિશે સ્પષ્ટતા કરી હતી છતાં મહાયુતિમાં આ નારો મૂંઝવણનું કારણ બન્યો હતો.
આ પણ વાંચો : વિધાનસભાની ચૂંટણી: મુંબઈમાં 30,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારી રહેશે ખડેપગે
આચારસંહિંતા ભંગની 2,469 ફરિયાદ
આચારસંહિતાના ભંગ માટેની કુલ ૨,૪૬૯ ફરિયાદ આવી હતી જેમાંથી ૨,૪૫૨ એટલે કે ૯૯.૩૧ ટકા ફરિયાદનો નિકાલ લાવવામાં આવ્યો હતો. એમવીએએ જાતિ આધારિત જનગણના, સામાજિક ન્યાય, બંધારણનો બચાવ જેવા મુદ્દાઓને આધારે પ્રચાર કર્યો હતો. સરકાર દ્વારા તરછોડાયા હોય એવું અનુભવ કરી રહેલા મતદારોને આકર્ષવાનો એમવીએનો પ્રયાસ રહ્યો હતો.
ભાજપે સોમવારે ‘કૉંગ્રેસને ના કહો’ સાથેની જાહેરખબર દ્વારા નવી જાહેઝુંબેશ હાથ ધરી હતી. આ સિવાય ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલા, પાલઘરમાં સાધુઓ પર થયેલા હુમલા વગેરે બાબતોને જાહેરખબર દ્વારા ઉજાગર કરીને મહાયુતિને વિપક્ષો પર જોરદાર હુમલો કર્યો હતો.
મોબાઈલ ફોન નહીં લઈ જતા
મુંબઈગરાને મતદાન કરવા જતા સમયે પોતાનો મોબાઈલ ઘરે મૂકીને જવાની અપીલ ઈલેકશન કમિશનર દ્વારા કરવામાં આવી છે. જો કોઈ પણ મતદાર પોતાનો મોબાઈલ ફોન લઈને મતદાન કેન્દ્રમાં ગયો તો તેને મતદાન કરવાથી વંચિત રહેવું પડે એવી શક્યતા છે. આવતી કાલે વિધાનસભાની ચૂંટણી માટે મુંબઈ સજ્જ થઈ ગયું છે. ચૂંટણી પંચે ૧૦૦ મીટર પરિસરમાં મોબાઈલ ફોન અથવા તેના સમાન કોઈ પણ મતદાન કેન્દ્રમાં લઈ જવા પર પ્રતિબંધ વસ્તુ મૂક્યો છે, તેને લગતો સર્ક્યુલર પણ ચૂંટણી પંચે ૧૬ નવેમ્બરના બહાર પાડ્યો હતો.
મુંબઈમાં કરોડથી વધુ મતદારો
મુંબઈની લગભગ દોઢ કરોડની વસતીમાં કુલ મતદારોની સંખ્યા ૧,૦૨,૨૯,૭૦૮ છે, જેમાં મુંબઈ શહેરમાં ૨૫,૪૩,૬૧૦ અને મુંબઈ ઉપનગરમાં ૭૬,૮૬,૦૯૮ છે. તો લોકસભા ૨૦૨૪ની ચૂંટણી બાદ મુંબઈ શહેર જિલ્લામાં ૫૩,૩૭૨ મતદારોમાં વધારો થયો છે. તો મુંબઈ ઉપનગર જિલ્લામાં ૨,૩૭,૭૧૫ મતદારોનો વધારો થયો છે. આ દરમિયાન મોટી ઉંમરના તથા દિવ્યાંગોને ઘરની મતદાન કરવાની સગવડ ઉપલબ્ધ કરી આપવામાં આવી હતી, જેમાં મુંબઈ શહેર જિલ્લામાં કુલ ૨,૧૫૪ અને મુંબઈ ઉપનગર જિલ્લામાં ૪,૧૧૮ લોકો એમ કુલ ૬,૨૭૨ લોકોએ ઘરેથી મતદાન કર્યું હતુ.
૭૬ ક્રિટિકલ પોલિંગ બૂથ
આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈમાં કુલ ૧૦,૧૧૭ પોલિંગ બૂથમાંથી ૭૬ જેટલા પોલિંગ બૂથને કિટ્રિકલ પોલિંગ બૂથ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. આ પોલિંગ બૂથમાં ભૂતકાળમાં સરેરાશ ૧૦ ટકા મતદાન થયું હતું. ઉદાહરણ તરીકે જો સરેરાશ મતદાન ૫૦ ટકા થયું હોય તેમાં કોઈ પણ પોલિંગ બૂથમાં ૧૦ ટકા કરતા ઓછું મતદાન થાય તો તે કિટ્રિકલ શ્રેણીમાં આવી જાય. ૭૬ કિટ્રિકલ પોલિંગ બૂથમાં મુખ્યત્વે કોલાબા, જુહુ અને મલાડ જેવા વિસ્તારનો સમાવેશ થાય છે.