ભારતીય મહિલા હૉકી ટીમ પહોંચી ગઈ ફાઇનલમાં, ચીન સાથે થશે ટક્કર
સેમિ ફાઇનલમાં ભારતે જાપાનને છેલ્લી મિનિટોમાં બે ગોલ કરીને 2-0થી હરાવ્યું
રાજગીર (બિહાર): ભારતની મહિલા હૉકી ટીમે અહીં એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલમાં જાપાન સામે છેલ્લી રોમાંચક ક્ષણોમાં કરેલા બે ગોલની મદદથી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતને 2-0થી વિજય અપાવવામાં નવનીત કૌર અને લાલરેમસિયામીની સૌથી મોટી ભૂમિકા હતી. તેમણે 15 મિનિટના છેલ્લા ક્વૉર્ટરમાં ગોલ કરીને બાજી ફેરવી નાખી હતી અને સંપૂર્ણપણે ભારતની તરફેણમાં લાવી દીધી હતી.
પ્રથમ સેમિ ફાઇનલમાં ચીને મલયેશિયાને 3-1થી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી અને બુધવારની ફાઇનલમાં ભારત-ચીન વચ્ચે ટક્કર થશે. થોડા દિવસ પહેલાં ભારતે ચીનને લીગ મુકાબલામાં 3-0થી હરાવ્યું હતું.
આપણ વાંચો: મહિલા હૉકીમાં ભારતે જાપાનને હરાવ્યું અને એની જ સામે હવે સેમિ ફાઇનલ!
ભારત-જાપાનની મૅચમાં પહેલા ત્રણ ક્વૉર્ટરમાં બન્ને ટીમ વચ્ચે જોરદાર રસાકસી થઈ હતી. બેમાંથી એક પણ ટીમ એકેય ગોલ નહોતી કરી શકી. જોકે ચોથા ક્વૉર્ટરમાં 48મી મિનિટમાં નવનીત કૌર ત્રાટકી હતી અને તેણે પેનલ્ટી સ્ટ્રૉકમાં ગોલ કરીને ભારતને 1-0થી સરસાઈ અપાવી હતી.
ત્યાર પછી આઠ મિનિટ દરમ્યાન જાપાનની ખેલાડીઓએ સ્કોર 1-1થી લેવલ કરવા કોઈ કસર બાકી નહોતી રાખી. જોકે ભારતીય સંરક્ષણની મજબૂત દીવાલને કારણે જાપાનના દરેક આક્રમણને ભારતીય ખેલાડીઓ અને ગોલકીપરે ખાળ્યું હતું.
ભારત 58મી મિનિટમાં ફરી ત્રાટક્યું હતું. લાલરેમસિયામીએ ગોલ કરીને ભારતને 2-0થી સરસાઈ અપાવી હતી અને જાપાનનો વિજય મેળવવા માટેનો માર્ગ સાવ બંધ કરી દીધો હતો.
ભારતીય ટીમે સેમિ ફાઇનલમાં વિજય મેળવ્યો એ સાથે સોશિયલ મીડિયામાં (ખાસ કરીને એક્સ પર) વિજેતા ટીમને અસંખ્ય હૉકીપ્રેમીઓએ અભિનંદન આપ્યા હતા.