વેપાર

ડૉલરની નબળાઈ સાથે સોનાચાંદીમાં તેજીની આગેકૂચ સોનું રૂ. 732 ઉછળીને ફરી રૂ. 75,000ની પાર, ચાંદી વધુ રૂ. 1554 ચમકી


(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ વૈશ્વિક વનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ જળવાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ વધીને એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં વધુ 10 ગ્રામદીઠ રૂ. 729થી 732ની તેજી આગળ ધપતા ભાવ ફરી રૂ. 75,000ની સપાટી કુદાવી ગયા હતા, જ્યારે ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1554ના ચમકારા સાથે રૂ. 90,000ની સપાટી પાર કરી ગયા હતા.


Also read: ડૉલરમાં તેજી અટકતા વિશ્વ પાછળ સોનામાં રૂ. ૧૦૬૯નું અને ચાંદીમાં રૂ. ૨૧૮૬નું બાઉન્સબૅક


બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યૌગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1554 ઉછળીને રૂ. 90,843ની સપાટીએ રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગને ટેકે વેરા રહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 729 વધીને રૂ. 75,237 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 732 વધીને રૂ. 75,540ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સની નરમાઈને ટેકે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ગત 12મી નવેમ્બર પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 2618.11 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને 2622 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 31.22 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે આજે સત્રના આરંભે ચાંદીના ભાવ પણ વધીને એક સપ્તાહની ટોચે પહોંચ્યા હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લાં થોડા સમયથી ઓવરબોટ પોઝિશન રહ્યા બાદ ડૉલર ઈન્ડેક્સમાં નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ પીછેહઠ જોવા મળતાં સોનાના સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું કેપિટલ ડૉટ કૉમના વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતા ઉમેર્યું હતું કે તાજેતરમાં અમેરિકાના મજબૂત આર્થિક આંકડાઓને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાનું જાળવી રાખશે કે કેમ તેની સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે.

આમ ભવિષ્યમાં રેટ કટ અંગેની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતા હાલમાં રોકાણકારોની નજર સપ્તાહ દરમિયાનના ફેડરલ રિઝર્વના વિવિધ અધિકારીઓના વક્તવ્ય પર સ્થિર થઈ છે આથી સોનાના ભાવની વધઘટનો આધાર ફેડરલના અધિકારીઓના નિર્દેશો ઉપરાંત આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં નીતિઘડવૈયાઓ કેવું વલણ અપનાવે છે તેના પર અવલંબિત રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.


Also read: એલ્યુમિનિયમ અને કોપરની અમુક વેરાઈટી સહિત ચોક્કસ ધાતુઓમાં સુધારો


જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં 58.9 ટકા ટ્રેડરોનું માનવું છે કે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકશે, જ્યારે 41.1 ટકા ટ્રેડરો વ્યાજદર યથાવત્‌‍ રાખે તેવી ધારણા મૂકી રહ્યા છે.
વધુમાં ગઈકાલે સાન ફ્રાન્સિસ્કો ફેડના અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે અમેરિકામાં રોજગારની તંગ સ્થિતિ ફુગાવાલક્ષી દબાણ વધારી રહી છે, પરંતુ આ દબાણ વર્ષ 2022 અને વર્ષ 2023ની સરખામણીમાં ઓછું હોવાનું તેમણે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button