દિલ્હી કેપિટલ્સથી છુટા થવા અંગે રિષભ પંતે મૌન તોડ્યું! ખુલાસાથી ખળભળાટ
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની તૈયારીઓ શરુ થઇ ગઈ છે, અગામી સિઝન માટે 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં મેગા ઓક્શન (IPL 2025 Mega Auction) યોજાશે. અગાઉ દરેક ફ્રેન્ચાઇઝીએ રીટેન્શન લીસ્ટ જાહેર કરી હતી, દિલ્હી કેપિટલ્સે (DC) રિષભ પંત(Rishabh Pant)ને છુટો કરતા સૌ ચોંકી ગયા હતા. હાલ આ ઓક્શન દરમિયાન રિષભ પર સૌથી મોટો દાવ લગાવવામાં આવે તેવી શક્યતા છે. એવામાં રિષભે મોટો ખુલાસો કર્યો છે.
સુનીલ ગાવસ્કરે આવું નિવેદન આપ્યું હતું:
એક સ્પોર્ટ્સ ચેનલે IPL મેગા ઓક્શન પહેલા એક વીડિયો શેર કર્યો છે, જેમાં સુનીલ ગાવસ્કર રિષભ પંતના દિલ્હી કેપિટલ્સમાં પરત ફરવાની સંભાવના વિશે વાત કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં ગાવસ્કર કહી રહ્યા છે કે જ્યારે કોઈ ખેલાડીને રિટેન કરવામાં આવે છે, ત્યારે સેલરી બાબતે ફ્રેન્ચાઈઝી અને ખેલાડી વચ્ચે ઘણી ચર્ચા થાય છે. કદાચ પંત અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આ બાબતે કેટલાક મતભેદ હશે, પરંતુ મને લાગે છે કે ડીસી ઋષભ પંતને તેમની ટીમમાં પાછો લેવાનું પસંદ કરશે કારણ કે તેમને કેપ્ટનની જરૂર છે.
પંતે આપ્યો આવો જવાબ:
સુનીલ ગાવસ્કરનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયાના થોડા સમય બાદ રિષભ પંતે જવાબ આપ્યો હતો. વિડિયો પર રીએક્શન આપતા ઋષભ પંતે લખ્યું કે હું ચોક્કસપણે કહી શકું છું કે મારું રીટેન્શન પૈસાને કારણે નથી.
DCએ આ ખેલાડીઓને રીટેન કર્યા:
દિલ્હી કેપિટલ્સે હરાજી પહેલા ચાર ખેલાડીઓને રિટેન કર્યા હતા. અક્ષર પટેલને રૂ. 16.5 કરોડ ચૂકવવામાં આવ્યા હતા, કુલદીપ યાદવને રૂ. 13.5 કરોડમાં જ્યારે દક્ષિણ આફ્રિકાના સ્ટાર ટ્રીસ્ટન સ્ટબ્સને રૂ. 10 કરોડ ચૂકવવામાં આવ્યા હતા અને અનકેપ્ડ વિકેટકીપર અભિષેક પોરેલને રૂ. 4 કરોડમાં રીટેન કરવામાં આવ્યો હતો.
દિલ્હી કેપિટલ્સે તેમના કોઈપણ ખેલાડીને હાઈએસ્ટ કેપ 18 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. જોકે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (વિરાટ કોહલીને રૂ. 21 કરોડ) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (હેનરિક ક્લાસેન માટે રૂ. 23 કરોડ) જેવી ટીમોએ તેમના સ્ટાર ખેલાડી માટે નિર્ધારિત કિંમત કરતાં વધુ ચૂકવણી કરી હતી.
આ પણ વાંચો…..સાબરમતી રિપોર્ટનો બૉક્સ ઓફિસ રિપોર્ટ નેગેટીવ, ચાર દિવસમાં આટલી કમાણી
પંતની IPLમાં પ્રદર્શન:
2016માં ભારત માટે U19 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન બાદ દિલ્હી કેપિટલ્સ દ્વારા પંતની પસંદગી કરવામાં આવી હતી. પંતે કેપિટલ્સ માટે 111 મેચ રમી હતી, જેમાં તેણે 35ની એવરેજથી 3284 રન બનાવ્યા હતા.