આરોગ્ય પ્લસ : અર્જીણ- અપચો-મંદાગ્નિ…શું છે? ચાલો જાણીએ અનેક રોગના મૂળ વિશે
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
પ્રાય: આહારની વિષમતાને કારણે મનુષ્યોને અર્જીણ થાય છે અને તે અર્જીણ જ અનેક રોગનું મૂળ છે, તેના નાશથી રોગ સમૂહનો પણ નાશ થાય છે. આમ સામાન્ય દેખાતો આ રોગ અનેક ભયંકર રોગની જનની છે માટે આ રોગને સાવ સામાન્ય સમજીને તેની અવગણના ન કરવી, પરંતુ તેનાં મૂળ કારણો શોધી યોગ્ય ઉપચારો કરવા.
- અર્જીણનાં લક્ષણ:
- જમેલું પચે નહીં અને જમવામાં અરુચિ રહે.
- થોડું જમ્યા હોય તોપણ પેટ ભરાઈ જાય અને પેટ ભારેભારે લાગે.
- કબજિયાત કે ઝાડા-ઊલટી થાય.
- ખાટા અથવા વાયુના ઓડકાર આવે.
- શરીરમાં આળસ, બેચેની અને માથું દુ:ખે.
- મોઢું વાસ મારે અને તેમાં કડવો અથવા બીજી જાતનો સ્વાદ આવે.
- ગળામાં, છાતીમાં અથવા પેટમાં બળે.
- પેટમાં વાયુના ગડગડાટ થાય અને દુર્ગુંધયુક્ત અધોવાયુ છૂટે.
અર્જીણ થવાનાં કારણ :
જે અસંયમી મનુષ્ય પશુની માફક માત્રારહિત અધિક ભોજન કરે છે તે રોગસમૂહના મૂળ એવા અર્જીણને પ્રાપ્ત કરે છે.
- ભારે, તળેલી અને મસાલેદાર વાનગીઓ જમવાથી.
- વિરુદ્ધ આહાર અને રાત્રે વાયુવર્ધક આહાર જમવાથી.
- જમતાં-જમતાં વધારે પાણી પીવાથી.
- જમ્યા પછી તરત જ સૂઈ જવાથી.
- દિવસે વધુ સૂવાથી અને રાત્રે ઉજાગરા કરવાથી.
- જેટલું જમતાં હોઈએ તેટલા પ્રમાણમાં શારીરિક શ્રમ ન કરવાથી.
- જ્યારે આપણે ચિંતા અને ટેન્શનમાં હોઈએ ત્યારે લીવરમાંથી પાચકરસો ખૂબ જ ઓછા પ્રમાણમાં છૂટતા હોય છે અને તે સમયે વધુ જમવાથી પાચનતંત્રના રોગ વધી જાય છે.
- જે દવા આપણે તાવ, એસીડીટી, માથું દુ:ખવું, શરદી-ઉધરસ વગેરે રોગ મટાડવા માટે લેતા હોઈએ છીએ, તે જ દવાઓ ઘણી વાર પાચનતંત્રને બગાડી શકે છે.
- મળ-મૂત્રના વેગને રોકવાથી.
- પેટમાં એસીડીટી અથવા અલ્સર હોવાને લીધે.
- ગર્ભવતી હોવાના સમયે.
- અર્જીણમાં આહાર…
- અર્જીણ અને અપચો તે મંદાગ્નિને કારણે થાય છે. મંદાગ્નિ દૂર કરવાનો અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરવાનો ઉત્તમ ઈલાજ ઉપવાસ છે માટે જ્યાં સુધી કકડીને ભૂખ ન લાગે અને શરીર હળવુંફૂલ ન લાગે, ત્યાં સુધી નકોરડો ઉપવાસ કરવો ઉપકારક છે. શરીરમાં ‘આમ’નો અંશ ઉપવાસથી નાશ પામશે અને અર્જીણ દૂર થશે.
- પપૈયું ખાવું તેમ જ લિંબુ, નારંગી અને અનાનસનો જ્યૂસ ખૂબ જ ફાયદાકારક છે.
અર્જીણ – અપચો – મંદાગ્નિના ઉપચાર :
૧) ભૂખ લાગતી જ ન હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં અજમો બે વાર અડધી ચમચી ચાવીને ખાવો.
૨) જમતાં પહેલાં આદુના ટુકડા પર સહેજ સિંધવ મીઠું અને લીંબુનો રસ નાખીને રોજ ખાવું.
૩) એક-બે ચમચી ફુદીનાના રસમાં ૧ ગ્રામ સંચળ મેળવીને સવાર-સાંજ પીવું.
૪) અડધી ચમચી અજમો, ચપટી સિંધવ મીઠું; લિંબુના શરબતમાં મેળવીને પીવાથી અર્જીણ મટે છે.
૫) એક ગ્લાસ હૂંફાળાં પાણીમાં એક ચમચી આદુનો રસ અને ૨ ચમચી મધ મેળવીને પીવાથી અર્જીણ મટે છે.
૬) એક ચમચી લીંબુનો રસ, એક ચમચી આદુનો રસ અને ચપટી સિંધવ મીઠું મેળવીને પીવું.
૭) એક-એક ચમચી હરડે અને સૂંઠનું સમભાગે ચૂર્ણ બનાવી દિવસમાં ત્રણ વાર લેવું.
૮) સૂંઠ, મરી, પીપર અને સિંધવ મીઠું સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ છાશમાં પીવાથી અર્જીણ મટે છે.
૯) એક ગ્રામ લીંડીપીપર ચૂર્ણ ૪ ગ્રામ ગોળ સાથે સવાર-સાંજ લેવું.
૧૦) લિંબુ કાપી તેની ઉપર સિંધવ મીઠું ભભરાવી જમતાં પહેલાં ચૂસવું.
આટલી સાવધાની જરૂર રાખો…
- ઠંડા પદાર્થોનો ખાસ ત્યાગ કરવો જોઈએ.
- અર્જીણ દરમિયાન વારંવાર પાણી ન પીવું અને તરસ લાગે ત્યારે ઉકાળેલું પાણી ધીરેધીરે પીવું.
- અર્જીણમાં વારંવાર રેચ ન લેવો. તેનાથી આંતરડાંની કાર્યક્ષમતા ઘટી જાય છે.