અરવિંદ કેજરીવાલ અત્યારે ૨૦૨૫ના ફેબ્રુઆરીમાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડવા માટે પ્રચારમાં લાગ્યા છે ત્યારે જ દિલ્હી સરકારના પરિવહનમંત્રી કૈલાશ ગેહલોતે રાજીનામું ધરી દીધું છે. ગેહલોતે દિલ્હીનાં મુખ્યપ્રધાન આતિશી માર્લેનાની સરકારના પ્રધાનપદેથી જ નહીં પણ આમ આદમી પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું છે.
કૈલાશ ગેહલોતે રવિવારે સવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખીને રાજીનામાની જાહેરાત કરી હતી. ગેહલોતે કેજરીવાલને લખેલા પત્રમાં આક્ષેપ કર્યો છે કે, આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર સાથે લડવામાં મોટા ભાગનો સમય બરબાદ કર્યો છે અને આમ આદમી પાર્ટીએ દિલ્હીની જનતાને આપેલાં વચનો પૂરા કર્યા નથી. ગેહલોતે યમુનાની સફાઈ સહિતના ઘણા બધા મુદ્દે આમ આદમી પાર્ટીની ટીકા કરી છે અને આપ સરકારને સદંતર નિષ્ફળ ગણાવી છે.
ગેહલોતના રાજીનામા સાથે દિલ્હીમાં રાજકીય આક્ષપેબાજી શરૂ થઈ ગઈ છે. ભાજપનું કહેવું છે કે, કેજરીવાલ ગેંગની લૂંટથી કંટાળીને ગહલોતે આમ આદમી પાર્ટી અને સરકાર બંનેમાંથી રાજીનામાનો નિર્ણય લીધો. આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા કપિલ મિશ્રાના દાવા પ્રમાણે, કૈલાશ ગેહલોતે રાજીનામા પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, ભ્રષ્ટાચારના કારણે આમ આદમી પાર્ટી અને સરકારમાં રહેવું શક્ય નથી.
Also Read – વીમા સુરક્ષાકવચ: હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લૅમ પ્રક્રિયામાં કેશલેસ અને રિઈમ્બર્સમેન્ટ કઈ રીતે કરી શકાય ?
કેજરીવાલ ગેંગની લૂંટ અને જુઠ્ઠાણા સામે કૈલાશ ગેહલોતનું આ પગલું આવકાર્ય છે. દિલ્હીના દરેક વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હવે પાર્ટી છોડી રહ્યા છે તેથી કેજરીવાલની હાર પાકી છે.
આમ આદમી પાર્ટીના નેતા જવાબ આપવામાં જરાય કાચા પડે તેમ છે નહીં તેથી તેમણે પણ તરત જવાબ આપી દીધો છે. દિલ્હીના મુખ્યપ્રધાન આતિશીએ ગહલોતનું રાજીનામું સ્વીકારી લીધું પણ ગેહલોતના રાજીનામાને ભાજપનું ગંદું ષડયંત્ર ગણાવ્યું છે.
Also Read – મોજની ખોજ : બોલો, બધાને ડૂબાડીને પરિવર્તન લાવશો?
ગેહલોતને ભાજપે લિકર કેસમાં ફસાવવાની ધમકી આપી હોવાનો આડકતરો આક્ષેપ કરતાં આતિશીએ એમ પણ કહ્યું કે, ભાજપ દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી ઈડી અને સીબીઆઈના બળ પર જીતવા માગે છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ કટાક્ષ કરતાં કહ્યું કે, દિલ્હી ચૂંટણી પહેલા મોદી વોશિંગ મશીન એક્ટિવ થઈ ગયું છે. હવે આ મશીન દ્વારા અનેક નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીની વાતમાં દમ નથી એવું નથી. ઈડીએ અરવિંદ કેજરીવાલને જે કેસમાં ઘરભેગા કર્યા એ દારૂ કૌભાંડમાં તપાસ હાથ ધરી ત્યારે કૈલાશ ગેહલોતનું નામ પણ બહાર આવેલું કેમ કે ગેહલોત કેજરીવાલ સરકારમાં પ્રધાન હતા.
દિલ્હીના દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની ઈડી અને સીબીઆઈએ ધરપકડ કરી હતી પણ કૈલાશ ગેહલોતને કશું નહોતું થયું. ઈડીએ ગેહલોતની પૂછપરછ પણ કરી છે અને આવકવેરા વિભાગના સ્કેનર હેઠળ પણ આવી ગયા હતા. કરચોરીના કેસમાં તેમની ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી હતી.
ગેહલોત સામે જે રીતે કેન્દ્રીય એજન્સીઓ મચેલી હતી એ જોતા તેમનો ગમે ત્યારે વારો પડી જશે એવું લાગતું હતું. કેજરીવાલને જેલમાં ધકેલાયા પછી ગેહલોતનો વારો આવશે એ નક્કી ગણાતું હતું ત્યાં અચાનક જ બાજી પલટાઈ ગઈ. કેન્દ્રીય એજન્સીઓ તો ગેહલોતથી દૂર જતી જ રહી પણ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને પણ ગેહલોત પર હેત ઊભરાવા માંડેલું.
કેજરીવાલ સરકારની ફાઈલો રાજભવનમાં ક્લીયર નહોતી થતી પણ ગેહલોતની ફાઈલો રાજભવનમાં અટકતી ન હતી. ગેહલોતના લેફ્ટનન્ટ ગવર્નર સાથે એટલા સારા સંબંધો થઈ ગયા કે તેમના મંત્રાલયની ફાઇલ ક્યારેય રાજભવનમાં અટકી નથી. કેજરીવાલ જેલમાં હતા ત્યારે જ સ્વાતંત્ર્ય દિન આવ્યો. કેજરીવાલે એ વખતે મુખ્યપ્રધાનપદેથી રાજીનામું નહોતું આપ્યું પણ એ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે તેમ નહોતા કેમ કે જેલમાં હતા.
કેજરીવાલ ઈચ્છતા હતા કે આતિશી તેમની જગ્યાએ ધ્વજ ફરકાવે પણ લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાએ કૈલાશ ગેહલોતની પસંદગી કરી હતી. સક્સેનાને ગેહલોત પર આવો પ્રેમ કેમ ઉભરાયો એ ઘણાંને સમજાયું નહોતું પણ અત્યારે સમજાય છે. ભાજપ આમ આદમી પાર્ટીમાં કેજરીવાલને સ્થાને ગહલોતને સર્વેસર્વા બનાવવા માગતો હતો કે જેથી ભવિષ્યમાં ગેહલોતની મદદથી દિલ્હી પર કબજો કરી શકાય. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે કૈલાશ ગહલોત ભાવુક થઈ ગયા હતા અને કેજરીવાલને ‘આધુનિક સ્વતંત્રતા સેનાની’ ગણાવ્યા હતા પણ અંદરખાને કદાચ બીજું જ કંઈ વિચારતા હશે.
કેજરીવાલને ભાજપની ચાલ અને ગેહલોતની મહત્ત્વાકાંક્ષાનો પણ ખ્યાલ આવી ગયો હશે તેથી તેમણે જેલમાંથી બહાર આવીને નવો દાવ ખેલી નાંખ્યો. જેલમાંથી મુક્ત થયા બાદ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. એ વખતે કૈલાશ ગેહલોતનું નામ પણ રેસમાં સૌથી આગળ હતું પણ કેજરીવાલે આતિશીને મુખ્યપ્રધાન પદ સોપતાં ગેહલોત લટકી ગયા.
કેજરીવાલે એ વખતે જ દિલ્હીની ચૂંટણીમાં આપ ફરી જીતશે તો પોતે મુખ્યપ્રધાન બનશે એવું એલાન કરી દીધેલું તેથી ગેહલોતની મહત્ત્વાકાંક્ષા પાર પડે તેમ નહોતી એટલે છેવટે તેમણે આપને રામ રામ કરી દીધા. આપમાં રહીશું તો ભાજપ સરકારની તવાઈ આવી શકે એવો ડર પણ હોય.
ગેહલોત ભાજપમાં જોડાશે કે નહીં એ સમય કહેશે પણ ગેહલોતની વિદાયથી કેજરીવાલને કોઈ નુકસાન નથી ને ભાજપને મોટો ફાયદો નથી. કૈલાશ ગેહલોત હોશિયાર માણસ છે પણ કેજરીવાલની જેમ લોકપ્રિય અને મત ખેંચવાની ક્ષમતા નથી ધરાવતા. કૈલાશ ગેહલોત ૨૦૧૫માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ૨૦૧૭માં કેબિનેટ મંત્રી બન્યા હતા.
વ્યવસાયે વકીલ કૈલાશ ગેહલોત રાજકારણમાં આવતા પહેલા ૧૦ વર્ષ સુધી સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટમાં વકીલ હતા અને ઘણા મોટા કેસ લડ્યા હતા. એક વકીલ તરીકે તેમની નામના છે પણ લોકપ્રિય નેતા નથી મનાતા તેથી આપને નુકસાન નહીં કરી શકે.
ગેહલોતે આમ આદમી પાર્ટી સામે કરેલા આક્ષેપોમાં પણ દમ નથી. ગેહલોતે કહ્યું કે, આમ આદમી પાર્ટી ગંભીર પડકારોનો સામનો કરી રહી છે. રાજકીય મહત્ત્વાકાંક્ષાએ લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઘટાડી દીધી છે અને ઘણા વચનો અધૂરા રહ્યા છે.
આમ આદમી પાર્ટી મૂળભૂત સેવાઓ પ્રદાન કરવામાં અસમર્થ રહી છે. અમે યમુનાને સ્વચ્છ નદી બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ અમે ક્યારેય તેમ કરી શક્યા નહીં. હવે યમુના નદી પહેલા કરતા વધુ પ્રદૂષિત થઈ ગઈ છે. અમે લોકોના અધિકારો માટે લડવાને બદલે માત્ર અમારા રાજકીય એજન્ડા માટે લડી રહ્યા છીએ. દિલ્હીના લોકોને પાયાની સેવાઓ આપવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કેજરીવાલના નવા બંગલા જેવા ઘણા શરમજનક વિવાદો છે, જે લોકોમાં શંકા પેદા કરી રહ્યા છે કે આપણે હજી પણ સામાન્ય માણસ છીએ કે નહીં. દિલ્હી સરકાર પોતાનો મોટાભાગનો સમય કેન્દ્ર સાથે લડવામાં વિતાવે છે તેથી દિલ્હીનું કંઈ નહીં થઈ શકે.
ગેહલોત ભાજપના નેતાઓની ભાષા બોલી રહ્યા છે. આ વાતો કરવા માટે ભાજપ પાસે પહેલેથી ઘણા નેતા છે જ એ જોતાં ગેહલોતની વાતો કોઈ અસર કરે એવી શક્યતા નથી.