તરોતાઝા

મોજની ખોજ : બોલો, બધાને ડૂબાડીને પરિવર્તન લાવશો?

-સુભાષ ઠાકર

‘સ્વાગતમ ધનિક ભિક્ષુક મંડળ તરફથી આપ સૌ ભિખારી ભૈ બુનોનું ભાવભીનું હાર્દિક સ્વાગત’
ઍલ્યુમિનિયમના ડબ્બા, જૂનાં ફાટેલાં મેલાં કપડાંનાં પોટલાં, પ્લાસ્ટિકના તૂટેલા ગ્લાસની સાથે બેઠેલા ટોળા સામે મંડળના પ્રમુખ ધનજીએ સભાનો શુભારંભ કર્યો:

‘મિત્રો હમણાં એક અદભુત ઘટના ઘટી. બન્યું એવું કે યુરોપથી એક કૂતરો કાયમ માટે ભારત રહેવા આયો ત્યારે નવાઈ લાગી. મી પૂછ્યું ‘ભૈ ટોમી, ત્યાં યૂરોપમાં તો રમણીય દૃશ્યો, પૉલ્યુશન વગરની ચોખ્ખી હવા, શુદ્ધ ખાવાપીવાનું, સાફસફાઈવાળું રહેઠાણ આટલી સવલત હોવા છતાં તું કાયમ માટે ભારત શું કામ આવ્યો?’ તો કહે: ‘તમે સાચા છો ત્યાં બધી સગવડો ભારત કરતાં પચાસગણી સારી, નો ડાઉટ.. પણ ભસવાની સ્વતંત્રતા જે ભારતમાં છે એ વિશ્ર્વમાં ક્યાંય નથી ને અમે ભસ્યા વગર રહીએ તો આપણું.. સૉરી અમારું કૂતરાપણું લાજે’ પછી મી હમજાયો:

‘જો ટોમી બકા, ભસવાની બિન્દાસ છૂટ ખરી, પણ જો ભૂલથી કોઈ રાજકારણીને બટકું ભર્યું તો ને એના લોહીનું એક ટીપું પણ જો તારા પેટમાં ગયું તો ૧૪ ઇન્જેકશન આપ્યાં પછી પણ તું આખી જિંદગી ભાષણબાજી ઠોકયા કરીશ, સમજ્યો? છતાં મગજ તારું ને વિચાર તારો.’

‘મિત્રો આજે એ જ કૂતરાની ભસવાની પ્રેરણાથી કેટલાય ટોપાઓએ ભાષણબાજી કરી એટલે મારામાં પણ હિંમત વધી છે. હમણાં ચૂંટણીના કારણે એક પક્ષના મેસેજ વાંચી મારી ધનલક્ષ્મી બોલી: ‘જે પીવું હોય એ ઘરે પીઓ. આપણો તો બાર છે. બીજે શું કામ પીવાનું? ને ત્યારે મને થયું કે બારના બદલે જો ચાની લારી ખોલી હોત તો મોદીની જગ્યાએ આ ધનજી બેઠો હોત.

યુ બિલિવ, એ વખતે મોદીને પણ ચા બનાવતા હું શિખવાડતો. હમણાં જાહેરમાં ત્યાંના એક નેતાજી બોલેલા કે ‘ભાયો-બેનો, દ્વારકા સાથે અમારે બહુ જૂનો નાતો, જ્યારે જ્યારે કૃષ્ણ ભગવાનનું માથું દુખતું ત્યારે ઠેઠ દ્વારકાથી વડનગર સુધી ચા પીવા ચાલતા આવતા’. પછી બાજુવાળાએ કફની ખેંચી ત્યારે ખબર પડી કે સાલુ વધારેપડતું ફેંકાઈ ગયું…ખેર, આજે વિકાસ…’

‘તંબુરાનો વિકાસ.’ મંગો ભિખારી ટોળામાંથી ઊભો થયો જે દેશમાં લોહી સસ્તું ને પેટ્રોલ મોંઘું એને વિકાસ કઈ રીતે..’
‘શાંત થા મંગા શાંત, વિકાસ એટલે શું તને શું ખબર.. અરે, જેમ જેમ મોંઘવારી વધતી ગઈ એમ એમ આપણા ભિક્ષુક મંડળની સંખ્યા પણ વધતી ગઈ, મોંઘવારીના લીધે રોજના ૭૦૦૦૦ લોકો ભિખારી બની મંડળમાં જોડાય છે, એ મંડળનો વિકાસ નથી તો શું છે?

અરે, જે લોકો મોટા બંગલા કે ફ્લૅટમાં રહેવા છતાં બે-ત્રણ બાળકો ધરાવે છે ને આપણે ફૂટપાથ પર રહેવા છતાં સાત-આઠ પેદાં કરીએ છીએ એ વિકાસ નથી તો શું છે? તમારાં ભાભીને સાત સંતાન પછી આ વર્ષે પણ હજી પાંચમો જાય છે યે અચ્છે દીન નહીં તો કયા હૈ? ઘર માટે બૂમાબૂમ કરો છો, પણ તમને ફૂટપાથ પર છત અને દીવાલ વગરની હવા-ઉજાસવાળી જગ્યાએ રહેવા મળે છે એ વિકાસ નથી તો શું છે? હમણાં કુદરતની હવા ને સૂરજના પ્રકાશનું બિલ આવતું હોત તો ભરત કઈ રીતે? હવે દરેક પાર્ટીએ ભીખ માગવા માટે પરિવાર દીઠ એક ઑફિસ ખોલી આપવાનું વચન આપ્યું છે એ વિકાસ નથી તો બીજું શું છે? ભીખના ધંધાને વિકસાવો-

ભીખથી કમાઓ, ચૂંટાયા પછી એના પરિવારની ભરણપોષણની જવાબદારી આપણી છે. સમજયા?
હમણાં તો મંદિર બહાર ટોળું વળી આપણે ભીખ તો માંગીએ છીએ, પણ ભીખ માગવા જેવો હાથ લંબાવ્યો કે તુર્તજ બોલશે ‘માફ કરો…’ એ ટોપાને કોણ સમજાવે કે ભિખારી તો આપણે બંને અમે મંદિર બહાર માંગીએ તું અંદર…. જુઓ, હવે મૂળ વાત. હમણાં કાલે પાંચ વર્ષે એક વીઆઈપી ભિખારી આવ્યો.

આપણે આખી જિંદગી ન કરગર્યા એટલું કરગર્યો, મગરનાં ઉધારનાં થોડાં આંસુ ઠાલવ્યાં ને બે હાથ જોડી બોલ્યો: ‘હમરે મે વિશ્ર્વાસ રખો’ મી કીધું: ‘આપ લોગોમે તો પહેલેસે હી વિષ-વાસ હૈ, ડૉન્ટ ફિલ બેડ. અત્યાર સુધી જેને ચૂંટયા એણે જ લૂંટ્યા છે. બોલો,

Also Read – આરોગ્ય એક્સપ્રેસ: એન્ટિબાયોટિક્સની આડઅસર અનેક છે… કઈ રીતે બચશો?

ચૂંટાયા પછી વર્તનમાં પરિવર્તન લાવશો?’ તો બોલતી બંધ… જુઓ, વહાલાઓ, મત આપવો એ આપણી નૈતિક ફરજ છે. ગયા વખતે તો આપણા આખા ઍરિયામાંથી આખી પેટી ખાલી નીકળેલી. આવું કરાય?’
‘અરે બાપુ’ ભીખો ભરવાડ વચ્ચે ઊભો થયો: ‘એ વખતે એ મંચ ઉપરથી બોલેલો મુજે મત દો’ એટલે આ ગામડાના ગમાર એમ સમજ્યા કે આપણે કશું આપવાનું નથી એટલે મતપેટી ખાલી નીકળી! બાપુ, એક વાત પૂછું? આ કપડાંની જેમ પક્ષ બદલતા આ ટોપાઓનો આત્મા ડંખતો નઇ હોય?’

‘અલ્યા ડોબા, જે વસ્તુ જેનામાં હોય જ નઇ એ ડંખે રીતે? આત્માવાળો નેતા જોયો?’
‘બાપુ, આ ટોપાઓ ઓળખાતા નથી બહારથી માણસ જેવા દેખાય, પણ અંદરથી શેતાન એટલે કહેવું પડે છે દેશ કો અભી દુશ્મનોં સે નહીં ગદ્દારોસે ખતરા હૈ ઓર ઘર કો અભી ચોરોં સે નહીં પહેરેદારોસે ખતરા હૈ!’
‘તો ચાલો, મિત્રો જવાબ આપો, દેશનો એક નેતા ગંગામાં ડૂબી જાય તો?’

‘તો પૉલ્યુશન’ મંગો બોલ્યો
‘ને ધારોકે બધા એકસાથે ડૂબી ગયા તો ?’
‘તો તો બાપુ સોલ્યુસન.. જલસા જ જલસા’
(તાળીઓ)
‘તમારી તાળીઓ બતાવે છે કે આ કામ જલદી થવું જોઈએ, પણ એ કામ મારા હાથમાં આવવું તો જોઈએને? તમારા હાથમાં આવે તો તમે શું કરો? ડર્યા વગર બોલો. શું કહો છો?’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button