ફોક્સ : દુર્લભ ઔષધીય વૃક્ષ દહીમન
–રેખા દેશરાજ
આ એક વન ઔષધીય વૃક્ષ છે, જે ઘણા અલગ-અલગ નામોથી ઓળખાય છે. જેમ કે કાર્ડિયા મેકલોડી હૂક, દહી પલાશ, ઢેંગન, ભોટી, તેજસગુન, શિકારીનું ઝાડ, દૈવસ, દેહીપલસ અને દહીમન. આ એક ખૂબ જ ઉપયોગી વૃક્ષ છે, પરંતુ જંગલમાં ઘણીવાર તેને ઓળખવું મુશ્કેલ બની જાય છે. આ વિશે એક કહેવત છે કે જ્યારે પશુઓ, ખાસ કરીને ગાયો જંગલમાં ઘાયલ થાય છે, ત્યારે તેઓ જેની છાલ પર જઈને તેમના ઘાને ઘસતા હોય છે તે દુર્લભ દહીમનનું વૃક્ષ હોય છે.
તેને કેન્સરનો ઈલાજ માનવામાં આવે છે, પરંતુ આ વિશે કોઈ વૈજ્ઞાનિક પુષ્ટિ નથી, તે એક સામાજિક માન્યતા છે.
અનેક ઔષધિઓમાં ઉપયોગમાં આવતા આ વૃક્ષનો દરેક ભાગ ઔષધીય છે. તેની છાલનો રસ પીવાથી કિડનીનો સોજો ઓછો થાય છે અને પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે. છત્તીસગઢમાં એવું માનવામાં આવે છે કે તેની છાલનો રસ પીવાથી સાપના ડંખની સારવાર પણ શક્ય છે.
ઝેર ખુરાનીનો ઉપચાર દહીમનની છાલ અને રસથી કરવામાં આવે છે. તેના પાનનો પાઉડર બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તેની છાલનો પાઉડર અથવા છાલનો રસ લીંબુના રસ સાથે પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
દારૂના વ્યસનીઓ તેનો રસ પીવે તો દારૂના વ્યસનથી દૂર થઈ શકે છે. પરંતુ આ રસ તેના પાંદડા અને છાલનો હોવો જોઈએ. તેના પાનની પેસ્ટ લગાવવાથી મોટામાં મોટા ઘા પણ મટી જાય છે. તેની છાલ અને પાંદડા વડે કમળાની સારવાર પણ શક્ય છે. ખાસ કરીને આદિવાસીઓ તેના વિવિધ ઉપયોગથી વાકેફ હોય છે અને આયુર્વેદિક ડોકટરો પાસે પણ આ ઔષધીય વનસ્પતિ વિશે ઘણી માહિતી હોય છે.
દહીમનના ઝાડ નીચે બેસવાથી શાંતિ મળે છે, કારણ કે તેનો છાંયો ઠંડક પ્રદાન કરે છે. તેના લાકડામાંથી બનેલી ફ્રેમ કે બેન્ચ પર બેસવાથી અનેક ઔષધીય લાભો મળે છે. પરંતુ યોગ્ય ઓળખ વિના તેનો ઉપયોગ કરવો નહીં, અથવા તો હર્બાલિસ્ટની મદદ લો.
આ વૃક્ષને ઓળખવાની એક રીત એ છે કે જો આપણે દહીમનના પાંદડા પર કંઈક લખવાનો પ્રયત્ન કરીએ તો તેના પાંદડા પરની રેખા અંદરની તરફ નહીં, બહારની તરફ નીકળે છે. એવું કહેવાય છે કે ભૂતકાળમાં જાસૂસો તેના પાંદડા પર સંદેશા લખીને અહીં અને ત્યાં મોકલતા હતા. કારણ કે તેના પાંદડા પર લખેલા શબ્દો થોડા સમય પછી દેખાઇ આવે છે. કેટલાક લોકો કહે છે કે તેને શોધવું સરળ છે કારણ કે તે પલાશના ઝાડ જેવું લાગે છે, પરંતુ તેના પાંદડા એક તરફ લીલા અને બીજી તરફ આછા સફેદ રંગના હોય છે અને જો તેના પાંદડા પર લાકડાના તીક્ષ્ણ ટુકડાથી કંઈક લખેલું હોય તો થોડા સમય પછી તે એવું દેખાવા લાગે છે કે જાણે તે સ્કેચ પેનથી લખવામાં આવ્યું હોય.
જોકે, કાર્ડિયા મેકલોડી નામનું આ વૃક્ષ બોરાજીનેસી પરિવારનું નાનું વૃક્ષ છે, તેમ છતાં તે ૮ થી ૧૦ મીટર ઊંચું વધે છે. તેની છાલમાં ઇથેનોલિક અર્ક જોવા મળે છે, જે અનેક ઔષધીય ગુણોનો ભંડાર છે. દહીમનના લાકડામાંથી માળા અને કડા પણ બનાવવામાં આવે છે. કેટલાક લોકો તેનું લાકડું સાથે લઈને ફરે છે કારણ કે તેના સતત સંપર્કમાં રહેવાથી તેઓને ઘણા ફાયદા થાય છે. આદિવાસી સમાજમાં આ વૃક્ષનું ઘણું મહત્ત્વ છે.
છત્તીસગઢના રાજનાદગાંવ જિલ્લામાં દહીમનનાં ઘણાં વૃક્ષો જોવા મળે છે. આ સિવાય એક જમાનામાં સતપુડા, અમરકંટક, સુરગુજા વગેરેના જંગલોમાં પણ દહીમનનાં વૃક્ષો મોટા પાયે જોવા મળતા હતા. આ દુર્લભ હર્બિસિયસ વૃક્ષ મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આસામ અને તમિલનાડુનાં જંગલોમાં પણ જોવા મળે છે.
જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે, આ સંશોધન સફળ થયું કે નહીં, પરંતુ દહીમનમાંથી એન્ટિવેનમ (સાપનું ઝેર દૂર કરવાની દવા) બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ દહીમનના વૃક્ષ હજારો વર્ષોથી ભારતના જંગલોમાં હાજર છે. જ્યારે આદિવાસીઓને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ દારૂ પીને વધુ પડતો નશો ચડી જાય છે ત્યારે તેઓ દહીમનનાં ઝાડના પાન ખાઈને નશો ઉતારે છે. જો કે આ વૃક્ષનું ઔષધીય મહત્ત્વ ઘણું વધારે હોવાથી જંગલોમાંથી મોટા પાયે તેના વૃક્ષ કાપી લેવામાં આવે છે, આથી આજકાલ દહીમનનું વૃક્ષ તેના અસ્તિત્વ માટે લડી રહ્યું છે.
છત્તીસગઢનું સંજીવની કહેવાતું આ વૃક્ષનું અસ્તિત્વ આજકાલ જોખમમાં હોવાને કારણે છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં તેના વ્યવસ્થિત વનીકરણ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છત્તીસગઢમાં તેના અસ્તિત્વનાં જોખમનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મારવાહીનાં જંગલોમાં તેના માત્ર એક ડઝન વૃક્ષો જ બચ્યાં છે.
છત્તીસગઢ સ્થિત મારવાહી ફોરેસ્ટ ડિવિઝનનાં જંગલોને મારવાહીનાં જંગલો કહેવામાં આવે છે, જ્યાં જંગલી હાથીઓનો આતંક પણ જોવાં મળે છે.