‘પાકિસ્તાનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ નહીં કરે ટ્રમ્પ’, જાણો કોણે કહ્યું આવું
વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર અને અત્યાર સુધીની ટિપ્પણીઓ દ્વારા એવા નિર્દેશ આપ્યા છે કે તેઓ તેમના કાર્યકાળમાં ભારત સાથેના સંબંધો મજબૂત કરશે અને માનવ અધિકારના ઉલ્લંઘનો અંગે બાંગ્લાદેશ પર પણ ચાંપતી નજર રાખશે. હવે અગ્રણી પાકિસ્તાની-અમેરિકન ઉદ્યોગપતિ સાજિદ તરારે આ વાતને સમર્થન આપ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક સાજિદ તરારે તાજેતરમાં એક મીડિયા મુલાકાતમાં જણાવ્યું હતું કે ટ્રમ્પે અમેરિકાના ચૂંટણી ઇતિહાસમાં સૌથી જબરદસ્ત પુનરાગમન કર્યું છે. પાકિસ્તાનમાં એક જૂથ એવી ધારણા ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ઇમરાન ખાનના ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અંગત સંબંધો છે જ્યારે આ વાત બિલકુલ સાચી નથી. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન સાથે કોઈ અંગત સંબંધ નથી. એ વાત સાચી છે કે ટ્રમ્પે તેમના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન તત્કાલિન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને વાઇટ હાઉસમાં નિમંત્ર્યા હતા. ઇમરાન ખાન માટે તેમના દિલમાં લાગણી પણ છે, પણ તેમની અંગત દોસ્તી નથી, તેથી ટ્રમ્પ પાકિસ્તાનના આંતરિક મુદ્દાઓ અને તેના ન્યાયતંત્રમાં દખલ નહીં કરે. ઈમરાન ખાનની ગયા વર્ષે તોશાખાના ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા કેસમાં દોષિત જાહેર થયા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ જુદા જુદા કેસમાં જેલમાં છે.
દક્ષિણ એશિયા પર ટ્રમ્પના વલણ અંગે પૂછવામાં આવતા તરારે જણાવ્યું હતું કે ટ્રમ્પ દક્ષિણ એશિયાની પરિસ્થિતિથી વાકેફ છે. ટ્રમ્પ જાણે છે કે જ્યારે તેઓ 2016માં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે તેમની વિરુદ્ધ હિલેરી ક્લિન્ટનનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. એટલું જ નહીં, તેમની અમેરિકાની તાજેતરની મુલાકાત દરમિયાન મોહમ્મદ યુનુસ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બિલ ક્લિન્ટનને પણ મળ્યા હતા. ટ્રમ્પે થોડા દિવસ પહેલા બાંગ્લાદેશમાં માનવ અધિકારોના ઉલ્લંઘનની નિંદા કરતું નિવેદન પણ આપ્યું હતું.