ભારતીયો માટે સારા સમાચાર, Germany એ ઇમિગ્રેશન નિયમોમાં કર્યો આ મોટો બદલાવ
નવી દિલ્હી : જર્મનીએ(Germany) ઇમિગ્રેશન નિયમોમાં બદલાવ કર્યો છે. જેમાં જર્મની છેલ્લા કેટલાક સમયથી વર્ક ફોર્સની અછતને કારણે આર્થિક ક્ષેત્રમાં સંકટનો સામનો કરી રહ્યું છે. આ સંકટને ધ્યાનમાં રાખીને જર્મન સરકારે ગયા વર્ષે વર્ક ફોર્સ વધારવા માટે ઇમિગ્રેશન નિયમોમાં પણ રાહત આપી હતી. તેમ છતાં પણ તે હજુ વર્ક ફોર્સની અછતનો સામનો કરી રહ્યું છે. જેના પગલે હવે જર્મન સરકારે વર્કર વિઝાની કુલ સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણય અનુસાર, સરકારે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે તેમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જર્મન સરકાર દ્વારા લેવામાં આવતા ભારતના લોકો માટે આ સારા સમાચાર છે. આ નિર્ણયથી ભારતીયોને ફાયદો થઈ શકે છે.
લાયકાતની માન્યતા વિના જર્મનીમાં પ્રવેશવાની મંજૂરી
જર્મન સરકારે ગયા વર્ષે કેનેડાથી પ્રેરિત પોઇન્ટ આધારિત સિસ્ટમ અપનાવી હતી. જે ઓપર્ચ્યુનિટી કાર્ડ તરીકે ઓળખાય છે. જે વ્યાવસાયિકો અને યુનિવર્સિટીના સ્નાતકો માટે દેશમાં પ્રવેશવા, અભ્યાસ કરવા અને કામ શોધવાનું વધુ સરળ બનાવે છે. આનાથી ગેર- યુરોપિય દેશોના કુશળ કામદારોને તેમની લાયકાતની માન્યતા વિના જર્મનીમાં પ્રવેશવાની મંજૂરી મળે છે.
વિઝામાં 20 ટકાનો વધારો થયો
જર્મન સરકારના ત્રણ મંત્રાલયોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. જેમાં તેમણે કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં લગભગ 2 લાખ પ્રોફેશનલ વિઝા ઇસ્યુ કરવામાં આવશે. વર્ષ 2023ની સરખામણીમાં આ વર્ષે તેમાં 10 ટકાનો વધારો થયો છે. તેના કારણે ગેર- યુરોપિય દેશોના વિદ્યાર્થીઓને આપવામાં આવતા વિઝામાં 20 ટકાનો વધારો થયો છે.
કુશળ લોકોને સરળતાથી નોકરી મેળવવાની તક
જર્મનીના ગૃહ મંત્રી નેન્સી ફેસરે કહ્યું, ‘પ્રતિભાશાળી યુવાનો જર્મનીમાં વધુ સરળતાથી તેમનો અભ્યાસ અને તાલીમ પૂર્ણ કરી શકે છે. ઓપર્ચ્યુનિટી કાર્ડ કુશળ લોકોને સરળતાથી નોકરી મેળવવાની તક આપે છે. જ્યારે મંત્રી અન્નાલેના બેરબોકે આ સુધારાઓની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે આનાથી દેશમાં વર્ક ફોર્સની અછતને દૂર કરવામાં મદદ મળશે.