‘તને બે દિવસમાં ગોળી મારીશ’, કોણે આપી કોંગ્રેસના ધારાસભ્યને ધમકી
મુંબઇઃ મુંબઈ કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખને પોતાને ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર તરીકે ઓળખાવતા અજાણ્યા વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને ફોન કોલ કરનાર વ્યક્તિને શોધવા માટે એક ટીમ બનાવવામાં આવી છે.
ગોલ્ડી બ્રાર હાલ કેનેડામાં રહે છે. બ્રાર NIA અને દેશના ઘણા રાજ્યોની પોલીસ દ્વારા વોન્ટેડ છે. ગોલ્ડી બ્રાર પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો કથિત માસ્ટરમાઇન્ડ છે. અસલમ શેખ મહારાષ્ટ્રમાં મલાડની વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેઓ અગાઉની મહા વિકાસ આઘાડી સરકારમાં મુંબઈના પ્રભારી મંત્રી હતા. હાલ મુંબઈ પોલીસે કેસ નોંધીને ફોન કોલની તપાસ શરૂ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે ધમકીનો ફોન વિધાનસભ્ય અસલમ શેખના અંગત સહાયક અને વકીલ વિક્રમ કપૂરને આવ્યો હતો. તે સમયે પૂર્વ મંત્રી વિક્રમ કપૂર મુંબઈ મહાનગરપાલિકાની ઓફિસમાં હાજર હતા. ફોન પર ધમકી આપનાર વ્યક્તિએ પોતાની ઓળખ ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર તરીકે આપી હતી અને કહ્યું હતું કે વિધાન સભ્યને બે દિવસમાં ગોળી મારી દેવામાં આવશે.
મળતી માહિતી મુજબ ગોલ્ડી બ્રાર અગાઉ પણ ઘણી મોટી હસ્તીઓને ધમકી આપી ચૂક્યો છે. આ પહેલા બ્રારે અભિનેતા સલમાન ખાન અને ગાયક હની સિંહને પણ ધમકી આપી હતી. હની સિંહે પોતે ધમકીની માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે તેને વોઈસ નોટ મોકલીને ધમકી આપવામાં આવી છે. ગોલ્ડી બ્રારે 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી પણ લીધી હતી.