કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ 17 જાન્યુઆરીએ રિલીઝ થશે
કંગના રનૌતની વિવાદાસ્પદ ફિલ્મ ‘ઈમરજન્સી’ ને ફરી એકવાર રિલીઝ ડેટ મળી ગઈ છે. વારંવાર મુલતવી રહ્યા બાદ હવે ‘ઇમરજન્સી’ વર્ષ 2025માં રિલીઝ થવા જઇ રહી છે. કંગના રનૌતે સોશિયલ મીડિયા પર નવેમ્બરે ફિલ્મ ‘ઇમર્જન્સી’ની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. ‘ઇમરજન્સી’ ઘણા સમયથી ચર્ચાઓ અને વિવાદોમાં છે. CBFC એટલે કે સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળ્યા બાદ કંગના રનૌતે તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. ‘ઇમરજન્સી’ 17 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થવા જઈ રહી છે
કંગના રનૌતે આજે 18 નવેમ્બરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પોસ્ટમાં ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ ડેટ જાહેર કરી છે. કંગનાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, 17 જાન્યુઆરી 2025, ભારતની સૌથી શક્તિશાળી મહિલાની મોટી વાર્તા (જેણે ભારતનું ભાગ્ય બદલી નાખ્યું) ઇમરજન્સી સિનેમાઘરોમાં આવી રહી છે. ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાતની સાથે જ ફિલ્મનું નવું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે.
ફિલ્મ ‘ઈમરજન્સી’નું ટ્રેલર 14 ઓગસ્ટ 2024ના રોજ રીલિઝ થયું હતું. ‘ઈમરજન્સી’નું ટ્રેલર જોયા પછી કેટલાંક શીખ સંસ્થાઓએ ‘ઈમરજન્સી’માં દર્શાવવામાં આવેલી કેટલીક ઘટનાઓ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કોર્ટમાં ગયા હતા અને કહ્યું હતું કે આ ફિલ્મ તેમના સમુદાયને નકારાત્મક પ્રકાશમાં બતાવે છે. તેમની અરજીને ધ્યાનમાં લેતાં સીબીએફસીએ ‘ઈમરજન્સી’ને સેન્સર સર્ટિફિકેટ આપ્યું ન હતું, જેને કારણે નિર્માતાઓને ફિલ્મની રિલીઝ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવાની ફરજ પડી હતી. કંગનાએ દાવો કર્યો હતો કે ‘ઇમરજન્સી’ની રિલીઝમાં વિલંબથી તેને આર્થિક નુકસાન થયું છે. જોકે, હવે વિવાદની ચિનગારી ઓસરતા જ સેન્સર બોર્ડે કેટલાક સીન કાપીને ફિલ્મને લીલી ઝંડી આપી દીધી છે.
આ પણ વાંચો : કંગના રનૌતે ડોનાલ્ડ ટ્રમ્પને જીત બદલ આપ્યા અભિનંદન, એક રસપ્રદ ફોટો પણ શેર કર્યો
કંગના માટે ‘ઈમરજન્સી’ બહુ ખાસ ફિલ્મ છે કારણ કે આ ફિલ્મથી તે નિર્દેશક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી રહી છે. આ ફિલ્મમાં મહિમા ચૌધરી, સતીશ કૌશિક અને અન્ય પણ છે.