‘મહારાષ્ટ્રમાંથી પ્રોજેક્ટ્સ બીજા રાજ્યને આપવામાં આવ્યા…’ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યા
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 (Maharashtra Assembly election) માટે બુધવારે મતદાન થવાનું છે, ચૂંટણી પ્રચાર માટે આજે છેલ્લો દિવસ છે. ચૂંટણી લડી રહેલા તમામ પક્ષો પ્રચાર માટે કોઈ તક છોડવા ઇચ્છતા નથી. આજે પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર મોટા આરોપો લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ ઘણા આક્ષેપો કર્યા હતાં.
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તિજોરી સૌની સામે રાખી હતી. તેના પર લખવામાં આવ્યું હતું કે, ‘એક હૈ, તો સેફ હૈ’. તેમણે તિજોરીની અંદરથી બે પોસ્ટર બહાર કાઢ્યા. તેમાંથી એક પર અગ્રણી ઉદ્યોગપતિ અને વડા પ્રધાન મોદીની અને બીજી બાજુ ધારાવી પ્રોજેક્ટની તસવીરો હતી.
આ તસવીરો બતાવતા રાહુલે કહ્યું કે આ જ છે PM મોદીનું એક હૈ, તો સેફ હૈ. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે તમામ મોટા પ્રોજેક્ટ મહારાષ્ટ્ર પાસેથી છીનવીને ગુજરાતને આપવામાં આવ્યા. રાહુલ ગાંધી ધારાવી પ્રોજેક્ટ સહિત અન્ય મુદ્દાઓ પણ ઉઠાવ્યા.
મહારાષ્ટ્રના પ્રોજેક્ટ્સ ગુજરાતને આપવામાં આવ્યા:
રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ફોક્સકોન’, ‘એરબસ’ જેવા 7 લાખ કરોડ રૂપિયાના મોટા પ્રોજેક્ટ વર્તમાન સરકાર દ્વારા ગુજરાતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેના કારણે મહારાષ્ટ્રના યુવાનોએ નોકરીની તક ગુમાવી છે. કોંગ્રેસ પાર્ટીની વિચારસરણી મહારાષ્ટ્રના ખેડૂતો, ગરીબો અને બેરોજગારોને મદદ કરવાની છે. મોંઘવારી અને બેરોજગારી રાજ્ય માટે મુખ્ય મુદ્દા છે.
ધારાવી રિડેવલપમેન્ટ અંગે કહી આ વાત:
પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ધારાવી રિડેવલપમેન્ટ પ્લાન અંગે કહ્યું કે ધારાવીની જમીન ત્યાં રહેતા લોકોની છે; એક વ્યક્તિને મદદ કરવા માટે સમગ્ર રાજકીય તંત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી કેટલાક અબજોપતિઓ અને ગરીબોની વિચારધારા વચ્ચેની લડાઈ છે. અબજોપતિઓ મુંબઈમાં જમીન મેળવવા માગે છે. એક અબજપતિને લગભગ 1 લાખ કરોડ રૂપિયા આપવાની તૈયારી છે.
આનામતની સીમા વધારવામાં આવશે:
રાહુલ ગાંધીએ કહ્યું કે અમે અનામત પર 50 ટકા મર્યાદા હટાવીશું. જાતિ ગણતરી એ અમારી સમક્ષ સૌથી મોટો મુદ્દો છે અને અમે તે કરીને રહીશું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્લોગન આપ્યું કે ‘એક હૈ તો સેફ હૈ.’ સવાલ એ છે કે એક કોણ છે અને કોણ સુરક્ષિત છે? જવાબ છે – એક છે નરેન્દ્ર મોદી, ઉદ્યોગપતિઓ, અમિત શાહ અને સુરક્ષિત છે. આમાં નુકસાન મહારાષ્ટ્ર અને ધારાવીના લોકોનું છે.”
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રની જનતાને આપ્યા આ વચનો:
- મહિલાઓને દર મહિને રૂ. 3000 આપશે
- મહિલાઓને મફત બસ સુવિધા મળશે
- ખેડૂતોની રૂ. 3 લાખ સુધીની લોન માફ કરવામાં આવશે
- સોયાબીન પર પ્રતિ ક્વિન્ટલ રૂ. 7,000 મળશે
- ડુંગળીના ખેડૂતો માટે વાજબી ભાવ સમિતિ બનવવામાં આવશે
- કપાસ માટે વાજબી MSP હશે
- મહારાષ્ટ્રમાં જાતિ ગણતરી યોજાશે
- રૂ. 25 લાખ સુધીનો આરોગ્ય વીમો
- બેરોજગારોને દર મહિને રૂ. 4000 ની સહાય.
- 2.5 લાખ સરકારી નોકરીઓ આપશે
શું છે ધરાવી રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટ:
નવેમ્બર 2022 માં ધારાવીના રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટની બીડ ભારતના અગ્રણી ઉદ્યોગ જૂથે જીતી હતી, આ પ્રોજેક્ટ લગભગ બે દાયકાથી અટવાયેલો હતો. મુંબઈમાં જમીનની અછત અને મોંઘા રિયલ એસ્ટેટ માર્કેટને કારણે આ પ્રોજેક્ટ માટે જમીન ઉપલબ્ધ ન હોતી. એક અંદાજ મુજબ આ પ્રોજેક્ટ પાછળ 20,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે. માહિતી અનુસાર, 240 હેક્ટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલ ધારાવીમાં લગભગ 8 થી 10 લાખ રહેવાસીઓ છે અને અહીં 13,000 થી વધુ નાના ઉદ્યોગો ચાલે છે.
Also Read – Assembly Election: નીતિન ગડકરીએ રાહુલ ગાંધી માટે આપ્યું નિવેદન, કોઈ ગંભીરતાથી લેશો નહીં…
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી અહીં રહેતા લોકોમાં રોષ છે. લોકોનું કહેવું છે કે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે હજુ સુધી કંઈ થયું નથી. આ સિવાય તેઓ અમને ક્યાં શિફ્ટ કરશે તે પણ એક મોટી સમસ્યા છે. તેનાથી અમારા કામ પર ખૂબ જ ખરાબ અસર પડશે.