ઋષિવર, શું તમે એવું કંઈ કરી શકો કે જેથી અસુરો સ્વર્ગલોકમાં પ્રવેશી જ ન શકે: દેવરાજ ઇન્દ્ર
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
ઋષિ ત્વષ્ટા દેવગણોનું સ્વાગત કરે છે અને તેમના આશ્રમમાં પધારવાનું પાછળનું આયોજન શું છે એવું પૂછે છે. દેવરાજ ઇન્દ્ર તેમને કહે છે, ‘ઋષિવર, માતા શક્તિ દ્વારા તમને મળેલા વરદાનથી અમે મંત્રમુગ્ધ છીએ, તમે યજ્ઞ દ્વારા ઉત્પન્ન કરેલાં પશુ-પક્ષીઓ અલભ્ય છે. તમારી સુરક્ષા ખૂબ જ અનિવાર્ય હોવાથી તમે સ્વર્ગલોક ખાતે નિવાસ કરો એવી અમારા દેવગણોની ઇચ્છા છે.’ તેના જવાબમાં ત્વષ્ટા ઋષિ કહે છે કે, ‘મારી શરત એ છે કે સ્વર્ગલોક ખાતે માતા શક્તિનું ધામ બનાવવામાં આવે અને ત્યાં માતા શક્તિની મૂર્તિની સ્થાપના કરવામાં આવે તો હું અવશ્ય સ્વર્ગલોકમાં નિવાસ કરીશ. દેવરાજ ઇન્દ્ર ભગવાન વિશ્ર્વકર્માનું આહ્વાન કરે છે. આહ્વાન મળતાં જ ભગવાન વિશ્ર્વકર્મા તેમની સમક્ષ ઉપસ્થિત થાય છે.
Also read: બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા
દેવગુરુ બૃહસ્પતિ તેમને આદેશ આપે છે કે, ‘ત્વષ્ટા ઋષિની વિનંતી છે કે, અહીં સ્વર્ગલોક ખાતે તુરંત માતા શક્તિનું ધામ બનાવવામાં આવે અને માતા શક્તિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે. દેવગુરુ બૃહસ્પતિનો આદેશ મળતાં જ ભગવાન વિશ્ર્વકર્મા સ્વર્ગલોક ખાતે શક્તિધામ બનાવે છે. દેવરાજ ઇન્દ્ર ફરી ત્વષ્ટા ઋષિને આમંત્રણ આપતાં કહે છે કે, ‘હે ઋષિવર આપની ઇચ્છા મુજબ સ્વર્ગલોક ખાતે માતા શક્તિધામ તૈયાર થઈ ગયું છે, હવે તમે સ્વયં માતા શક્તિની મૂર્તિની સ્થાપના કરો અને ત્યાં નિવાસ કરો.’ પ્રસન્ન ઋષિ ત્વષ્ટા તેમના શિષ્યગણ સહિત સ્વર્ગલોક ખાતે નિવાસ કરે છે.
દેવર્ષિ નારદ સ્વર્ગલોકથી વિદાય લઈ આકાશમાર્ગે આગળ વધતાં જુએ છે કે થોડાક સૈનિકો ત્યાંથી પસાર થનારા બાજુના પ્રદેશના રાજા સંજયને બંદી બનાવવાનું ષડ્યંત્ર બનાવી રહ્યાં છે. એ જોઈ દેવર્ષિ નારદ રાજા સંજયને પહેલા જ આંતરે છે અને કહે છે, ‘રાજન આ માર્ગથી જવાનું ટાળો, તમારા દુશ્મન પ્રદેશના સૈનિકો તમને બંદી બનાવવાનું ષડ્યંત્ર રચી રહ્યા છે.’ ચતુર રાજા સંજય દેવર્ષિ નારદને પોતાની સાથે જ રાજમહેલ પધારવાનું આમંત્રણ આપે છે. રાજા સંજય અને દેવર્ષિ નારદ બીજા માર્ગે તેમના રાજમહેલ પર પહોંચે છે. પોતાના રાજા સાથે પધારેલા દેવર્ષિ નારદને જોઈ રાજસભાના સભ્યો આનંદિત થઈ જાય છે અને તેઓ દેવર્ષિ નારદનું સ્વાગત કરે છે.
રાજા સંજય તેમની પત્ની રાજશ્રી અને પુત્રી દમયંતીને રાજસભામાં બોલાવે છે અને તેમનો પરિચય દેવર્ષિ નારદ સાથે કરાવે છે. દમયંતી: ‘પિતાશ્રી મેં ઘણાં વરસોથી દેવર્ષિ નારદ વિશે ખૂબ સાંભળ્યું છે તેમની પાસેથી આપણે ભક્તિ અને જ્ઞાન મેળવવાનો આ મોકો છે આપણે તેમને અહીંથી જવા ન દેવા જોઈએ.’ દેવર્ષિ નારદ: ‘નારાયણ, નારાયણ… હું રહ્યો તપસ્વી રાજમહેલમાં રહીને શું કરું? મારે તો ભક્તિ અને ધર્મના પ્રચાર-પ્રસાર માટે અવિરત ગતિમાન રહેવું પડે છે. મને ક્ષમા કરો.’
રાજા સંજય: ‘દેવર્ષિ નારદ પુત્રી દમયંતી સાચું જ કહી રહી છે, તમે થોડો સમય અમારા રાજમહેલનું આતિથ્ય સ્વીકાર કરો તો મારા નગરજનો અને દરબારીઓ તમારા જ્ઞાન અને ભક્તિથી વાકેફ થઈ શકે અને મારું નગર તમારા સાંનિધ્યમાં ભક્તિમય બની જાય.’ રાજા સંજયની વિનંતીના ભાર હેઠળ દેવર્ષિ નારદ દબાઈ જાય છે અને તેઓ આતિથ્ય સ્વીકાર કરે છે.
રાજા સંજય: ‘મહામંત્રી, દેવર્ષિ નારદને અતિથિ કક્ષમાં લઈ જવામાં આવે અને તેમની ચાકરી કરવામાં આવે.’ દમયંતી: ‘પિતાશ્રી આપની મંજૂરી હોય તો હું સ્વયં દેવર્ષિ નારદની ચાકરી કરવા માગું છું, જેથી હું તેમના જ્ઞાનને આત્મસાતકરી શકું.’
રાજા સંજય: ‘અતિ ઉત્તમ, પુત્રી દમયંતી આજથી તેમના આતિથ્યની જવાબદારી હું તમને આપું છું, તેમની ચાકરીમાં કોઈ જાતની કચાશ રહેવી ન જોઈએ.’
દેવર્ષિ નારદ રાજા સંજયના નગરમાં ગુણીજનો અને દરબારીઓને ધર્મ અને ભક્તિનું જ્ઞાન આપતા આપતાં ઘણો સમય વીતી રહ્યો હતો, રાજકુમારી દમયંતી દેવર્ષિ નારદના સાંનિધ્યમાં તેમને પ્રેમ ક્યારે કરવા લાગી તેની તેને ખબર જ ન રહી. દિવસ-રાત્ર તે દેવર્ષિના છાયાની જેમ આગળ-પાછળ રહેવા લાગી.
સ્વર્ગલોક ખાતે માતા શક્તિની મૂર્તિની સ્થાપના થઈ ગયા બાદ ઋષિ ત્વષ્ટા ત્યાં નિવાસ કરવા લાગ્યા. ચતુર દેવરાજ ઇન્દ્ર ચોક્કસ સમયની રાહ જોવા લાગ્યા. એક દિવસ પ્રાત:કાળે ઋષિ ત્વષ્ટા યજ્ઞ સમાપ્ત કરી ભોજનશાળા તરફ જઈ રહ્યા હતા.
દેવરાજ ઇન્દ્ર: ‘પ્રણામ ઋષિવર.’
ઋષિ ત્વષ્ટા: ‘બોલો દેવરાજ, શું કહેવા માગો છો.’
દેવરાજ ઇન્દ્ર: ‘ઋષિવર, હું તમને એમ કહેવા માંગું છું કે તમે હવે સ્વર્ગલોકમાં નિવાસ કરો છો તો શું તમે એવું કંઈ કરી શકો કે જેથી અસુરો સ્વર્ગલોકમાં પ્રવેશી જ ન શકે.’
ઋષિ ત્વષ્ટા: ‘દેવરાજ આ કઈ રીતે શક્ય બને. અસુરો જન્મ્યા જ એના માટે હોય છે કે તમણે સ્વર્ગલોક પર રાજ કરવું હોય.’
દેવરાજ ઇન્દ્ર: ‘ઋષિવર, માતા શક્તિની તમારા પર કૃપા અપરંપાર છે. તમે જો એક સુરક્ષાકવચ બનાવી લો તો અસુરો કઈ રીતે સ્વર્ગલોકમાં પ્રવેશી શકે.’
Also read: અલખનો ઓટલો: ગુજરાતનાં લોકનૃત્યો ને લોકસંગીત
ઋષિ ત્વષ્ટા: ‘દેવરાજ મારે તમારી સાથે આ બાબતે કોઈ ચર્ચા કરવી નથી, હું જાણું છું કે આ વાત તમને દેવગુરુ બૃહસ્પતીએ જ કહી હશે, હવે તમે અહીંથી જાવ હું દેવગુરુ બૃહસ્પતી સાથે જ ચર્ચા કરીશ.’ (ક્રમશ:)