…તો અમે મહારાષ્ટ્રના બધા જ ટોલ નાકાને આગ લગાવી દઇશું…ટોલના મુદ્દે રાજ ઠાકરે ફરી આક્રમક

મુંબઇ: છેલ્લાં કેટલાંય દિવસથી મહારાષ્ટ્રના ટોલનાકાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કેટલાંક કાર્યકર્તા અને પદાધિકારીઓએ આ અંગે અવાજ ઉઠાવતા પક્ષાધ્યક્ષ રાજ ઠાકરેએ આ ટોલના મુદ્દે મુખ્ય પ્રધાન સાથે બેઠક યોજી પોતાની ભૂમિકા સ્પષ્ટ કરશે તેવી જાહેરાત કરી છે. આ મુદ્દે આજે ફરી એકવાર રાજ ઠાકરેએ પત્રકાર પરિષદ યોજી પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તથા રાજ્યના ટોલનાકા પર આગ લગાવી દેશે તેવી ચેતવણી પણ શિંદે-ફડણવીસ સરકારને આપી હતી.
છેલ્લાં ચાર દિવસથી અવિનાશ જાધવ તથા અન્ય કાર્યકર્તાઓ ટોલમાં થયેલ વધારાના વિરોધમાં થાણેમાં વિવિધ સ્થળોએ ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે. મને રાજ્ય સરકાર તરફથી એક પત્ર આવ્યો છે. જેમાં બધુ જ નોંધવામાં આવ્યું છે. કોને કોને ટોલમાંથી બાકાત રાખવામાં આવ્યા છે અને કોણે ટોલ ભરવો પડશે એ આ પત્રમાં નોંધવામાં આવ્યું છે. ટોલના બધા રુપિયા કેશમાં આવે છે તો આ રુપિયા જાય તે ક્યાં? તેનું શું થાય છે? એ ને એ જ કંપનીઓને ટોલનો કોન્ટ્રાક્ટ કઇ રીતે મળી રહ્યો છે? અને છતાં પણ રસ્તા પર ખાડા જ પડવાના હોય તો આખરે આ ટોલના રુપિયા જાય છે ક્યાં? આપડે જે રોડ ટેક્સ ભરી રહ્યાં છે એ ક્યાં જાય છે? આની કોઇને જ જાણકારી નથી. ખૂબ જ ખરાબ રસ્તા પરથી પ્રવાસ કરવો પડે છે. એવું રાજ ઠાકરેએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું.
રાજ ઠાકરે એ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ઠાકરે જૂથના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, ભાજપના સ્વર્ગવાસી નેતા ગોપીનાથ મુંડે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ટોલમૂક્ત મહારાષ્ટ્ર સંદર્ભે કરેલા જૂના નિવેદનોની વિડીયો ક્લિપ પત્રકારોને સંભળાવી હતી.
ટોલ એ મહારાષ્ટ્રનું સૌથી મોટું સ્કેમ છે. હું આ સંદર્ભે મુખ્ય પ્રધાનને મળવાનો છું. તેમનો શું જવાબ મળે છે એ જોઇએ હમાણાં જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે ફોર વ્હિલર અને ટુ-વ્હિલર માટે ટોલ નથી. તો અમારા કાર્યકર્તા દરેક ચોલ પર ઊભા રહેશે અને ટુ-વ્હિલર અને ફોર-વ્હિલરને ટોલ નહીં ભરવા દે. જો આ અંગે કોઇ વિરોધ કરશે તો અમે બધા જ ટોલનાકા પર આગ લગાવી દઇશું. આગળ મહારાષ્ટ્ર સરકારને જે કરવું હશે તે કરે. આવા શબ્દોમાં રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને મનસેની આક્રમક ભૂમીકા અંગે ઇશારો કર્યો હતો.