શ્રેયસને અચાનક કૅપ્ટન્સી મળીઃ ટીમમાં પૃથ્વીના સમાવેશથી આશ્ચર્ય ફેલાયું
મુંબઈઃ રણજી ટ્રોફીની ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈની ટીમ હાલની રણજી સીઝનમાં અજિંક્ય રહાણેના સુકાનમાં એક પછી એક વિજય મેળવીને પૉઇન્ટ્સ-ટેબલમાં ગ્રૂપ એ'માં ત્રીજા નંબર પર આવી ગઈ છે, પરંતુ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આગામી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈની ટીમનું સુકાન શ્રેયસ ઐયરને સોંપવામાં આવ્યું છે અને રહાણે તેના સુકાનમાં રમશે.
આ પણ વાંચો: ફાઇનલ થઈ ગયું, રોહિત પ્રથમ ટેસ્ટમાં નહીં રમેઃ ટીમ વિશેના ફેરફારોનું લેટેસ્ટ જાણી લો…
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 23મી નવેમ્બરથી 15મી ડિસેમ્બર સુધી ચાલશે. શ્રેયસના નેતૃત્વ હેઠળની ટીમમાં ઓપનિંગ બૅટર પૃથ્વી શો પણ સામેલ છે. તેનો સમાવેશ નવાઈ પમાડનારો છે, કારણકે તાજેતરમાં ફિટનેસના અભાવ તેમ જ ગેરવર્તન સંબંધિત મુદ્દાને કારણે તેને રણજી ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો.
મુંબઈની ટીમમાં યુવાન બૅટર સિદ્ધેશ લાડનો પણ સમાવેશ કરાયો છે જે બહુ સારા ફૉર્મમાં છે. શ્રેયસ ઐયર રણજી ટ્રોફીમાં ખૂબ સારું રમી રહ્યો છે અને ટેસ્ટ ટીમમાં કમબૅક કરવા આશાવાદી છે. તેણે હાલની રણજી ટ્રોફીમાં બે સેન્ચુરી સહિત 90.40ની સરેરાશે કુલ 452 રન બનાવ્યા છે. તેણે મહારાષ્ટ્ર સામે 190 બૉલમાં 142 રન અને ઓડિશા સામે 228 બૉલમાં 233 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝ જીતી લીધી…
તનુષ કોટિયન સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર છે અને તેને તાજેતરમાં ઇન્ડિયા
એ’ ટીમ સાથે ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યો હતો. તેને તેમ જ પેસ બોલર શાર્દુલ ઠાકુરને પણ મુશ્તાક અલી ટ્રોફી માટેની મુંબઈની ટીમમાં સમાવવામાં આવ્યા છે.
મુંબઈની ટીમઃ
શ્રેયસ ઐયર (કૅપ્ટન), પૃથ્વી શો, અંગક્રિશ રઘુવંશી, જય બિસ્ટા, અજિંક્ય રહાણે, સિદ્ધેશ લાડ, સૂર્યાંશ શેડગે, સાઇરાજ પાટીલ, હાર્દિક તમોરે (વિકેટકીપર), આકાશ આનંદ (વિકેટકીપર), શમ્સ મુલાની, હિમાંશુ સિંહ, તનુષ કોટિયન, શાર્દુલ ઠાકુર, મોહિત અવસ્થી, રૉયસ્ટન ડાયસ અને જુનેદ ખાન.