આમ આદમી પાર્ટીમાં બળવો! આ નેતાએ પાર્ટી અને પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું
દિલ્હી: સત્તાધારી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી સરકારના પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે પ્રધાન પદ અને પાર્ટીના પદ પરથી રાજીનામું (Kailash Gehlot Resigns) આપી દેતા ખડભડાટ મચી ગયો છે. મુખ્ય પ્રધાન આતિષીએ (CM Atishi)પણ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ પ્રસંગે કૈલાશ ગેહલોતે એક નિવેદન આપતા આમ આદમી પાર્ટીની ટીકા કરી છે.
કૈલાશે ગેહલોતે લખ્યું કે, ‘શીશમહેલ જેવા ઘણા શરમજનક અને વિચિત્ર વિવાદો છે, જેના પર હવે દરેક શંકા કરી રહ્યા છે કે શું આપણે હજી પણ તેઓ આમ આદમી હોવાનું માની શકીએ? હવે સ્પષ્ટ છે કે જો દિલ્હી સરકાર પોતાનો મોટાભાગનો સમય કેન્દ્ર સામે લડવામાં વિતાવે તો દિલ્હીની વાસ્તવિક પ્રગતિ થઈ શકે નહીં. મારી પાસે AAPથી અલગ થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી અને તેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.’
યમુના સાફ ના થઇ:
કૈલાશે ગેહલોતે કહ્યું કે કેન્દ્ર સાથે લડવું એ સમયનો વ્યય છે. આમ આદમી પાર્ટી માત્ર રાજકીય એજન્ડા માટે લડી રહી છે. કેજરીવાલે પોતાના માટે આલીશાન ઘર બનાવ્યું. આમ આદમી પાર્ટી સામાન્ય માણસના મુદ્દા ઉઠાવતી નથી. અમે વચન આપ્યું હતું પણ યમુનાને સાફ ન કરી શક્યા. યમુના આજે સૌથી વધુ પ્રદૂષિત છે. તેઓ દિલ્હીની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી કરી નથી શક્યા.
EDએ પૂછપરછ કરી હતી:
દિલ્હી લીકર કૌભાંડ કેસમાં EDએ કૈલાશ ગેહલોતની પૂછપરછ કરી ચુકી છે. આ સિવાય લીકર કૌભાંડ કેસનો આરોપી વિજય નાયર કૈલાશ ગેહલોતના સત્તાવાર આવાસમાં રહેતો હતો, જેનો ઉલ્લેખ EDએ તેની ચાર્જશીટમાં અને વિજય નાયરની રિમાન્ડ નોટમાં પણ કર્યો છે.
આ પણ વાંચો : અમિત શાહની વિદર્ભની તમામ રેલીઓ રદ, અચાનક નાગપુરથી દિલ્હી જવા રવાના
દિલ્હી બીજેપીએ શું કહ્યું:
દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે અમે જે આરોપો લગાવતા હતા તેની આજે કૈલાશ ગેહલોતે પુષ્ટિ કરી છે. AAP પાર્ટી જૂઠાણાંનું પોટલું છે જેનો હવે પર્દાફાશ થઈ રહ્યો છે. પહેલા રાજેન્દ્ર પાલ ગૌતમ, રાજકુમાર આનંદ અને હવે કૈલાશ ગેહલોત. કેન્દ્ર સરકારે યમુનાને સાફ કરવા માટે 8500 કરોડ આપ્યા, તે પૈસાનું શું થયું? તમે માત્ર દિલ્હીને બરબાદ કરી છે.