એક શહેર કે ગામમાંથી બીજા ગામ કે શહેરમાં જવું અત્યારે સરળ થઈ ગયું છે. એસી કોચવાળી ટ્રેનથી લઈ એરલાઈન્સ ફ્લાઈટની સુવિધાઓ હાથવગી છે. રોડનેટવર્કમાં પણ બેસ્ટ ક્નેક્ટિવિટીથી ઘણા રસ્તા ખરા અર્થમાં સમય બચાવનારા બની રહ્યા છે. ઘણીવાર બીજા શહેરનાં લોકેશન જોઈને મજા આવી જાય છે.
આવા જ અનુભવમાં થોડો ઔર વધારો કરવા માટે ગૂગલે રિયલટાઈમ અપડેટ મૂકી છે. જોકે, અત્યારે એમાં એક જ વિષય છે. એ છે પ્રદૂષણ. દિલ્હીથી લઈને દહેરાદૂન સુધી, ઓખાથી લઈને ઓડિશા સુધી , કાશ્મીરથી લઈને ધનુષકોટી સુધી પ્રદૂષણને કારણે પ્રજા પરેશાન છે. દરવર્ષે શિયાળામાં દિલ્હીની હાલત દયા આવે એવી બની જાય છે.
આ પરિસ્થિતિમાં ગૂગલે ‘રિયલટાઈમ’ ફિચર ઉમેરીને લાઈવ ‘એક્યૂઆઈ’ બતાવવા પગલું ભર્યું છે. ગૂગલ મેપ્સ પર હવે રિયલટાઈમ AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) જોઈ શકાય છે. એક રિપોર્ટ એવું કહે છે કે, ૨ મિલિયનથી વધારે લોકો ગૂગલ મેપ્સ એપનો ઉપયોગ કરે છે. આ એપ્લિકેશનનો ઉપયોગ રાત્રીના સમયે વધારે થાય છે. ખાસ કરીને, હાઈ-વે પર ટ્રાવેલ કરનારા લોકો ચોક્કસ સ્થળ સુધી પહોંચવા માટે એનો ઉપયોગ કરે છે.
ગૂગલ મેપ્સની એક નવી અપડેટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવે એમાં લાઈવ ફીડ દેખાશે. જે રીતે આપણું વાહન ફરે એમ એમાં ટ્રેકિંગ થાય છે એમ જે તે સ્થળે પ્રદૂષણની માત્રા જાણી શકાશે. એપ્લિકેશનમાંથી આ અંગેની ટિપ્સ પણ મળશે. આ ટિપ્સ અનુસાર તકેદારી પણ રાખી શકાશે.
ગૂગલ મેપ્સમાં દર કલાકે આ AQI અપડેટ થશે એવું કંપની કહે છે. આ ફિચર આપણે ત્યાં આ વર્ષે આવ્યું. ભારત સિવાયના દેશમાં એ ઘણા સમયથી કાર્યરત છે. મેપ્સમાં લેયર્સ આઈકોન પર ક્લિક કરી એર ક્વોલિટી ઓપ્શન સિલેક્ટ કરવાથી આ જાણકારી મળશે. આ સાથે ટિપ્સ પણ મળશે કે, એર ક્વોલિટી સામાન્ય છે કે જોખમી.
એપ્લિકેશનમાં એ પણ અપડેટ આવશે કે, જોખમી આબોહવા વખતે ઘરની બહાર નીકળવું નહીં. આ સિવાય જો વાત કરવામાં આવે તો સ્ટ્રીટ વ્યૂની સાથે તે હવે લાઈવ વ્યૂ પણ આપશે. સૌથી ખાસ વાત એ છે કે, જે તે ડેસ્ટિનેશન જો ટુરિસ્ટ સ્પોટ હશે તો એ લોકેશનનો પ્રાઈમ ટાઈમ બતાવશે.
કયા સમયે સૌથી વધુ રશ હોય છે એ પણ કહેશે. સારી વાત છે કે, હવે જે તે ડેસ્ટિનેશન સુધીના આખા રૂટને ઓફલાઈન સેવ કરી શકાય છે. ઓટો સેટિંગ એટલું મસ્ત છે કે, સાંજ પડતા જ ગૂગલ મેપ્સ ડાર્ક મોડમાં ફેરવાઈ જાય છે અર્થાત રાત પડી ગઈ છે. આવી રિયલટાઈમ અપડેટ ટ્રાવેલનો આનંદ વધારી દે છે.
આ ઉપરાંત મેપ્સમાં હવે એડવાન્સથી જે તે હોટેલ, ધાબા કે રેસ્ટોરાં જે હાઈ-વે પર છે અને રૂટમાં આવે છે એને લોકેટ કરી શકો છો. નવા ધાબા કે રેસ્ટોરાં પણ જોવા મળશે.
ગૂગલ મેપ્સ પર રેટિંગના ફિચર્સે પણ લોકોને મોટી ચોઈસ આપી દીધી. જે તે હોટેલ લોકેટ થયા બાદ એની અંદર કેવું બેસવાનું છે એ પણ જોઈ શકાય છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાનું થાય એ સમયે આવા ફિચર્સ આશીર્વાદ રૂપ સાબિત થાય છે. કયા રસ્તા પર શું આવશે એની એડવાન્સ જાણકારીથી ઘણો ફાયદો થાય છે.
મેપ્સમાં બીજી સારી વાત એ છે કે, વૈકલ્પિક રસ્તો પણ બતાવે છે, જેમાં સમયની ગણતરી કરીને જે તે સમય કહે છે. ખાસ કરીને જ્યારે નાઈટ ટ્રાવેલ કરવાનું થાય ત્યારે આ ઘણી રીતે ટાઈમિંગ બાબતે કામ આવે છે. પણ ઘણા ઓછા લોકો જાણતા હશે કે, મેપ્સમાં જોવા મળતો સમય નોન-સ્ટોપ ડ્રાઈવિંગ કેલક્યુલેશન પણ હોય છે જ્યારે બે રાજ્ય વચ્ચે થતી લાંબા અંતરની મુસાફરીમાં બ્રેક અનિવાર્ય હોય છે.
વાત જ્યાં રિયલ ટાઈમની થઈ રહી છે તો એ વાત પણ ખરી છે કે, મેપ્સમાં જે રૂટ પર ટ્રાફિક જામ હોય એ અગાઉથી એલર્ટ આપે છે. જે તે રૂટ પર રેડમાર્ક કરીને એલર્ટ કરે છે. આ સાથે એક મર્યાદા એવી પણ છે કે, જ્યારે ફોર લેન કે ટુ લેન રોડ હોય ત્યારે એ જ વે તે સ્ક્રિન પર બતાવે છે.
એના કારણે ઘણી વખત યુ-ટર્ન લઈને સામેની બાજું જવાનું પણ ઘણા લોકોને થયું જ હશે. એકથી વધારે બ્રિજ ક્નેક્શન હોય ત્યારે પણ થોડી મુંઝવણ થાય છે, કારણ કે સર્વિસલેન મેપમાં દેખાડે એના કરતાં ઘણી દૂર હોય છે. ટેકનોલોજીની એક જ એપ્સ પર આટલું બધું શક્ય છે તો કેટલીક મર્યાદા પણ સ્વીકારવી પડે.
આઉટ ઓફ ધ બોક્સ
ઑક્ટોબર ૨૦૧૦માં ‘ઈન્સ્ટાગ્રામ’ લોંચ થયું, પણ શોર્ટ વીડિયો એપ ‘ટિકટોક’ બંધ થતા ‘ઈન્સ્ટા’ એ આ વીડિયો સ્પેસની તક ઝડપીને પોતાના યુઝર્સ વધાર્યા.