તણાવ વચ્ચે બાંગ્લાદેશને વીજળી પહોંચાડી રહ્યું છે ભારત; ત્રણ દેશો વચ્ચેનો મહત્વપૂર્ણ કરાર…
નવી દિલ્હી: બાંગ્લાદેશ સાથે ભારતનાં સબંધો ભલે બગડી રહ્યા છે પરંતુ આ દરમિયાન ભારતે નેપાળથી બાંગ્લાદેશને વીજળી પહોંચાડવામાં મદદ કરી છે. ત્રણેય દેશો વચ્ચેનો આ પ્રથમ પ્રયાસ છે કે જ્યારે ઉર્જા સહયોગને વેગ આપશે. નેપાળ અને બાંગ્લાદેશ બંને લાંબા ગાળા માટે વીજળીનો વ્યાપાર કરવા માંગે છે. ભારતે ગયા મહિને જ બંને દેશો સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર ભારતની ટ્રાન્સમિશન લાઇન દ્વારા વીજળી પહોંચાડવા માટે કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : પ્રદૂષણે માઝા મૂકી, દિલ્હી બાદ હરિયાણામાં પણ ધો.5 સુધી સ્કૂલો બંધ…
ભારત સરકારે આ પ્રસંગને ઐતિહાસિક ગણાવ્યો છે. સરકારે કહ્યું હતું કે છે કે આનાથી વીજળી ક્ષેત્રે કનેક્ટિવિટી વધશે. જૂન 2023માં નેપાળના પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડની ભારત મુલાકાત દરમિયાન ભારતે આ જાહેરાત કરી હતી. ભારતે કહ્યું હતું કે તે નેપાળથી બાંગ્લાદેશને 40 મેગાવોટ સુધી વીજળી પૂરી પાડવામાં મદદ કરશે.
બાંગ્લાદેશની સ્થિતિને લીધે થયો વિલંબ
કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ, બાંગ્લાદેશના ઉર્જા સલાહકાર ફૌજુલ કબીર ખાન અને નેપાળના ઉર્જા મંત્રી દીપક ખડકાએ વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં આ વીજળી પ્રવાહનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ નેપાળ સરકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ તકે સરકારે જણાવ્યું હતુ કે “આ ઐતિહાસિક પ્રસંગ ભારતીય ગ્રીડ દ્વારા કરવામાં આવેલ પ્રથમ ત્રિપક્ષીય વીજ વ્યવહારને ચિહ્નિત કરે છે.” NTPC ઈલેક્ટ્રીસિટી ટ્રેડિંગ કોર્પોરેશન, નેપાળ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી (NEA) અને બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ વચ્ચે ગયા મહિને કાઠમંડુમાં કરાર થયા હતા. બાંગ્લાદેશમાં રાજકીય સંકટને કારણે આ કરાર થોડા મહિના માટે સ્થગિત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ભારતના અગ્નિ મિસાઇલ માત્ર આટલા સમયમાં પાકિસ્તાનને ટાર્ગેટ બનાવી શકે છે
બાંગ્લાદેશમાં વીજળીની અછત
બાંગ્લાદેશમાં વીજળીની અછત વર્તાઇ રહી છે. આવી સ્થિતિમાં ભારતની મદદ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખડકાએ જણાવ્યું હતું કે “આ ગ્રીન એનર્જી પહેલ ઔદ્યોગિક વિકાસ અને પ્રાદેશિક સમૃદ્ધિનું વચન આપે છે,” NEA 15 જૂનથી 15 નવેમ્બર સુધી દર વર્ષે વરસાદની ઋતુ દરમિયાન બાંગ્લાદેશને વીજળી વેંચશે. શરૂઆતમાં, નેપાળ અહીંથી ઉત્પન્ન થતી 40 મેગાવોટ વીજળી ભારત થઈને બાંગ્લાદેશ મોકલશે.