રણજીમાં સૌરાષ્ટ્ર એક દાવથી જીત્યું, મુંબઈનો નવ વિકેટે વિજય…
ગુજરાતે ગઈ સીઝનના રનર-અપ વિદર્ભને જીતવા ન દીધું, શમીએ કુલ સાત વિકેટ લઈને બેંગાલને જિતાડ્યું
ચંડીગઢ/નવી દિલ્હીઃ સૌરાષ્ટ્રએ અહીં રણજી ટ્રોફીમાં એલીટ, ગ્રૂપ ડી’ની મોખરાની ટીમ ચંડીગઢને એક દાવ અને 59 રનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં બોનસ પૉઇન્ટની મદદથી પ્રગતિ કરી હતી. સૌરાષ્ટ્ર હવે કુલ સાત પૉઇન્ટ મેળવવાની સાથે 11 પૉઇન્ટ લઈને પાંચમા સ્થાને આવી ગયું છે. ચંડીગઢની સર્વોચ્ચ ટીમના ખાતે 19 પૉઇન્ટ છે. સૌરાષ્ટ્રએ પ્રથમ દાવમાં નવ વિકેટે 531 રન બનાવ્યા હતા જેના જવાબમાં ચંડીગઢ પહેલા દાવમાં 249 રન બાદ ફૉલો-ઑન પછી બીજા દાવમાં ફક્ત 223 રને ઑલઆઉટ થઈ ગયું હતું.
આ પણ વાંચો : જોહનિસબર્ગના 2018ના ટી-20 મુકાબલા પછી કેટલી બદલાઈ ગઈ છે ટીમ ઇન્ડિયા? છ વર્ષમાં નવ ખેલાડીની થઈ છુટ્ટી
કૅપ્ટન જયદેવ ઉનડકટ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બેઉ દાવમાં ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. યુવરાજસિંહ ડોડિયાએ મૅચમાં કુલ પાંચ વિકેટ મેળવી હતી. સૌરાષ્ટ્ર વતી રમાયેલા એકમાત્ર દાવમાં 354 બૉલની મૅરથોન ઇનિંગ્સમાં 198 રન બનાવનાર ચિરાગ જાનીને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. દિલ્હીમાં સર્વિસીઝ સામે મુંબઈનો નવ વિકેટે વિજય થયો હતો.
મુંબઈએ 135 રનનો નાનો લક્ષ્યાંક એક જ વિકેટ ગુમાવીને 137 રનના સ્કોર સાથે હાંસલ કરીને છ પૉઇન્ટ મેળવ્યા હતા. ઓપનર આયુષ મ્હાત્રે શનિવારે બીજા દાવમાં ફક્ત ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ પ્રથમ દાવમાં તેણે જે 116 રન બનાવ્યા હતા એનાથી મુંબઈની જીતનો પાયો નખાયો હતો જે બદલ તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો. મુંબઈના શાર્દુલ ઠાકુરે મૅચમાં કુલ સાત અને મોહિત અવસ્થીએ છ વિકેટ લીધી હતી.
મુંબઈ ગ્રૂપએ’માં બાવીસ પૉઇન્ટ સાથે હવે નંબર-વન બરોડા (27 પૉઇન્ટ) અને જમ્મુ-કાશ્મીર (23 પૉઇન્ટ)ની નજીક ત્રીજા સ્થાને આવી ગયું છે.
દરમ્યાન, બરોડાએ બે દિવસ પહેલાં જ મેઘાલય સામે એક દાવ અને 261 રનથી વિજય મેળવ્યો હતો, પરંતુ ગુજરાતની ગઈ સીઝનના રનર-અપ વિદર્ભ સામેની મૅચ ડ્રૉમાં પરિણમી હતી. ગુજરાતના પ્રથમ દાવના 343 રન બાદ વિદર્ભએ કરુણ નાયર સહિતના ત્રણ બૅટરની સદીની મદદથી બનેલા 545/9ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો. વિદર્ભની ટીમને મળેલી 202 રનની લીડ બદલ ગુજરાત મુશ્કેલીમાં આવી શકે એમ હતું, પરંતુ શનિવારે બીજા દાવમાં ઉમંગ કુમાર (88 બૉલમાં) 50 રનની, વિકેટકીપર હેત પટેલ (129 બૉલમાં) 77 રનની, જયમીત પટેલ (96 બૉલમાં) 21 રનની અને વિશાલ જયસ્વાલ (35 બૉલમાં) 16 રનની જે ઇનિંગ્સ રમ્યા એને કારણે ગુજરાત આ મૅચમાં વિદર્ભને જીતથી વંચિત રાખી શક્યું હતું. મનન હિંગરાજિયાએ 34 બૉલમાં 19 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં વિશાલના 112 રન, કૅપ્ટન ચિંતન ગજાના અણનમ 86 અને ઓપનર પ્રિયાંક પંચાલના 88 રન હતા.
આ પણ વાંચો : રણજીમાં સૌરાષ્ટ્રનો ચિરાગ જાની બે રન માટે ડબલ સેન્ચુરી ચૂક્યો
ઇન્દોરમાં બેંગાલે મધ્ય પ્રદેશને રોમાંચક મુકાબલામાં 11 રનથી હરાવ્યું હતું. મોહમ્મદ શમી આ મૅચનો હીરો હતો. તેણે બેંગાલ વતી પ્રથમ દાવમાં ચાર અને બીજા દાવમાં ત્રણ વિકેટ લીધી હતી. તેના ભાઈ મોહમ્મદ કૈફને મૅચમાં કુલ ત્રણ વિકેટ મળી હતી. શમીએ બીજી ઇનિંગ્સમાં 36 બૉલમાં બે સિક્સર અને બે ફોરની મદદથી 37 રન બનાવીને મૅચમાં ઑલરાઉન્ડ પર્ફોર્મ કર્યું હતું.