Kangana Ranaut એક જ મિનિટમાં ફરી ગઈઃ પહેલા કહ્યું- ‘બટેંગે તો કટેંગે’ અમારો મુદ્દો નથી, પછી કહી આ વાત
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપેલું સૂત્ર ‘બટેંગે તો કટેંગે’ ઘણું ચર્ચામાં છે. બોલિવૂડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, બટેંગે તો કટેંગે કે વોટ જિહાદ જેવા મુદ્દા વિપક્ષે ઉભા કર્યા છે. બાદ જ્યારે તેને કહેવામાં આવ્યું કે, આ સૂત્ર યોગી આદિત્યનાથે આપ્યું છે તો કહ્યું આ એકતાનું આહ્વાન છે.
આ પણ વાંચો: બટેંગે તો કટેંગે તે બરાબર, પણ હિંદુઓને એક કઈ રીતે કરવા?
નાગપુરમાં ભાજપના સાંસદ કંગના રનૌતે કહ્યું, ‘બટેંગે તો કટેંગે’ કે વોટ જિહાદ વિપક્ષનો મુદ્દો છે. આ અમારો મુદ્દો નથી. વિપક્ષો ખુદ તેમની કબર ખોદી રહ્યા છે. બીજેપી તેના કામના આધારે જીતે છે. આ મુદ્દા વિપક્ષે ઉઠાવ્યા છે. જાતિના આધારે વહેંચવાનું કામ વિપક્ષનું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, યોગી આદિત્યનાથે બટેંગે તો કટેંગે સૂત્ર આપ્યું છે. આ સૂત્રને લઈ કોંગ્રેસ આક્રમક છે. જેના જવાબમાં તેણે કહ્યું, આ એકતાનું આહ્વાન છે. નારાને હવે સામાન્ય લોકો સમજી રહ્યા છે. આ આપણી એકતા છે. અમે પરિવારમાં એક જ વાત કહીએ છીએ કે બધાએ એકજૂથ રહેવું જોઈએ. અમારો પક્ષ ધર્મનિરપેક્ષ પક્ષ છે. અમારી પાર્ટી બધાને સાથે લઈને ચાલે છે. જો આપણે સાથે રહીશું તો પીઓકે પણ ભારતમાં આવી જશે. વિપક્ષ લોકોને વિભાજિત કરવામાં વ્યસ્ત છે.
રાહુલ ગાંધીને લીધા આડેહાથ
રાહુલ ગાંધીને આડેહાથ લેતા કંગના રનૌતે કહ્યું, આપણા વડાપ્રધાનના વ્યક્તિત્વની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. તેમને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા કહેવામાં આવે છે. વિપક્ષ તેમની ઉપલબ્ધિથી ખુશ નથી. વડાપ્રધાન એક કલાકનું ભાષણ આપે છે પરંતુ તે ક્યારેય પેપર નથી જોતા. રાહુલ ગાંધીને ચિઠ્ઠી આપવી પડે છે, તે એક મિનિટ વાત નથી કરી શકતા. તેમની મેમરી લૉસ થઈ છે.