Punjab: સુખબીર સિંહ બાદલે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું…
ચંદીગઢઃ પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે શિરોમણી અકાલી દળ (SAD)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ સુખબીર સિંહ સામે અસંતોષ વધવા લાગ્યો હતો. પક્ષના એક જૂથે ખુલ્લેઆમ બાદલ સામે મોરચો ખોલ્યો હતો. જોકે બાદમાં તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Video: ગુરુ નાનક જયંતિ પર રોશનીથી જગમગી ઉઠ્યું સુવર્ણ મંદિર…
શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે નવા અધ્યક્ષની ચૂંટણીનો માર્ગ મોકળો કરવા માટે આજે પાર્ટીની કાર્યકારી સમિતિને પોતાનું રાજીનામું મોકલ્યું હતું તેમ પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી દલજિત સિંહ ચીમાએ જણાવ્યું હતું. તેમણે તેમના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવા અને તેમના કાર્યકાળ દરમિયાન પૂરા દિલથી સમર્થન અને સહયોગ આપવા બદલ પક્ષના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.
અકાલી દળે વર્કિંગ કમિટીની ઈમરજન્સી બેઠક બોલાવી
શિરોમણી અકાલી દળની કાર્યકારી સમિતિના અધ્યક્ષ એસ. બલવિંદર એસ. ભૂંદરે 18 નવેમ્બરે બપોરે 12 વાગ્યે ચંદીગઢમાં પાર્ટી મુખ્યાલયમાં પાર્ટીની કાર્યકારી સમિતિની ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ સમિતિ સુખબીર સિંહ બાદલ દ્વારા અપાયેલા રાજીનામાની વિચારણા કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં હિન્દુ શ્રદ્ધાળુની ગોળી મારીને હત્યા, નનકાના સાહિબ જતી વખતે બની ઘટના…
શિરોમણી અકાલી દળના અધ્યક્ષ, પદાધિકારીઓ અને કાર્યકારી સમિતિના પદ માટે ચૂંટણી 14 ડિસેમ્બર, 2024ના રોજ યોજાવાની છે. વર્તમાન સભ્યોનો પાંચ વર્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. દલજિતસિંહ ચીમાએ જણાવ્યું હતું કે, શિરોમણી અકાલી દળ એક લોકશાહી પક્ષ છે અને પક્ષના બંધારણ અનુસાર દર પાંચ વર્ષે અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાય છે. અગાઉ 14 ડિસેમ્બર, 2019ના રોજ ચૂંટણી યોજાઈ હતી. તેમણે કહ્યું કે પાર્ટીની કાર્યકારી સમિતિની બેઠક 18 નવેમ્બરે યોજાશે. રાજીનામાની વિચારણા કરવામાં આવશે અને ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે. પક્ષના અધ્યક્ષની ચૂંટણી કોઈપણ લડી શકે છે. જેની પાસે બહુમતી હોય તે પક્ષના અધ્યક્ષ તરીકે ચૂંટાય છે.