ચૂંટણી દરમિયાન મુંબઈ પોલીસનું સૌથી મોટું ઑપરેશનઃ ચાંદી ભરેલો ટ્રક પકડ્યો…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થશે. જેને ધ્યાનમાં લઈ ચૂંટણી પંચ અને પોલીસ વિભાગ સતર્ક છે અને અત્યાર સુધીમાં ઘણી રોકડ રકમ પકડી પાડી છે, પરંતુ આજ મુંબઈ પોલીસે એક ચાંદી ભરેલો ટ્રક પકડ્યો છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ટેન્ક તૂટતા ત્રણનાં મોત
ઘણી જગ્યાએ રોકડ, સોનું, ચાંદી અને દારૂનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. મતદાનના ચાર દિવસ પહેલા જ મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. એક ટ્રકમાં 8,476 કિલો ચાંદી હતી. તેની કિંમત લગભગ 80 કરોડ રૂપિયા છે. ચાંદીનો આટલો મોટો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી છે.
માનખુર્દ પોલીસ વાશી ચેકપોઇન્ટ પર વાહનોની તપાસ કરી રહી છે. આ તપાસ દરમિયાન શુક્રવારે રાત્રે એક વાહનની તપાસ કરવામાં આવી હતી. પોલીસને આ મોટી ટ્રકમાંથી ચાંદી મળી આવી હતી. ચાંદીનો મોટો જથ્થો જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. આ ચાંદીનું વજન કરવામાં આવ્યું હતું. 8,476 કિલો ચાંદી ભરાઈ હતી. તે ચાંદીની બજાર કિંમત લગભગ 80 કરોડ રૂપિયા છે.
અધિકારીઓએ પૂછપરછ માટે ડ્રાયવરની અટકાયત કરી છે. પોલીસે આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચની ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી. હવે આવકવેરા વિભાગના અધિકારીઓ આ ચાંદીના માલિકને શોધી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ચાંદી ગેરકાયદેસર રીતે રાજ્યમાં ઘુસાડવામાં આવી છે, ત્યારે તેનો ચૂંટણી સંબંધિત કામકાજમાં ઉપયોગ થવાનો હતો કે શું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : ઉદ્ધવ અને પવારના વિરોધ છતાં મોદી વકફ એક્ટમાં સુધારો કરશે: અમિત શાહ
આ ઉપરાંત જલગાંવ જિલ્લામાં આચારસંહિતા લાગુ થયા બાદ અત્યાર સુધીમાં 4 કરોડ 20 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. 10 કરોડથી વધુનો ગેરકાયદેસર દારૂ, માદક દ્રવ્યો અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જિલ્લામાં ખાનગી બસો, એસટી બસો, અન્ય ફોર વ્હીલર અને ઉમેદવારોના રાજકીય પદાધિકારીઓના વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે.