પોરબંદરની સરકારી હૉસ્પિટલમાં ડોકટરોને મહિને આટલા પગારની ઓફર
દેશભરમાં અને ગુજરાતમાં નિષ્ણાતો તબીબોની ઘણી જગ્યાઓ ખાલી છે ત્યારે સરકારી હૉસ્પિટલોમાં ડૉક્ટર્સનો અભાવ માત્ર જનતાને નહીં સરકારને પણ પજવી રહ્યો છે.
એક અહેવાલ અનુસાર ગુજરાત મેડિકલ એન્ડ રીસર્ચ સોસાયટી (જીએમઇઆરએસ)એ પોરબંદરમાં આવેલી તેની હોસ્પિટલમાં ફરજ બજાવવા માટે ડોકટરોને મહિને રૂ.5.22 લાખના માતબર પગારની ઓફર કરી હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ જીએમઇઆરએસએ ગત વર્ષે પોરબંદર, ગોધરા, રાજપીપળા, મોરબી અને નવસારીમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ શરૂ કરી છે. જોકે અત્રે કામ કરવા માટે ડોકટરો મળતા નહિ હોવાથી છેવટે જીએમઇઆરએસએ આવી લોભામણી ઓફર કરવી પડી છે. આવી અન્ય મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોકટરોને મળતા પગાર કરતાં બમણી અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરોને મળતાં પગાર કરતાં ત્રણ ગણી આ ઓફર હોવાનું એક અહેવાલમાં જણાવ્યું છે. જીએમઇઆરએસએ તેની ચાર હોસ્પિટલોમાં કામ કરવા માટે એક વર્ષના કોન્ટ્રાકટથી માતબર રકમના પગારની ઓફર કરી છે. પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરના હોદ્દાઓ માટે આ ઓફર કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે પગારની ઓફર પોરબંદર માટે કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પોરબંદર ખાતે ડોકટરોની ભરતી કરવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી હોવા છતાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી હોવાથી હવે માતબર પગારની ઓફર કરવી પડી છે.
જ્યારે ગોધરા, રાજપીપળા અને મોરબીમાં પ્રોફેસરોને માસિક રૂ.4.47 લાખનો પગાર આપવામાં આવશે. એસોસિએટ પ્રોફેસરોને માસિક રૂ.3.90 લાખ પગાર આપવામાં આવશે.