ટોચના કયા સાત ભારતીયોના નામથી મેગા આઇપીએલ ઑક્શનનો આરંભ થશે, જાણો છો?
રજિસ્ટ્રેશનમાંથી 1,000 ખેલાડીના નામની બાદબાકી, હવે માત્ર 574 પ્લેયરના નામ પર બોલી બોલાશે
મુંબઈઃ આગામી 24-25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદાહમાં આઇપીએલની 2025ની સીઝન પહેલાં મેગા ઑક્શન યોજાવાનું છે એ માટેના કુલ 12 માર્કી (ટોચના) ખેલાડીના નામ નક્કી થયા છે જેમાં સાત ભારતના અને પાંચ વિદેશના છે. ભારતના સાત માર્કી પ્લેયરમાં શ્રેયસ ઐયર, રિષભ પંત, કેએલ રાહુલ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનો સમાવેશ છે. પાંચ વિદેશી માર્કી પ્લેયરમાં જૉસ બટલર, કૅગિસો રબાડા, મિચલ સ્ટાર્ક, લિઆમ લિવિંગસ્ટન અને ડેવિડ મિલર સામેલ છે.
આ પણ વાંચો : Mike Tyson ને Jake Paul ને લાફો માર્યો; જાણો આ હાઈપ્રોફાઈલ મેચ ભારતમાં ક્યારે, ક્યાં જોવા મળશે…
આ માર્કી પ્લેયરના નામ સાથે હરાજીના રોમાંચક અને લાંબા કાર્યક્રમનો આરંભ થશે.
બીજી મુદ્દાની વાત એ છે કે દેશ-વિદેશના કુલ 1,574 ખેલાડીએ આ હરાજી માટે નામ નોંધાવ્યું હતું, પરંતુ સત્તાધીશોએ યાદીને શૉટલિસ્ટ કરી નાખી છે અને હવે કુલ 574 ખેલાડીની હરાજી થશે. એમાં 366 ભારતીય ખેલાડી સામેલ છે. 1,000 ખેલાડીના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.
ઇંગ્લૅન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર તાજેતરમાં જ ફુલ્લી ફિટ થઈને ફરી રમવા આવ્યો છે અને આઇપીએલ માટે પોતાના સારા ભાવની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ તેનું નામ આ 574 પ્લેયરના લિસ્ટમાં નથી. જોકે ઇંગ્લૅન્ડના જ પીઢ ફાસ્ટ બોલર અને તાજેતરમાં જ નિવૃત્ત થયેલા જેમ્સ ઍન્ડરસનનું નામ મેગા ઑક્શનની યાદીમાં છે.
આ પણ વાંચો : સચિન તેંદુલકર રોહિત-વિરાટને ખરાબ ફોર્મમાંથી ઉગારી શકશે? પૂર્વ હેડ કોચે BCCIને આપી સલાહ
81 ખેલાડીના નામ બે કરોડ રૂપિયાની મૂળ કિંમતના લિસ્ટમાં છે. અન્ય મૂળ કિંમતવાળા વર્ગની યાદી આ મુજબ છેઃ 1.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં 27 ખેલાડી, 1.25 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં 18, એક કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં 23, 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસમાં 92, 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસમાં આઠ, 40 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસમાં પાંચ તેમ જ 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસવાળી યાદીમાં કુલ 320 ખેલાડીના નામ સામેલ છે.